Kal Aur Aaj: Nikole Ward means Saurashtra-North Gujarat Fifty Fifty
  • Home
  • Ahmedabad
  • કલ ઔર આજ : નિકોલ વોર્ડ એટલે સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત ફિફ્ટી ફિફ્ટી

કલ ઔર આજ : નિકોલ વોર્ડ એટલે સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત ફિફ્ટી ફિફ્ટી

 | 4:07 am IST
  • Share

 

યે દુનિયા ગોલ હૈ ભાઈ… જો તમારે આ દુનિયા ગોળ છે એ જોવું હોય તો અમદાવાદના પૂર્વ વિસ્તારના નિકોલ વોર્ડમાં એક આંટો જરૂર મારવો જોઈએ. આ એક એવો વોર્ડ છે કે, તમે વોર્ડના કોઈ એક વિસ્તાર, કોઈ એક ખૂણામાંથી કે કોઈ એક નાની ગલીકુંચીમાંથી બહાર નીકળો તો તમે સરદાર પટેલ રિંગરોડ પર જ નીકળો… અને એ રિંગરોડ પર આવો એટલે તમે બરોડા એક્સપ્રેસ વેથી એક તરફ અમદાવાદ બીજી તરફ વડોદરા, ત્રીજી તરફ વાયા બાકરોલ ચોકડીથી, સનાથલ સર્કલ થઈ ઊભી વાટે ગાંધીનગર જઈ શકો… એટલે દુનિયા ગોલ હૈનું લાંબુ-ગોળાકાર સર્કલ પૂરું.

આમ તો નિકોલ વોર્ડનું નામ અહીંના સદીપુરાણા નિકોલ ગામ પરથી પડયું છે. નિકોલ ગામ જવા માટે વર્ષો પહેલાં એસટી બસ દ્વારા જવું પડતું હતું ત્યારે ગામમાં ઠાકોર, પટેલ, દલિત અને ચુનારા સમાજના લોકોના ઘર હતા પરંતુ સંપ ત્યાં જંપ એવો હતો કે, ગામ સબરંગમાં રંગાઈ ગયું હતું. નિકોલથી અમદાવાદ આવવાના આખાયે માર્ગ પર આંબા, લીમડાના વૃક્ષો હતા. એટલે આંબાવાડિયાના દૃશ્યો ઠેર ઠેર જોવા મળતા હતા પરિણામે નિકોલ ગામ બહારનો કેટલોક ભાગ આંબાવાડી તરીકે ઓળખાતો હતો અને પિૃમના આંબાવાડી વિસ્તાર કરતા વધુ મોટો હતો… અહીં ખેતરોનો પણ પાર ન હતો. દેશી ઘઉંની પેદાશ મુખ્ય હતી. વર્ષો સુધી નિકોલ ગામ અને તેની આસપાસનો વિસ્તાર ગ્રામપંચાયત હસ્તક હતો. પરંતુ આજથી દસ વર્ષ પહેલાં સમગ્ર વિસ્તારને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની હદમાં ભેળવાતા તે હવે મ્યુનિ. કોર્પોરેશનની હદના વિસ્તારનો એક ભાગ બની ગયો છે એમ કહેવા કરતા તેનું શહેરીકરણ થઈ રહ્યું છે.

હમ સબ એક હૈ

આ શહેરીકરણને કારણે ધીમે ધીમે વસતી વધતા નિકોલ વોર્ડમાં પટેલ, બ્રાહ્મણ, પ્રજાપતિ, પંચાલ, લુહાર, સુથાર, દરજી, કડિયા, દેવીપૂજક, દલિત અને થોડીક હિન્દીભાષી સમાજની વસતીનો એક ખાસ્સો મોટો વિસ્તાર પૂર્વના છેડે પથરાયેલો છે. પરંતુ સમગ્ર વોર્ડની વસતીને બે ભાગમાં વહેંચીએ તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના રહીશોની વસતી ફિફ્ટી-ફિફ્ટી છે. જેથી રાજકીય પક્ષોએ પણ અહીં ફિફ્ટી ફિફ્ટીનો હિસાબ રાખવો પડે છે. કોર્પોરેશનની ચૂંટણીમાં મહિલાઓની બે બેઠક પર સૌરાષ્ટ્રને અને પુરુષોની બે બેઠક પર ઉત્તર ગુજરાતને ફાળવી સરખો ન્યાય કરવામાં આવે છે. વિધાનસભાની ચૂંટણીમાં વારાફરતી ન્યાય આપવામાં આવે છે. આજ ગુજરાતી પટેલ કી ઔર કલ સૌરાષ્ટ્રવાસીનો રાજકીય ખેલ સુમેળે ચાલી રહ્યો છે.

