કર્ણાટકમાં મિશ્ર સરકાર અંગે કુમારસ્વામીની કાગારોળ - Sandesh
  • Home
  • Columnist
  • કર્ણાટકમાં મિશ્ર સરકાર અંગે કુમારસ્વામીની કાગારોળ

કર્ણાટકમાં મિશ્ર સરકાર અંગે કુમારસ્વામીની કાગારોળ

 | 2:46 am IST

ઓવર વ્યૂ

સુશાસન એટલે કેવું શાસન? તેનો અર્થ નથી જાણતા? તો કર્ણાટકમાં નજર દોડાવો એટલે તેની લોકોને લપડાક મારતી નવી વ્યાખ્યા જાણવા મળશે. જનતાદળ (સેક્યુલર)ના મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામી તમને જણાવશે, તે સરકાર એ લોકોના વિશ્વાસની દેન છે અને સુશાસન એટલે મતદારોને કે પોતાની વોટબેન્કને લહાણી કરવાનો માર્ગ છે. તેમની સરકારે ખેડૂતો અને રાજ્યનાં લોકોને જે કંઈ લહાણી કરી તેના વચ્ચેના ગાળામાં તેમણે પ્રેસકોન્ફરન્સો યોજી અને કુદરતી આપત્તિવાળા વિસ્તારોની મુલાકાત લેવા સિવાય કશું કર્યું નથી, હવે દેશમાં લોકસભાની ચૂંટણી આડે જ્યારે માંડ એક વર્ષ જેટલો સમય બાકી છે ત્યારે કુમારસ્વામીએ તેમની વોટબેન્કને ટકાવી રાખવા અને લલચાવવા લોકોને છુટ્ટા હાથે અનેક લાભો અને પ્રોત્સાહનોની લહાણી કરવા માંડી છે, જ્યારે મતદાનનો તબક્કો આવશે ત્યારે લોકો દોડી દોડીને ઈફસ્માં સાચં બટન દબાવે તેની આ પૂર્વતૈયારી અને કીમિયાગીરી છે.

સાત અઠવાડિયાં અગાઉ જ્યારે કુમારસ્વામીએ જેડીએસ અને કોંગ્રેસની મિશ્ર સરકારની સત્તા સંભાળી તે પહેલાં કોંગ્રેસના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા સત્તા પર હતા તેઓ પણ સુશાસન એટલે શું તેનું ઉદાહરણ આપતા ગયા, જોકે તેમનાં શાસનની પદ્ધતિ જરા જુદી હતી. તેમની નજર મેમાં રાજ્ય વિધાનસભાની યોજાયેલી ચૂંટણીઓ પર હતી. તેઓ રાજ્ય વિધાનસભામાં મત મેળવવા મતદારોને રીઝવવામાં પડયા હતા. હવે જેડીએસ અને કોંગ્રેસ બંને કર્ણાટકમાં સત્તાના ભાગીદાર છે. તેમણે રાજી થવું જોઈએ, કારણ કે તેમની લોકપ્રિયતા હવે બેવડાઈ છે. તેઓ ભલે આને સાચો માપદંડ માનતા હોય પણ તેમની આ માન્યતા ખોટી છે. તેઓ લોકોને લલચાવવાની સ્પર્ધામાં પડયા છે. મતદારો માટે લલચામણી જાહેરાતો કરીને વોટર્સ નામની માછલીઓને પકડવા માટે તેઓ જાળ ફેંકી રહ્યા છે. રાજ્યમાં હરીફ પક્ષો વચ્ચે લોકપ્રિયતા માટેની સ્પર્ધા હોય તે તો સમજી શકાય પણ કર્ણાટકમાં નવો ચીલો ચાતરવામાં આવી રહ્યો છે. મિશ્ર સરકાર વચ્ચે વોટર્સને લલચાવવા માટે સ્પર્ધા શરૂ થઈ છે, જે કર્ણાટક જેવાં રાજ્ય માટે નાણાકીય હોનારત સમાન પુરવાર થવાનાં એંધાણ છે. કુમારસ્વામી શનિવારે પક્ષની મિટિંગમાં રડી પડયા તેનું એક કારણ એ હતું કે તેમનાં લલચામણાં પગલાઓનો જશ કોંગ્રેસ તેમને એકલાને લેવા દેતી નથી. કોંગ્રેસ તેમનું નાક દબાવીને બેઠી છે તેથી કુમારસ્વામી તેમની ચુંગાલમાંથી બચવા કાગારોળ મચાવી રહ્યા છે અને મગરનાં આંસુ સારી રહ્યા છે.

લોકપ્રિયતા મેળવવી એટલી આસાન નથી. તેમાં એક સમસ્યા છે. લોકપ્રિયતા વધુ લોકપ્રિયતાને જન્મ આપતી હોય છે. કુમારસ્વામીએ અગાઉ ૧૭ લાખ ખેડૂતોની ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ સુધી લીધેલી રૂ. ૨ લાખની કૃષિલોન માફ કરવાની જાહેરાત કરી પણ તેનાથી ખેડૂતો જરા પણ રાજી ન હતા, તેમનો અસંતોષ તો ચાલુ જ હતો, આથી ૧૨ જુલાઈએ તેમણે લોનની કટઓફ ડેટ લંબાવી અને ૨૨ લાખ ખેડૂતોને લાભ મળે તેવી રીતે સરકારી બેન્કો પાસેથી લીધેલી રૂ. ૧ લાખ સુધીની કૃષિલોન માફ કરવાની જાહેરાત કરી. આમ ૧૫ દિવસના ગાળામાં લોનમાફીની લહાણી કરીને ખેડૂતોને રાજીના રેડ કરી દીધા. અગાઉ તેમણે મુદત વીત્યા પહેલાં એટલે કે વહેલી લોન ચૂકવનાર દરેક ખેડૂતને રૂ. ૨૫,૦૦૦નું પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી હતી તેની રકમ વધારીને રૂ. ૧ લાખની કરી. સિદ્ધારમૈયા આમાંની કેટલીક લોનમાફીની અગાઉ જાહેરાત કરી ચૂક્યા હતા જેને મઠારીને કુમારસ્વામી લોકપ્રિયતાનો લાભ લેવા ઘાંઘા થઈ ગયા હતા. જે દિવસે લોનમાફી કરાઈ તે જ દિવસે આરબીઆઈએ ચેતવણી આપી કે રાજ્યોની આવી લોનમાફીની લહાણીથી દેશની રાજકોષીય ખાધ વધશે અને ફુગાવો આસમાને પહોંચશે.  આમાં મજાની વાત એ છે કરે આરબીઆઈને ક્યાં ચૂંટણી લડવાની છે, ખરું ને? હવે કુમારસ્વામી ગ્રેજ્યુએટ થવા માટે જે વિદ્યાર્થીઓએ શૈક્ષણિક લોન લીધી છે તેમની લોન માફ કરવા ગંભીરતાથી વિચારે છે. હવે તેમના પિતા અને પૂર્વ વડા પ્રધાન એચ. ડી. દેવગોવડા કે જેઓ પડદા પાછળથી સરકાર ચલાવી રહ્યા છે તેમણે સ્વસહાય ગ્રૂપની મહિલાઓની લોન માફ કરવાના સંકેતો આપ્યા છે. રાજ્યના માછીમારોએ તેમની લોન માફ કરવાની માગણી કરી છે, હવે આ યાદીમાં અન્ય લોકોનો ઉમેરો થાય તો નવાઈ નહીં. લોનમાફીના આ બેન્ડવેગનમાં અન્ય લોકો જોડાઈ શકે છે.

કોંગ્રેસને શંકા છે કે જ્યારે લોકસભાની ચૂંટણી આવશે ત્યારે મુખ્ય પ્રધાન અને તેમનો પક્ષ મિશ્ર સરકારના આ સામૂહિક નિર્ણયોનો નિશ્ચિતપણે લાભ લેશે અને મતદારો સમક્ષ એવો પ્રચાર કરશે કે અમારા પક્ષે તમને લાભ અને રાહતો આપી. કોંગ્રેસને તો એવી શંકા છે કે જેડીએસ લોકસભાની વધુમાં વધુ બેઠકો જીતવા કોશિશ કરશે અને જો ત્રિશંકુ પરિણામો આવશે તો ફરી એક વાર વડા પ્રધાન બનવા દેવગોવડા એડીચોટીનું જોર લગાવશે. કોંગ્રેસના નેતાઓ એવો દાવો કરી રહ્યા છે કે ખેડૂતોની લોનમાફીથી જેડીએસનો જ્યાં ગઢ છે ત્યાંના ખેડૂતોને વધુમાં વધુ લાભ મળ્યો છે. આમાં નારાજગીની વાત એ છે કે કુમારસ્વામીએ અગાઉની કોંગ્રેસની સિદ્ધારમૈયા સરકાર વખતે લોકપ્રિય બનેલી અન્ના ભાગ્ય સ્કીમ હેઠળ અપાતા ૭ કિલો ચોખાનો લાભ ઘટાડીને ૫ કિલો ચોખાનો કર્યો છે. લોનમાફીની રકમ ભરપાઈ કરવા માટે તેમણે કેટલાંક અણગમતાં પગલાં લીધાં છે. સિદ્ધારમૈયા અને તેમના સાથીઓ મરી ગયા… મરી ગયાની બૂમો પાડી રહ્યા છે. શનિવારે કુમારસ્વામીએ રડતાં રડતાં કહ્યું કે કોંગ્રેસ હવે ૫ કિલો મફત ચોખાને બદલે ૭ કિલો ચોખા માગે છે પણ મારે આ માટે જરૂરી રૂ. ૨,૫૦૦ કરોડ ક્યાંથી લાવવા?

કુમારસ્વામીએ મિશ્ર સરકાર ચલાવવાની તેમની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરીને કહ્યું કે હું મિશ્ર સરકાર ચલાવવાથી રાજી નથી. મિશ્ર સરકાર ચલાવીને હું શંકર ભગવાનની જેમ ઝેરના ઘૂંટડા પી રહ્યો છું. તેમનો આ રોષ જેડીએસનાં અસ્તિત્વને ટકાવી રાખવા માટેનું નાટક છે. જે એવું દર્શાવે છે કે શું રાષ્ટ્રીય પક્ષો સાથેનું પ્રાદેશિક પક્ષોનું જોડાણ એ અસ્તિત્વ ટકાવી રાખવા માટે પૂરતું છે? અહીં રાષ્ટ્રીય પક્ષ માત્ર નામનો છે, કોંગ્રેસ ખુદ તેનું અસ્તિત્વ ટકાવી રાખવા લડી રહી છે અને હવાતિયાં મારી રહી છે. થિયરિકલ રીતે જોઈએ તો એવું કહી શકાય કે બે પક્ષોનું જોડાણ બંને પક્ષોને લાભ આપનારું હોવું જોઈએ પણ તેમનો સપોર્ટ બેઝ અલગ અલગ છે. તેઓ રાજ્યમાં એક જ મતદારોને રાજી કરવા અને તેમના મત મેળવવા અંદરોઅંદર સ્પર્ધા કરી રહ્યા છે.

ભાજપ સામે સંયુક્ત લડત આપીને તેને હરાવવાનો કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીનો ઇરાદો અહીં કારગત નીવડે તેમ લાગતું નથી. તેમના સ્થાનિક નેતાઓ તેમને પોતાને બચાવવા અને તેમનું અસ્તિત્વ ટકાવવા માગે છે. તેઓ ચૂંટણી મોરચે પોતાને જેડીએસના સેવક કે સહયોગી પુરવાર કરવા માગતા નથી, તેઓ કુમારસ્વામીની લોકપ્રિયતા વધે અને કુમારસ્વામી એકલા જ બધા લાડવા ખાઈ જાય તેવું ઇચ્છતા નથી. આથી તેમણે કુમારસ્વામી પર એક યા બીજી રીતે દબાણ વધારવાનું શરૂ કર્યું છે અને કુમારસ્વામીએ તેની સામે કાગારોળ મચાવવાનું અને રડવાનું શરૂ કર્યું છે.

કુમારસ્વામીએ સીધી ભાષામાં ધમકી આપી છે કે જો મારા પર દબાણ કરવામાં આવશે તો થોડા કલાકોમાં જ હોદ્દા પરથી રાજીનામું આપવામાં હું જરા પણ ખચકાટ અનુભવીશ નહીં. તેમણે અગાઉ કેબિનેટમાં પ્રધાનોને ખાતાંની ફાળવણી વખતે પણ કોંગ્રેસનાં દબાણ સામે રાજીનામું આપવાની ધમકી આપી હતી પણ કુમારસ્વામીની રાજીનામાની ધમકીને કોઈ ગંભીરતાથી લેતું નથી. કોઈને તેની પરવા નથી. કુમારસ્વામીને પણ રાજીનામું આપીને સત્તા ગુમાવવાની ઉતાવળ નથી. તેમણે જે કઈ લહાણી કરી છે તેના લાભ તેઓ ગુમાવવા માગતા નથી. તેઓ શારીરિક રીતે જોઈએ તેટલા ફિટ નથી. તેમણે બે હાર્ટસર્જરી કરાવી છે. પોતાનો પુત્ર કેવી રીતે ૧૮-૧૮ કલાક કામ કરે છે તે અંગે તેમના પિતા દેવગોવડાએ પણ નારાજગી દર્શાવી છે. કુમારસ્વામી જ્યારે તેમની તબિયત સાથ નહીં આપે ત્યારે જ સત્તા છોડશે અથવા તો તેમનાં નાટકોથી પાર્ટીને લાંબાગાળે ફાયદો થશે તેવું લાગશે ત્યારે જ તેઓ હોદ્દો છોડશે.

કોંગ્રેસના નેતાઓ હવે તેમની નેતાગીરીને એવું ઠસાવવામાં પડયા છે કે મિશ્ર સરકારથી ૨૦૧૯ની ચૂંટણીમાં તેમના પક્ષને લાભ થશે નહીં કોંગ્રેસના અન્ય નેતાઓ માટે આ સ્થિતિ નિરાશાનજક છે. જે ૨૦૧૯માં પાર્ટી માટે ભંગાણ સર્જી શકે છે કે મુશ્કેલીઓ સર્જી શકે છે. રાહુલ ગાંધી હવે એક જ કામ કરી શકે છે તેઓ પોતાનું ડહાપણ ડહોળતી સલાહ ટ્વિટ ન કરે ત્યાં સુધી બંધ મુઠ્ઠીઓવાળીને બેસી રહેવાનું છે.

;