કર્ણાટકઃ કોંગ્રેસ ને ભાજપાની પ્રતિષ્ઠા દાવ પર - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • કર્ણાટકઃ કોંગ્રેસ ને ભાજપાની પ્રતિષ્ઠા દાવ પર

કર્ણાટકઃ કોંગ્રેસ ને ભાજપાની પ્રતિષ્ઠા દાવ પર

 | 3:10 am IST

રેડ રોઝઃ દેવેન્દ્ર પટેલ

ભારત એક એવો દેશ છે જ્યાં વરસાદ આવે કે ન આવે ચૂંટણી બારેમાસ છે. ગુજરાતની ચૂંટણી પતી. પૂર્વોત્તરનાં રાજ્યોની ચૂંટણી પતી. ઉત્તર પ્રદેશ અને બિહારમાં પેટા ચૂંટણીઓ પતી. હવે કર્ણાટકમાં ચૂંટણી છે. તે પછી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ચૂંટણીઓ આવે છે અને ૨૦૧૯માં લોકસભાની મોટી ચૂંટણી. ટૂંકમાં દેશમાં ચૂંટણીએ બારમાસી પર્વ છે.

હાલ તો કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ ફુંકાઈ ગયું છે. ચૂંટણીપંચ જાહેર કરે તે પહેલાં ભાજપાના આઈટી સેલના ટ્વીટ પર ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ.

ખેર! થયેલી જાહેરાત અનુસાર ૨૨૫ સભ્યો ધરાવતી કર્ણાટક વિધાનસભાની ૨૨૪ બેઠકો માટે એક જ તબક્કામાં એટલે કે તા.૧૨મી મેના રોજ મતદાન થશે. એક સીટ એંગ્લો-ઈન્ડિયન સમુદાયના સભ્યની નિમણૂક થતી હોય છે. તા.૧૫મી મેના રોજ મત ગણતરી થશે.

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી અનેક કારણોસર મહત્ત્વપૂર્ણ બની રહેશે. પૂર્વોત્તરનાં રાજ્યોની ચૂંટણીઓ પછી હવે ભૌગોલિક રીતે લોકમિજાજ સમજવા માટેનું કેન્દ્ર હવે દક્ષિણનાં રાજ્યો છે ૨૦૧૯માં આવી રહેલી લોકસભાની ચૂંટણી વખતે પ્રજાનો અભિગમ કેવો હશે તે સમજવા દક્ષિણનાં રાજ્યોનો મિજાજ સમજવામાં કર્ણાટકનાં ચૂંટણી પરિણામો દિશાસૂચન કરશે.

કર્ણાટકની ચૂંટણી કોંગ્રેસ અને ભાજપા એમ બેઉ પક્ષો માટે મહત્ત્વની છે પહેલાં કોંગ્રેસની વાત. કોંગ્રેસ માટે આ ચૂંટણી મહત્ત્વની છે કારણ કે સતત પરાજય બાદ તેની પાસે જે ત્રણ રાજ્યો બચ્યાં છે તેમાં દક્ષિણનું કર્ણાટક જ એક મોટું રાજ્ય છે. કોંગ્રેસ પાસે હાલ પંજાબ, મિઝોરમ અને કર્ણાટક જ છે. પોંડિચેરી આમ તો અડધું રાજ્ય ગણાય છે. હવે જો કર્ણાટક ગુમાવે તો કોંગ્રેસ માટે અને નવા બનેલા પ્રમુખ રાહુલ ગાંધી માટે ભારે નુકસાન સાબિત થઈ શકે છે. રાહુલ ગાંધીનું બદલાયેલું સ્વરૂપ સ્વિકાર્યતા પામે છે કે નહીં તે આ ચૂંટણી નક્કી કરશે. કોંગ્રેસ કર્ણાટક ગુમાવે તો દક્ષિણમાંથી કોંગ્રેસ ઝીરો સાબિત થઈ શકે છે, પોંડિચેરી સિવાય.

અને કર્ણાટકમાં કોંગ્રેસ વિજયી બને તો પક્ષમાં એક નવો ઉત્સાહ પ્રાપ્ત થશે, પક્ષને જીવતદાન મળશે અને વિપક્ષોમાં પણ શક્તિનો સંચાર થશે. એટલું જ નહીં, પરંતુ ભાજપાના એકધારા વિજયરથને થોભાવી શકાય છે તેવો સંદેશો પણ જશે. આ ચૂંટણીના પરિણામો આવી રહેલી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીઓ પર પણ અસર પાડી શકશે.

એ જ રીતે ભારતીય જનતા પાર્ટી માટે પણ કર્ણાટકની ચૂંટણી મહત્ત્વપૂર્ણ છે. ભાજપાએ ‘કોંગ્રેસ મુક્ત ભારત’નો નારો આપેલો છે. તેથી કર્ણાટકમાં ભાજપા જીતે તો એ નારો સાર્થક થતો જણાશે. અહીં ભાજપા હારે તો સરકાર વિરોધી લહેરનો સામનો કરી રહેલાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવાં રાજ્યોમાં પણ એક નેગેટિવ મેસેજ જઈ શકે છે અને ભાજપાને નુકસાન થઈ શકે છે.

કર્ણાટકની ચૂંટણી ભાજપા માટે મહત્ત્વપૂર્ણ છે તેનું બીજું એક કારણ એ છે કે તાજેતરમાં ઉત્તરપ્રદેશ અને બિહારમાં થયેલી પેટા ચૂંટણીમાં ભાજપાએ પરાજયનો સામનો કર્યો છે. તેથી અહીં તે જીતે છે તો પરિણામો રિવર્સ પણ કરી શકાય છે તેવો મેસેજ જશે. દિલ્હીમાં બેઠેલાં ભાજપાનાં વર્તુળો હવે એ વાત પણ હવે સમજવા લાગ્યા છે કે ૨૦૧૯ એ ૨૦૧૪ નથી. દરેક વખતે વાતાવરણમાં ફેરફાર હોઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લાગે વળગે છે ત્યાં સુધી તેમની અંગત લોકપ્રિયતા યથાવત્ છે, પરંતુ વિરોધી લહેર જે તે સ્થાનિક સરકારો અને સ્થાનિક ધારાસભ્યો સામે પણ હોઈ શકે છે. ઘણા ધારાસભ્યો ચૂંટાયા બાદ રાજાપાઠમાં આવી જતા હોય છે પરંતુ પ્રજા તેમના ઘમંડને ઠેકાણે પણ લાવી દેતી હોય છે. આવા તમામ પક્ષોના કેટલાક ધારાસભ્યો સામે વિરોધી લહેર પણ હોઈ શકે છે.

નોંધપાત્ર વાત એ છે કે ભાજપાની અત્યાર સુધીની છાપ એવી રહી છે કે તે ઉત્તર ભારતમાં જ પ્રભુત્વ ધરાવતી પાર્ટી છે. તેથી તે જો કર્ણાટક જીતી જાય તો દક્ષિણ ભારતમાં પણ તેની સ્વિકાર્યતા શરૂ થઈ છે. તેવાં સંદેશો જશે.

તેથી ભાજપા કર્ણાટકમાં જીતશે તો તેનો સમગ્ર દેશમાં પ્રભાવ વધશે. કોંગ્રેસ માટે આ અસ્તિત્વની લડાઈ છે, ભાજપા માટે તેના વિસ્તારની લડાઈ છે. કોંગ્રેસ અને ભાજપા બેઉની પ્રતિષ્ઠા કર્ણાટકમાં દાવ પર લાગેલી છે. આ કારણથી કર્ણાટકની ચૂંટણીનાં મુદ્ે કોંગ્રેસ અને ભાજપા એમ બંને પાર્ટીઓમાં બેચેની છે. આ પ્રદેશની ચૂંટણીનાં પરિણામો આવનારી ચૂંટણીઓની દશા-દિશાનો આધાર અને ધાર એ તમામ નક્કી કરશે. ભાજપા અને કોંગ્રેસ બેઉ આ સત્યથી વાકેફ છે. બેઉ પક્ષના વોરરૂમ્સ રાત-દિવસ વીજળી બાળી ઉજાગરા કરે છે.

 

બંને પક્ષોના રણનીતિકારો ચૂંટણીની રણનીતિ કરવામાં વ્યસ્ત છે. આ ચૂંટણી જીતવા તેઓ કોઈ કસર છોડવા માંગતા નથી.

આ જ કારણથી કેટલાક સમય પહેલાં ટીપુ સુલતાનના નામ પર રાજનીતિ શરૂ થઈ હતી અને આ જ કારણસર એ રાજનીતિ હવે ભાજપાના નજીક મનાતા લિંગાયત મતો કબજે કરવા કોંગ્રેસ એક મોટો દાવ ખેલ્યો છે.

અહીં એ નોંધવું જરૂરી છે કે દેશના પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવેગૌડાની પાર્ટી જેડી-એસ પણ સત્તાનો ત્રીજો અને મોટો કોણ બનાવવામાં કામે લાગી ગઈ છે. જેથી સત્તાની આખરી ચાવી તેના હાથમાં જ રહે.

દેખીતી રીતે જ ભાજપા કોંગ્રેસને કર્ણાટકમાંથી બહાર ધકેલી દેવા કોઈ કસર છોડવા માંગતું નથી. તેની સામે કોંગ્રેસ તેના દિગ્ગજ નેતા સિધ્ધારમૈયાની વ્યૂહરચના પર આશ્વસ્ત છે તેવું દેખાડવાની કોશિશ કરી રહી છે.

એ જે હોય તે, પરંતુ કર્ણાટકનાં ચૂંટણી પરિણામો આવી રહેલી અન્ય ચૂંટણીઓનાં પરિણામો પ્રત્યે દિશા-નિર્દેશ તો જરૂર કરશે.

www.devendrapatel.in