લેકિન… ચુનાવ કે બાદ કી તો બાત હી મત કરો… સૌરાષ્ટ્રવાસીઓ કહે કે, પૂર્વનો પટ્ટો અમારો, ઉત્તર ગુજરાતવાસી કહે કે, પૂર્વના પટ્ટા પર અમારું રાજ… આ આંતરિક ઝઘડા વચ્ચે જો આર્િથક બાબતો અને વિકાસની વાત એટલે કે, આજનું નિકોલ મુંબઈના અંધેરી, જુહૂ અને વિલેપાર્લેની જેમ ફ્લેટો અને બંગલાઓની હારમાળાઓથી શોભી રહ્યું છે. એવી શોભામાંય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના બિલ્ડરોની સંખ્યા પણ ફિફ્ટી ફિફ્ટી છે અને તેઓ સ્વાદિષ્ટ ભોજનના લાંબા ઓડકાર આવે તેમ મબલખ કમાણી કરીને નિરાંતનો લાંબો ઊંડો શ્વાસ લઈ રહ્યા છે અને પિૃમ વિસ્તારના બડા બડા બિલ્ડરોની સાથે સ્પર્ધા કરી રહ્યાં છે એટલે કે, શહેરીકરણની પ્રથમ હવા અહીં નિકોલ વોર્ડમાં જોવા મળી રહી છે.

સમસ્યા હી સમસ્યા

પણ સાહેબ… ઊંચી ઊંચી ગગનચુંબી ઇમારતો, બંગલાઓ, ફાર્મહાઉસો કે રૂપિયાનો ઢગલો એ જ માત્ર વિકાસ નથી, દસ બાર વર્ષથી નિકોલ મ્યુનિ. કોર્પોરેશનની હદમાં ભેળવાયું હોવા છતાં અહીં પ્રાથમિક સુવિધાઓ પૈકીની મહત્ત્વની એવી પાણી-ગટર ઔલાઇનની સમસ્યા યથાવત્ છે. પાણીની રોક્કળ ચાલુ છે. ગટરોય ઊભરાય છે. વરસાદી પાણીનો નિકાલ સમયસર થતો નથી… અને રખડતા શેરી કૂતરાંઓના ત્રાસની તો કોઈ વાત જ ન પૂછો. આખાયે નિકોલ વોર્ડની મુખ્ય સમસ્યા રખડતા ઢોરની બની ગઈ છે. મુખ્યમાર્ગો પર ઢોરોનો આડા ઉતરવાનો ત્રાસ અને સોસાયટી, કોલોની, ફ્લેટ, ચાલી અને ઝૂંપડપટ્ટીઓ, ગલીકુંચીઓ જ નહીં જાહેરમાર્ગ પર રખડતા કૂતરાંં ક્યાંથી આવીને તમારા પગમાં બચકુ ભરી લઈને લોહીલુહાણ કરી દે તેની સમજણ જ ન પડે. કૂતરું કરડયા પછી પાછી હડકવાની રસી લેવા માટે ખાનગી હોસ્પિટલમાં દોડવું પડે, કેમ કે, અહીં મ્યુનિ.ની કોઈ જનરલ હોસ્પિટલ નથી, અર્બન હેલ્થ સેન્ટરમાં સુવિધા ખરી, પણ ધરમધક્કા ખાવા માટે તમારા પગમાં જોર જોઈએ, તાકાત જોઈએ.

રોગચાળો પણ બારેમાસ ખરો, બહારથી નિકોલ વોર્ડની ઇમારતો, પહોળા રસ્તા અતિ સુંદર લાગે, રાત્રે સ્ટ્રીટલાઇટોનો ઝગમગાટ આંખ આંજી નાખે પણ કચરાના ઢગલા ઠેર ઠેર, નિકોલના અલગ અલગ બજારોમાંય કચરો જ કચરો, જાહેર સફાઈનું જાણે અસ્તિત્વ જ ન હોય એમ રહેણાક વિસ્તારોમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવાની વ્યવસ્થા અધકચરી છે. ચોમાસામાં વરસાદી પાણી ભરાય છે એ સાથે પિૃમ વિસ્તારની જેમ ભૂવા પડવાનો સિલસિલો અટક્યો નથી. નિકોલ જંક્શન પરથી રોજ સૌરાષ્ટ્ર તરફ અને ઉત્તર ગુજરાતના કડી, કલોલ, મહેસાણા અને બનાસકાંઠાના પાલનપુર, ડીસા જતી એસટી બસની સગવડ સારી છે. પરંતુ આપણી એએમટીએસ બસની વ્યવસ્થા ઝોલા ખાતી રહી છે. પરિણામે ઓટોરિક્ષા મુખ્ય વાહનવ્યવહાર જેવો બની ગયો છે. તો વળી ગેરકાયદે બાંધકામોની મોસમ બારેમાસ પુરબહારમાં ચાલે છે.

અને હા… અસામાજિક તત્ત્વોની રંજાડ, દેશી દારૂ-ઇંગ્લિશ દારૂ અને જુગારના અડ્ડા ભલે જાહેરમાં ચર્ચાનો વિષય ન હોય… પણ ખરા… ખરા અને ખરાજ… નિકોલ વોર્ડના ભાજપ-કોંગ્રેસના આગેવાનો-કોર્પોરેટરો નિકોલની પ્રતિષ્ઠા જળવાઈ રહે એટલા માટે એમ કહી રહ્યા છે કે, જુઓ સાહેબ શહેરીકરણ થાય એટલે આ બધી દારૂ જુગારની બદી… અસામાજિક પ્રવૃત્તિ ચાલે અને ચાલે જ… પણ આ બધુ અંદરના ભાગમાં ચાલે છે. બહારના ભાગમાં કશું જ નહીં, જાહેરમાર્ગ પર તો નહીં જ… આ અંદર અને બહાર એટલે શું શું… એ તો એ રાજકારણીઓ જ જાણે ભીંતર કી બાત કભી જાહીર હોતી હૈ કભી ?

આજનું નિકોલ

ખેર… કંઈ બધું જ ખરાબ… અને બધું જ સમસ્યાઓથી ભરપૂર એવી કોઈ વાત નથી, શહેરીકરણ અને મ્યુનિ. કોર્પોરેટરોની જાગૃતિ અને વોર્ડ પ્રત્યેની ચાહનાના કારણે નિકોલ વોર્ડમાં પાણીની સમસ્યા દૂર કરવા નવા વોટર પમ્પિંગ સ્ટેશનો બાંધવામાં આવ્યા છે. નલ સે જલની યોજના સફળતાપૂર્વક આગળ વધી રહી છે. સ્ટ્રોમ વોટર સુએજ લાઇન, ડ્રેનેજ લાઇનમાં વધારો કરવામાં આવ્યો છે. નવું અર્બન હેલ્થ સેન્ટર બાંધવામાં આવ્યું છે. નવું ફાયરસ્ટેશન બાંધવામાં આવ્યું છે. જેના લોકાર્પણની રાહ જોવાઈ રહી છે. મ્યુનિ. સ્કૂલ બોર્ડ દ્વારા અંગ્રેજી માધ્યમની શાળા ચાલે છે. વોર્ડમાં આગામી વર્ષે સ્માર્ટ શાળાનું આયોજન છે. અહીં ખાનગી ટ્રસ્ટ દ્વારા ચાલતી આર્ટ્સ કોમર્સ કોલેજ છે, ખાનગી સંચાલકોની માધ્યમિક શાળાઓ છે… પરંતુ ટ્રાફિકજામને રોકવા એકેય બ્રિજ નથી. નિકોલવાસીઓ કહે છે કે, બ્રિજ ક્યાં બાંધવો તે મોટી સમસ્યા છે કેમ કે અમારો વોર્ડ અટપટો, વળાંકિયો અને ગોળકાર છે. સરદાર પટેલ રિંગરોડ અમારા માટે આશીર્વાદરૂપ છે. ટ્રાફિકની સમસ્યા આ એસ.પી. રિંગરોડને કારણે ઘણી ઓછી છે. પરંતુ ભાગો જ ભાગો…ની બૂમો પાડનારા વાહનચલાકોની સમસ્યા મોટી છે. તેથી ટ્રાફિક પોલીસની અપૂરતી વ્યવસ્થાને વધુ પુખ્ત બનાવવી જોઈએ.

રાજકીય કલહ

ઇસબીચ… રાજકીય આંતરિક કલહ પણ કંઈ કમ નથી. નિકોલ માત્ર એક મોટા ગામ અને આસપાસની થોડીક વસતીથી જાણીતું હતું ત્યારે તે કોંગ્રેસનો મોટો ગઢ હતો. પરંતુ ધીમે ધીમે કોંગ્રેસના કાંગરા ખરતા હવે ભાજપનો ગઢ બની ગયો છે. પરંતુ કોંગ્રેસના ગઢ વેળા આંતરિક જૂથબંધી હતી અને કોંગ્રેસનું નામું લખાઈ ગયું તેમ અહીં આજેય ભાજપનો મજબૂત ગઢ હોવા છતાંય આંતરિક જૂથબંધી પણ એટલી જ વકરેલી અને વિસ્તરેલી છે કેમ કે, અહીં સૌરાષ્ટ્રના રાજકારણની અને ઉત્તર ગુજરાતના રાજકારણની સીધી અસર, સીધી ખટપટ અને સીધી સ્પર્ધા છે. ચૂંટણી સંસદની હોય, વિધાનસભા કે મ્યુનિ. કોર્પોરેશનની હોય પણ તેના લેખાંજોખાં સૌરાષ્ટ્ર ર્વિસસ ઉત્તર ગુજરાતના બરાબરીના હિસ્સા તરીકે કરવામાં આવે છે. તેથી ભાજપ-કોંગ્રેસના આગેવાનો કે કાર્યકરો જ નહીં સમગ્ર વોર્ડની પ્રજા બે ભાગમાં એટલે કે અમે સૌરાષ્ટ્રવાસી અમે ઉત્તર ગુજરાતવાસીમાં વહેંચાઈ ગઈ છે. આ બાબતને કમનસીબી તરીકે ઓળખવી રહી.

પરંતુ એક વાતનો સ્વીકાર કરવો જ રહ્યો કે, બંને પ્રદેશના લોકો અહીં હમવતની, ગુજરાતવાસી તરીકે જ રહે છે અને ર્ધાિમક, સામાજિક ઉત્સવો એક સાથે ઊજવે છે. બધા હળીમળીને રહે છે અને પ્રસંગોપાત ભેગા મળીન માત્ર પારિવારિક જ નહીં નિકોલ વોર્ડના વિકાસની વાત કરે છે, કોર્પોરેટરોને નિમંત્રીને સમસ્યાના ઉકેલની વાત કરે છે અને રાજકીય કાર્યક્રમોમાં એક સાથે ભાગ લે છે. આ એકતાની બેમિસાલને આગળ ધરી તેઓ એમ પણ કહે છે કે, અમે પૂર્વવાસીઓએ ભેગા મળી પિૃમનો ઉદય કર્યો છે. અમને હવે પૂર્વવાસી પૂર્વવાસી એમ ન કહો, હમ ભી કુછ કમ નહીં.

છેલ્લે ખાનગી વાત… પૂર્વના આ નિકોલવોર્ડના ભાજપી ધારાસભ્ય છે બાબુભાઈ જમનાદાસ પટેલ અને સંસદ સભ્ય છે કેન્દ્રીયમંત્રી દેવુસિંહ ચૌહાણ. પણ નિકોલવાસીઓની ફરિયાદ છે કે, અમારા આ બેઉ પ્રજાકીય સેવકોને અમે અમારા વિસ્તારમાં રાઉન્ડ લેતા જોયા નથી, અમારી કેટલીક સમસ્યાઓનું મૂળ તેમની અમારા પ્રત્યેની ઉદાસીનતા છે. બેઉ આવે છે ખરા… પણ ચૂંટણી વેળા મતની માગણી માટે આવે છે. અમારી પાણી, ગટર, લાઇટ, રસ્તાની સમસ્યાઓમાં તેમને રસ નથી. તેઓ અમને એમ કહે છે કે, કંઇ મોટું કામ હોય તો અમને કહેજો… પાણી-ગટરમાં અમને નાખશો નહીં… બોલો… અમે મોટું કામ લાવીએ ક્યાંથી ? મોટું કામ તો એ જ જાણે છે. અમને ક્યાં જાણવા દે છે… ! જાણીએ તો કહીએને ?

        – બિપીનકુમાર શાહ

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો