kaliyug-was-started-on-this-day-before-5000-year-with-end-of-krishna-era
  • Home
  • Astrology
  • કૃષ્ણના વૈકુંઠવાસ સાથે જ આજના દિવસે શરૂ થયો હતો કળિયુગ

કૃષ્ણના વૈકુંઠવાસ સાથે જ આજના દિવસે શરૂ થયો હતો કળિયુગ

 | 8:40 pm IST

આજથી આશરે 5000 હજાર પૂર્વે  ગુજરાતમાં એવી ઘટના ઘટી હતી કે જેથી દ્વાપર યુગનો અંત આવી ગયો હતો. જ્યારે કળિયુગ પોતાના પ્રસાર કરવા પગ જમાવ્યો હતો. આવો જાણીએ આ વિશેની કેટલીક વાતો….

ભાલકા તિર્થમાં છે ઉલ્લેખ
કળિયુગની શરૂઆતની જાણકારી આમતો અનેક ધાર્મિક ગ્રંથો અને પુસ્તકોમાં મળે છે આણછતાં તેનું સૌથી વધું મહત્વપૂર્ણ સ્થાન  એ  છે જ્યાંથી કળિયુગની શરૂઆત થઈ. આ સ્થાન ગુજરાતમાં આવેલું ભાલકાતીર્થ છે. કળિયુગ શરૂ થવા અંગેની ઘટનાનું વિવરણ આ સ્થાનમાં આજે પણ મોજુદ છે.

દ્વાપર યુગ એ કૃષ્ણ કનૈયાનો યુગ હતો. જેમાં શ્રીકૃષ્ણ મથુરાથી દ્વારકા ચાલ્યા ગયા હતા. પછી દ્વારકાથી ભાલકાતીર્થમાં અંતિમ પળો વિતાવી વૈકુંઠવાસી થઈ ગયા હતા. આજથી આશરે 5હજાર વર્ષ પહેલા એક શિકારી દ્વારા કૃષ્ણની પગની પાનીમાં ધનુષ્યબાણ વાગી જતાં આમ બન્યું હતું. જો કે આ પાછળ પણ એક ઋષિનો શ્રાપ કારણભૂત હોવાનું માનવામાં આવે છે. તો ગાંધારીનો શ્રાપ પણ કારણભૂત માનવામાં આવે છે.

શ્રીકૃષ્ણની વિદાય સાથે જ પૃથ્વી લોક પર કળિયુગનું પ્રથમ ચરણ શરૂ થઈ ગયું. વિદ્વાનોનું માનીએ તો આ પ્રથમ ચરણ હજી પણ ચાલી રહ્યું છે. સૂર્ય સિદ્ધાંત અનુસાર કળિયુગ ઈસ્વીસન પૂર્વે 18મી ફેબ્રુઆરી 3102ની મધ્ય રાત્રિએ એટલે કે આજે શરૂ થયો હતો. ધર્મગ્રંથોમાં પણ આ તિથિ જ માનવામાં આવે છે. જે દિવસે શ્રીકૃષ્ણ વૈકુંઠવાસી થયા.

મહાભારતના 18મા પર્વ મુસલ પર્વમાં આનો ઉલ્લેખ છે. જેમાં 8 અધ્યાયો છે. આ પર્વમાં ભગવાનના અવતાર તરીકે જન્મેલા શ્રીકૃષ્ણને માનવદેહ છોડ્યો તેનું વર્ણન મળે છે. આ ઘટના કુરુક્ષેત્રના યુદ્ધ પછી 35 વર્ષે બની હોવાનું જણાવાયું છે.કૃષ્ણ પુત્ર સાંબને એકવાર મજાક સુઝી. તે સ્ત્રીવેશ લઈને પોતાના દોસ્તો સાથે ઋષિ વિશ્વામિત્ર, દુર્વાસા અને વશિષ્ઠ તેમજ નારદને મળવા ગયા. તે બધાં જ ભગવાન શ્રીકૃષ્ણને મળવા દ્વારકા આવ્યા હતા. સ્ત્રી વેશમાં આવેલા સાંબે ઋષિઓને કહ્યું કે તે ગર્ભવતી છે. અને એ જણાવો કે તેના ગર્ભમાં ઉછરતા બાળકનું લિંગ ક્યું હશે. જો કે એમાંથી એક ઋષિ એની મજાક સમજી ગયા,

તેમણે આવું કરવા પર તેને શ્રાપ દીધો કે તારા પેટમાં જે છે તેનાથી તારા કુળનો નાશ થશે. આથી ગભરાયેલા સાંબે પેટે વિંટેલુ મુસળ ભૂકો કરીને નદીમાં પધરાવી દીધું. નદી કિનારે એ ભૂકામાંથી ઘાંસ ઉગી નિકળ્યું. એ ઘાંસના તીર સમાન અગ્ર ભાગથી યદુંવંશના વંશજો અંદરોઅંદર લડી મર્યા. પોતાની નજર સામે જ પોતાના કુળનો નાશ થતો જોઈને બલરામ અને શ્રીકૃષ્ણ દુઃખી થઈ ગયા. બલરામે દેહ ત્યાગી દીધો એ પછી શ્રીકૃષ્ણ એક ઝાડ નીચે બેઠાં હતા ત્યારે એક પારધીએ પેલા ઘાંસમાંથી બનાવેલા બાણે જ કૃષ્ણના પગમાં તીર ખૂંપાવી દીધું. એ સાથે જ દ્વારકાના લોકોએ કેટલાંક અશુભ સંકેતોનો અનુભવ કર્યો. જેમાં સુદર્શન ચક્ર, કૃષ્ણનો પાંચજન્ય શંખ, તેમનો રથ, બળરામજીનું હળ અદ્રશ્ય થઈ ગયું. પાપમાં વધારો થવા લાગ્યો. લાજ -શરમ ઘટવા લાગી. ચારેય બાજુ અપરાધ અને અમાનવીયતાના દર્શન થવા લાગ્યા. વડિલોનો પણ હ્રાસ થવા લાગ્યો. નિંદા, દ્વેષ જેવી ભાવનાઓમાં વધારો થયો.

કૃષ્ણને તીર વાગ્યાની જાણ થતાં જ પર્યંત અર્જુન દ્વારકા આવ્યા. તે અત્યંત દુઃખી થઈ ગયા. કૃષ્ણની 16000 રાણીઓ અને કેટલીક મહિલાઓ તેમજ બાળકો  કે  જે શેષ બચ્યા હતા તે તમામ ઈન્દ્રપ્રસ્થ જવા ચાલી નિકળ્યા. ક્ષેત્રમાં વસતાં દેવતાઓ, સ્વર્ગની અપ્સરાઓ, યક્ષ, કિન્નર, ગંધર્વ વિગેરે શ્રીકૃષ્ણની આરાધના કરી. શ્રીકૃષ્ણે પોતાની આંખો બંધ કરી દીધી. તે સશરીર જ પોતાના ધામમાં ચાલ્યા ગયા. જો કે આ વિશે પણ મતમતાંતર પ્રવર્તે છે.

મહાભારતના યુદ્ધની સમાપ્તિ પછી જ્યારે યુધિષ્ઠિરનું રાજતિલક થઈ રહ્યું હતું ત્યારે કૌરવોની માતા ગાંધારીએ મહાભારત યુદ્ધ અને કૌરવોના નાશ માટે શ્રીકૃષ્ણને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે શ્રાપ આપ્યો હતો કે જે પ્રકારે કૌરવોનો નાશ થયો એ પ્રકારે જ યદુવંશનો પણ નાશ થશે.
 
કૃષ્ણની વિદાય સાથે જ કળિયુગના ઓળા પૃથ્વી પર ઉતરી આવ્યા. વૈદિક શાસ્ત્રો અને મોટાં ભાગના વિદ્વાનો અનુસાર કળિયુગ 4,32,000 વર્ષો સુધી રહે છે. જ્યારે કેટલાંક વિદ્વાનો કળિયુગનો સમયગાળો 6480 વર્ષો સુધીનો માનવામાં આવે છે. જો કે આ વિશે અલગ અલગ મત પ્રવર્તે છે.

કેવી રીતે જાણવું આ છે કળિયુગ
 જો કળિયુગ વિશે વાત કરીએ તો હિંદુ ધર્મમાં એવી માન્યતા છે કે કળિયુગ દરમિયાન માનવ સભ્યતા આધ્યાત્મિક રૂપથી પતિત થઈ જાય છે. જેને ડાર્ક એજ કહેવાય છે. કારણકે આ સમય કાલખંડમાં માનવી ઈશ્વર ભક્તિથી વિમુખ થઈ જાય છે. હિંદુ ધર્મમાં માન્યતા છે કે નૈતિકતા સુવર્ણ યુગની સરખામણીમાં 25 ટકા ઓછી થઈ જાય છે. કળિયુગ જ્યારે પરમ સ્તર પર હોય ત્યારે નૈતિકતાનો પૂર્ણ પણે હ્રાસ થઈ ચૂક્યો હશે. કેટલાંક લોકોમાં જ માનવીય મૂલ્યોની સમજ બાકી રહેશે.

આબુના એક સંતનું કહેવું છે કે જેમ જેમ કળિયુગ આગળ વધતો જશે તેમ વ્યક્તિઓ કદમાં વધું ને વધું નાના (ઠીંગણા) થતાં જશે. લોકોમાં પાગલપણું વિશેષ જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન