કર્ણાટક : કિંગમેકર હવે કિંગ બનવાની વેતરણમાં! - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • કર્ણાટક : કિંગમેકર હવે કિંગ બનવાની વેતરણમાં!

કર્ણાટક : કિંગમેકર હવે કિંગ બનવાની વેતરણમાં!

 | 3:24 am IST

ઓવર વ્યૂ

કર્ણાટકનાં ચૂંટણી પરિણામોને બે દૃષ્ટિકોણથી મૂલવવાની જરૂર છે. પ્રથમ તો અંકગણિત અને રાજકીય પાસાંની વાત કરીએ તો ૭૮ બેઠકો પર વિજય મેળવનારી કોંગ્રેસ પાર્ટીએ ૩૭ બેઠક મેળવનારા જનતાદળ(એસ)ને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી. જનતાદળ(એસ)ના સાથી પક્ષ બીએસપીએ તો એક બેઠક પર વિજય મેળવેલો જ છે. કોંગ્રેસે સરકારમાં સામેલ થઈ કે પછી બહારથી જનતાદળ(એસ)ની સરકારને સમર્થન આપવાના સંકેત આપી દીધા. જનતાદળ(એસ)એ પણ સમર્થનનો સ્વીકાર કરી લીધો અને કહ્યું કે એચ. ડી. કુમારાસ્વામી રાજ્યના મુખ્ય પ્રધાન રહેશે.

બીજી તરફ એવા અહેવાલ સામે આવ્યા કે ૧૦૪ બેઠક મેળવીને રાજ્યમાં સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવેલા ભારતીય જનતા પાર્ટીએ પણ જનતાદળ(એસ)નો સંપર્ક સાધ્યો. કોંગ્રેસ અને ભાજપ એમ બંને એકબીજાને સત્તાથી દૂર રાખવા મરણિયા બન્યા છે.   હવે બધાનું ધ્યાન રાજ્યના રાજ્યપાલ પર ટકેલું છે. તેઓ બંને પક્ષોને મળી ચૂક્યા છે અને બુધવારે કોઈ એક પક્ષને સરકાર રચવા નિમંત્રણ આપે તેવી સંભાવના છે. સંભવ છે કે કોંગ્રેસ અને જનતાદળ(એસ) વચ્ચે ચૂંટણી પૂર્વે સમજૂતી થયેલી ના હોવાથી રાજ્યપાલ રાજ્યમાં સૌથી મોટા પક્ષને સરકાર રચવા નિમંત્રણ આપે. અલબત્ત કોંગ્રેસ અને જનતાદળ(એસ) વચ્ચે ચૂંટણી પૂર્વે સમજૂતી ના હોવા છતાં રાજ્યપાલ આ જૂથને પણ સરકાર રચવા નિમંત્રણ આપી શકે છે. સરકારરચનાને મુદ્દે રાજ્યપાલનો નિર્ણય ખૂબ જ મહત્ત્વનો છે અને રાજ્યપાલ એનડીએ સરકાર દ્વારા નિયુક્ત થયેલા હોવાથી રાજ્યપાલ પ્રથમ વિકલ્પની દિશામાં આગળ વધે તેવી પૂરી શક્યતા છે, જો એમ થાય તો ભાજપે તે પછી કદાચ સપ્તાહમાં પોતાની બહુમતી પુરવાર કરવાની રહે.

અને જો એમ થાય તો કર્ણાટકે રિસોર્ટ પોલિટિક્સની તૈયારી રાખવી પડશે. સરકાર રચનાર જૂથ પોતાના પક્ષના વિધાનસભ્યોને પોતાની છાવણીમાં આંચકી ના જાય તે માટે રિસોર્ટ પોલિટિક્સ રમાતું હોય છે. બહુમતી પુરવાર કરવા ભાજપને જનતાદળ(એસ) કે કોંગ્રેસના ૪૦ ચૂંટાયેલા સભ્યોની જરૂર રહે કે પછી મતદાન થાય ત્યારે બંને જૂથના કેટલાક વિધાનસભ્યો મતદાનથી દૂર રહે તેવા પ્રયાસ કરવાના રહે. કર્ણાટકનાં પરિણામોએ બતાવી આપ્યું છે કે લોકોની સ્મૃતિ ટૂંકી નથી હોતી, પરિણામોએ એ પણ બતાવી આપ્યું છે કે ૩૬ મહિનાની બિનકાર્યદક્ષતાને ૧૮ મહિનાના ચૂંટણીપ્રચારથી ઢાંકી ના શકાય. સિદ્ધારમૈયા સરકારના ૩૦ કેબિનેટ પ્રધાન પૈકી ૧૭ પ્રધાનો હારી ચૂક્યા છે, જે બે બેઠક પરથી સિદ્ધારમૈયાએ ઝંપલાવ્યું હતું તે પૈકી એક બેઠક પર તેઓ પણ હારી ચૂક્યા છે. કોંગ્રેસસરકાર સામે લોકોમાં અસંતોષ હતો તે સ્પષ્ટ દેખાઈ આવે છે.

મુખ્ય પ્રધાનપદે સાડા ત્રણ વર્ષની મુદત દરમિયાન સિદ્ધારમૈયા કાંઈ ખાસ કરી શક્યા નથી. સતત બે વર્ષ દુકાળ પડતાં કૃષિસંકટ સર્જાયું હતું. બેંગ્લુરૂ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં જાહેર માળખાકીય સુવિધા ખોરવાઈ હતી. આ દરમિયાન કોંગ્રેસના વિધાનસભ્યો ધનવાન બનતા જતા હતા.(આ હકીકત કોઈપણ પક્ષને બાકાત રાખ્યા વિના સમગ્ર દેશમાં સમાન રીતે લાગુ પડે છે.)

ગમે તે હોય પણ ચૂંટણીનાં પરિણામો આવતાં જ કોંગ્રેસે જેડી(એસ)ને સમર્થન આપી દીધું. કેટલાક સમયથી એ વાત નક્કી થઈ ચૂકી હતી કે ભાજપને પરાજય આપવો હોય તો તેના તમામ હરીફ પક્ષોએ હાથ મિલાવવા પડશે. ઉત્તર પ્રદેશ પેટાચૂંટણીમાં પણ આવું જ બન્યું હતું. કોંગ્રેસને હવે ચૂંટણી પૂર્વે જનતાદળ(એસ) સાથે સમજૂતી કેમ ના કરી તેનો રંજ રહેશે. બહુજન સમાજવાદી પાર્ટીના વડા માયાવતી કર્ણાટકમાં જનતાદળ(એસ) માટે પ્રચાર કરી ચૂક્યા છે. વર્ષ ૨૦૧૯ની ચૂંટણીમાં મયાવતી વડા પ્રધાનપદનાં ઉમેદવારના રૂપમાં ઝંપલાવે તો જેડી(એસ) તેમને સમર્થન આપે તે મહેચ્છા સાથે બંને પક્ષો આગળ વધી રહ્યા છે. સમાજવાદી પાર્ટી આ વાતને મૂક મંજૂરી આપી ચૂકી છે. આવા પ્રાદેશિક પક્ષો ભાજપ અને કોંગ્રેસ એમ બંનેને સત્તામાંથી બહાર રાખી શકે છે.

ભાજપ માટે ચિંતાનું બીજું કારણ એ છે કે કર્ણાટકમાં ભાજપને જે મોટી સંખ્યામાં બેઠકો મળી તે વડા પ્રધાન મોદીને આભારી છે. પક્ષના અન્ય નેતા મતદારો સાથે સંવાદ સાધી શક્યા નહોતા. યેદીયુરપ્પા પોતાની બેઠક પર વિજયી રહ્યા છે પરંતુ ચૂંટણીપ્રચારના મોરચે સૌથી આગળ તેઓ નહોતા. મોદીએ એકલે હાથે ભાજપને આટલી બેઠક અપાવી તેવી દંતકથા ભાજપને ચિંતામાં મૂકી શકે છે. ભાજપને ચિંતા સતાવી શકે કે એક વ્યક્તિ ખેંચી ખેંચીને કેટલું ખેંચી શકશે?