કર્મનો રોકડો હિસાબ! - Sandesh

કર્મનો રોકડો હિસાબ!

 | 12:06 am IST

એક વાતની સો વાત : દીપક સોલિયા

નેટ પર ‘એક ગ્લાસ દૂધ’ નામની આ એક બોધકથા બહુ ફ્રી ચૂકી છે. તમે એ કદાચ વાંચી હશે. વાર્તા કંઈક આવી છે.

એક ગરીબ છોકરાએ ભોજનની આશાએ એક ઘરનું બારણું ખખડાવ્યું. અત્યંત રૂપાળી યુવતીએ બારણું ખોલ્યું. છોકરો છોભીલો પડી ગયો. એટલે એણે ભોજનના બદલે ફ્ક્ત એક ગ્લાસ પાણી માગ્યું. યુવતીએ જોયું કે છોકરાનો ચહેરો ચીમળાયેલો હતો. એ ભૂખ્યો હશે એમ માનીને યુવતીએ છોકરાને પાણીને બદલે દૂધનો ગ્લાસ આપ્યો. છોકરો પ્રેમથી દૂધ પી ગયો. પછી છોકરાએ પૂછયું, ‘આના બદલામાં મારે શું આપવાનું છે?’ યુવતીએ હસીને કહ્યું, ‘કશું નહીં. મારી માએ મને શીખવ્યું છે કે ભલાઈનું વળતર ન મગાય.’

આ વાતને વરસો વીતી ગયા. પેલી યુવતી પ્રૌઢા થઈ ગઈ. એને એક ભયંકર પ્રકારનું કેન્સર થયું. તેનો કેસ છેવટે શહેરના એક મોટા ડોક્ટર સુધી પહોંચ્યો. કેસના કાગળિયાંમાં ગામનું નામ વાંચીને ડોક્ટરના ચહેરા પર ચમક આવી. એણે અંગત રસ લઈને અત્યંત લાંબી અને ખર્ચાળ સારવાર કરીને પેલી પ્રૌઢાને સાજી કરી. પછી જ્યારે ડોક્ટરના એકાઉન્ટન્ટે ફઈનલ બિલ બનાવ્યું ત્યારે ડોક્ટરે પહેલાં તો બિલ પોતાની પાસે મંગાવ્યું અને તેના પર કશુંક લખી આપ્યું. પછી એ બિલ જ્યારે પ્રૌઢા પાસે પહોંચ્યું ત્યારે એ ખાસ્સી ડરેલી હતી. એને પૂરેપૂરી ખાતરી હતી કે એની જીવનભરની કમાણી આ લાંબી, મોંઘી ટ્રીટમેન્ટમાં ખર્ચાઈ જવાની હતી. એણે ધ્રૂજતા હાથે બિલ ખોલ્યું. એમાં ડોક્ટરે લખ્યું હતું, આ આખું બિલ એક ગ્લાસ દૂધ દ્વારા ચૂકવાઈ ગયું છે.

કોઈપણ સંવેદનશીલ માણસનાં હૃદય તેમ જ આંખને ભીની કરી શકે એવી આ એક સુંદર બોધકથા છે. બાળકોને કહેવાની હોય તો આ વાર્તા આ જ રીતે કહેવી જોઈએ, પણ જે લોકો પુખ્ત છે, જે મુગ્ધ નથી, જેમણે દુનિયાદારી જોઈ છે, જેમણે જીવનની આકરી થપ્પડો ખાધી છે, એવો માણસ આ વાર્તા વાંચીને બે ઘડી રાજી થાય તો પણ છેવટે તો એ એવું જ માનવા પ્રેરાવાનો કે આવું બધું વાર્તાઓમાં બને, હકીકતમાં નહીં. સાહિર લુધિયાનવીએ ફ્લ્મિ ત્રિશૂલના પેલા ગીતમાં લખેલું તેમ, કિતાબોં મેં છપતે હૈ ચાહત કે કિસ્સે, હકીકત કી દુનિયા મેં ચાહત નહીં હૈ.

ટૂંકમાં, આકરી વાસ્તવિકતાનો સતત સામનો કરીને રીઢો થઈ ચૂકેલો આજનો માનવી મોટે ભાગે એવું જ માનતો હોય છે કે ભલાઈ કરીને ભૂલી જવું, નેકી કર, દરિયા મેં ડાલ… આ બધી વેવલી વાતો છે. હકીકત એ જ છે કે જમાનો જાલીમ છે, ભલમનસાઈનો જમાનો જ નથી રહ્યો. અને હા, જેને દૂધ પાયું હોય એ જ છોકરો ડોક્ટર રૂપે મળે એ વાત પરાણે ગોઠવેલી હોય એવી, વધારે પડતી નાટયાત્મક લાગે તેવી છે.

તો, દુનિયાદારીથી દાઝેલા આવા લોકોને આ વાર્તા કહીને આ બોધ શીખવવો હોય તો વાર્તા જરા જુદી રીતે કહેવી પડે. જેમ કે, આવી રીતે…

એક યુવતી હતી. એક સવારે એનાથી દૂધ ઢોળાયું એ વાતે પતિ ભડક્યો. પતિએ કડવાં વેણ કહ્યાં. વાતવાતમાં યુવતીની માતાની ટીકા કરતાં પતિએ કહ્યું, ‘જેવી ફુવડ તારી મા, એવી ફુવડ તું.’ આટલું કહીને પતિ ઓફ્સિે જતો રહ્યો. પત્નીનો મૂડ બગડી ગયો. એને થોડું રડવું પણ આવ્યું. આમ ને આમ થોડા કલાકો વીતી ગયા. પછી સાંજે એના દરવાજે ટકોરા પડયા. સામે એક છોકરો ઊભો હતો. એ ભૂખ્યો જણાતો હતો. છોકરાએ એક ગ્લાસ પાણી માગ્યું. યુવતીએ દયા ખાઈને દૂધનો ગ્લાસ આપ્યો. છોકરાએ પૂછયું, ‘આના બદલામાં હું શું આપું?’ યુવતીએ કહ્યું, ‘કશું નહીં. મારી માએ મને શીખવ્યું છે કે ભલાઈનું વળતર ન મગાય. ‘

છોકરો ગયો. યુવતી કામે લાગી. પછી રાતે સૂતી વખતે યુવતીને અચાનક યાદ આવ્યું કે સવારથી સાંજ સુધી તો એનો દિવસ અત્યંત ખરાબ મૂડમાં વીત્યો, પણ સાંજે પેલા છોકરાને દૂધ આપ્યા પછીના કલાકોમાં એ ખુશ રહી.

આ વિચાર આવતાં તેના ચહેરા પર આછું સ્મિત રેલાયું.

વાર્તા પૂરી.

***

આ વર્ઝન સપાટ છે, એમાં કશી નાટયાત્મકતા નથી, ચટાકો નથી. પણ એનો ફયદો એ છે કે એ બિલીવેબલ છે, માની શકાય એવી છે, વાસ્તવિકતાથી વધુ નિકટ છે. ખડૂસ માણસ પણ એવું સ્વીકારી શકે કે, હા, આવું બની શકે.

એક સરસ મજાની વાર્તાને બદલવાની મુજ નાચીઝની ગુસ્તાખીને માફ કરીને ફોકસ કરવા જેવો મૂળ મુદ્દો આ છેઃ સારા કર્મનું ફ્ળ ભવિષ્યમાં, આજે નહીં તો કાલે નહીં તો પરમ દિવસે કે છેવટે આગલા ભવમાં મળશે જ… આવું માનવા માટે જે મુગ્ધતા જોઈએ, ધીરજ જોઈએ, શ્રદ્ધા જોઈએ, ભક્તિ જોઈએ એ બધું મોટે ભાગે આપણામાં પૂરતાં પ્રમાણમાં હોતું નથી. એટલે, સારું કામ કરતી વખતે તાત્કાલિક ધોરણે, એ જ વખતે આપણને કશુંક સારું કર્યાની જે મીઠી લાગણી થાય છે એને જ ફ્ળ માની લેવું. ભવિષ્યમાં કોઈ ડોક્ટર બિલના ફુલ એન્ડ ફઈનલ સેટલમેન્ટ વખતે એક ગ્લાસ દૂધમાં બધું ચૂકવાઈ ગયું એવું લખે કે ન લખે, સારું કામ કરતી વખતે જે સંતોષ થાય એને જ, એ જ ઘડીએ ફુલ એન્ડ ફઈનલ સેટલમેન્ટ ગણી લેવામાં સમજદારી છે. આમ પણ લાંબા ગાળા સુધી રાહ જોવાનું આપણને ફવે તેવું નથી હોતું. લાંબા ગાળે, વી આર ઓલ ડેડ. ગાલિબ કહેલું, ખાક હો જાયેંગે હમ, તુમ કો ખબર હોને તક.

તો, સારું કામ કર્યા પછી લાંબા ગાળે મળનારા મોટા ફ્ળની રાહ જોવા કરતાં એ જ પળે મળતી નાની પણ ઇન્સ્ટન્ટ ખુશી પર વધુ ફેકસ કરવામાં સમજદારી છે. માર્ગ એ જ મંઝિલ છે. કર્મ એ જ ફ્ળ છે. જીવન વર્તમાન પળમાં જ છે. સારું કરતી વખતે દિલમાં ક્યાંક, ઊંડે જે થોડુંક સારું લાગે છે એ જ સ્વર્ગ છે અને કશુંક ખોટું કરતી વખતે દિલમાં ક્યાંક, ઊંડે જે થોડુંક ખરાબ લાગે છે એ જ નરક છે.

વાત ટેઢી છે, છતાં સીધી છે. વિચારજો.

facebook .com / dipaksoliyal

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન