પત્નીના અવસાન બાદ ઉભું કર્યું પ્રેમમંદિર, 12 વર્ષથી રોજ કરે છે પૂજા - Sandesh
  • Home
  • India
  • પત્નીના અવસાન બાદ ઉભું કર્યું પ્રેમમંદિર, 12 વર્ષથી રોજ કરે છે પૂજા

પત્નીના અવસાન બાદ ઉભું કર્યું પ્રેમમંદિર, 12 વર્ષથી રોજ કરે છે પૂજા

 | 6:11 pm IST

રાજુ ઉર્ફે રાજુસ્વામીએ પોતાનાં ગામમાં ઊભું કરેલું મંદિર આમ તો ‘લેબર ઓફ લવ’કહી શકાય. પત્નીની પણ એ જ ઇચ્છા હતી, પરંતુ આખરે રાજુએ તે જ મંદિરમાં પત્નીની પ્રતિમા મૂકીને દેવી-દેવતાઓ સાથે પત્નીની પૂજા પણ શરૂ કરી ત્યારે મંદિર પૂરું થયું.

ખેડૂત રાજુ કહે છે કે, ‘અમારો પ્રેમ દિવ્ય હતો.’ હવે તો યેલાંદુર તાલુકાનાં આસપાસનાં ગામનાં લોકો પણ ક્રિશ્નપુરા ગામની મુલાકાત લઈને રાજમ્માનાં મંદિર વિશે પૂછતાં થયાં છે. વર્ષ 2006માં ઊભાં થયેલાં મંદિરમાં રાજુ છેલ્લાં 12 વર્ષથી પૂજા કરે છે. પત્નીની પ્રતિમા રાજુએ જ કંડારી છે. મંદિરમાં શનિવારા, સિદ્ધપ્પાજી, નવગ્રહ અને ભગવાન શિવની મૂર્તિ સાથે જ રાજમ્માની પ્રતિમા મુકાઈ છે.

રાજુનાં મંદિરનિર્માણ પાછળ છુપાયેલી લાંબી કથા પણ કહે છે. ગામમાં ત્રણ એકર જમીન ધરાવતા રાજુએ પોતાની બહેનની દીકરી સાથે જ લગ્ન કર્યાં હતાં. ‘મારાં માતા-પિતા અમારાં લગ્નના વિરોધમાં હતાં, પરંતુ બહેન અને જિજાજીને વાંધો ના હોવાથી અમે ગમે તે રીતે પરણી ગયાં. લગ્નના થોડા દિવસ પછી પત્નીએ ગામમાં મંદિર ઊભું કરવા કહ્યું હતું. પત્નીની મરજીને કારણે મંદિરનિર્માણ શરૂ તો થયું પરંતુ મંદિર પૂરું થાય તે પહેલાં જ પત્ની અવસાન પામી, તેથી મેં મંદિરમાં તેની મૂર્તિ સ્થાપિત કરવા નિર્ણય લીધો.’

ઘણાં લોકોએ મંદિરમાં પત્નીની પ્રતિમા મૂકવા સામે વિરોધ કર્યો પણ રાજુ કહે છે કે, ‘તે ખાસ ઊર્જા ધરાવી હતી, તેનાં મૃત્યુ અંગે તેને પહેલાં જ અણસાર આવી ગયો હતો. તેનું વ્યક્તિત્વ આધ્યાત્મિક હતું, તેને કારણે જ મને લાગ્યું કે મારે મંદિર બાંધીને તેની પ્રતિમાની દેવીસ્વરૂપે પૂજા કરવી જોેઈએ.’