કર્ણાટકના બળવાખોરોને રાજીનામાં આપવાનો અધિકાર છે? - Sandesh
  • Home
  • Columnist
  • કર્ણાટકના બળવાખોરોને રાજીનામાં આપવાનો અધિકાર છે?

કર્ણાટકના બળવાખોરોને રાજીનામાં આપવાનો અધિકાર છે?

 | 2:54 am IST

રાજકીય લેખાંજોખાં : વિનોદ પટેલ

પહેલાં તો આ શબ્દ જ વિચિત્ર છે. રાજીનામું કેવી રીતે હોઈ શકે? હોય તોપણ એ નારાજીનામું હોય. જ્યારે તમે કોઈ બાબતે નારાજ હો ત્યારે તમે રાજીનામું આપો કે નારાજીનામું? બહુ બહુ તો કાનૂની પ્રક્રિયાનું માન રાખવા માટે તમારે રાજીનામું શબ્દ વાપરવો પડે જેથી ઘીના ઠામમાં ઘી પડયું રહે, પરંતુ કર્ણાટકના બળવાખોર વિધાનસભ્યોના કેસમાં રાજીનામું એ પેચીદો મામલો બની ગયો છે. કોંગ્રેસના બળવાખોર વિધાનસભ્યોનું કહેવું એમ છે કે તેમનો રાજીનામું આપવાનો અધિકાર જોખમમાં છે. વેલ, મુદ્દો એ છે કે આમ કેવી રીતે બની શકે?

વાત માંડીને કરીએ. સામાન્ય રીતે વિધાનસભ્ય કોઈ રાજકીય પક્ષના પ્રતીકનો ઉપયોગ કરીને ચૂંટાઈ આવ્યો હોય ત્યારે તે આપમેળે વિધાનસભ્યપદેથી રાજીનામું ન આપી શકે. સિવાય કે તેની પાસે વાજબી અંગત કારણો હોય. પરંતુ આ કિસ્સામાં અંગત કારણોને માન્ય રાખવામાં આવે તેવી શક્યતા ઓછી છે. કેમ કે આ વિધાનસભ્યો પંદર છે એટલે તેઓ કોઈ અંગત કારણને બદલે સામૂહિક કારણસર રાજીનામું આપી રહ્યાં છે.

આ સામૂહિક કારણ કયું તે ચતુર વાચકો સમજી ગયા હશે. ફોડ પાડીને કહીએ તો પક્ષાંતર વિરોધી ધારાની જોગવાઈઓ લાગુ ન પડે તે માટે તેઓ આ રાજીનામાંનો ખેલ કરી રહ્યાં છે. હાલ આ મામલો સર્વોચ્ચ અદાલતમાં છે. સર્વોચ્ચ અદાલતમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈ, જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝની બનેલી બેન્ચ સમક્ષ ગુરુવારે આ કેસમાં સુનાવણી હાથ ધરાઈ ત્યારે બળવાખોર વિધાનસભ્યોના વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું કે વિધાનસભ્યોનાં રાજીનામાંનો વિધિસર સ્વીકાર થવો જોઈએ, પણ સ્પીકર આ મામલે ટાળંટોળ કરી રહ્યા છે. રોહતગીએ એવો પણ આક્ષેપ કર્યો કે સંબંધિત પક્ષ જરૂર પડે વ્હીપ જારી કરી બળવાખોર વિધાનસભ્યોને મુખ્યપ્રધાનની વિશ્વાસની દરખાસ્તને ટેકો આપવા માટે ફરજ પાડી શકે, જેથી તેમને ગેરલાયક ઠરાવવા માટે ભૂમિકા તૈયાર કરી શકાય. રોહતગીએ આૃર્ય વ્યક્ત કરતાં એમ પણ કહ્યું કે તેઓ પક્ષપલટો કરવાને બદલે નવેસરથી લોકો સમક્ષ જઈ તેમનો મત માગી શકે એમ પણ નથી. ત્યારે વિદ્વાન મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ લાક્ષણિક રીતે જણાવ્યું કે અમને હવે કશાથી આૃર્ય થતું નથી. એ પછી સર્વોચ્ચ અદાલતની બેન્ચે આદેશ આપ્યો કે બળવાખોર વિધાનસભ્યો મુંબઇથી કર્ણાટક આવે એટલે તેમને તેઓ જ્યાં સુધી સ્પીકરને ન મળે ત્યાં સુધી તેમને પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવે. એ પછી તેઓ સ્પીકરને સાંજે છ વાગ્યે તેમનાં રાજીનામાં સાથે મળે ત્યારે સ્પીકર તેમનાં રાજીનામાં વિશે ફેંસલો કરશે.

બંધારણની કલમ ૧૯૦(૩)(બી)માં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર જો સ્પીકરને એમ લાગે કે રાજીનામું સ્વૈચ્છિક કે ખરું નથી તો તે રાજીનામું સ્વીકારવાની ના પાડી શકે છે. સર્વોચ્ચ અદાલતની બેન્ચે આ આદેશ આપ્યો તે પણ વિવાદનો મુદ્દો બની શકે છે. પરંતુ હાલ મુદ્દો એ છે કે બળવાખોર વિધાનસભ્યોની ફરિયાદ એ હતી કે તેઓ સરળતાથી રાજીનામું પણ આપી શકે તેમ નથી. આમાં સર્વોચ્ચ અદાલતની બેન્ચને કોઈ આૃર્ય ન થયું તેનું કારણ એ છે કે અગાઉ આવો કેસ ગોવામાં ગઈ સાલ જ બન્યો હતો અને તેનો ચુકાદો હજી સર્વોચ્ચ અદાલતમાં જ પેન્ડિંગ છે. જો કે, ચિંતાનું કારણ એ છે કે હવે વિધાનસભ્યો પક્ષાંતર વિરોધી કાયદાને ચાતરી જવા માટે તેમનાં રાજીનામાંનો અસરકારક ઉપયોગ કરતા શીખી ગયા છે. આ વિધાનસભ્યોનો દાવો છે કે તેઓ લોકો સમક્ષ જઈને તેમનો જનાદેશ ફરી મેળવવા માગે છે. પણ એ હકીકત નજરઅંદાજ ન કરી શકાય કે તેમણે તેમની વિધાનસભાની બેઠકો પરથી રાજીનામાં તેમણે પક્ષાંતર વિરોધી કાયદાની જોગવાઈઓમાંથી છટકવા માટે આપ્યા છે. ગોવામાં પણ વિધાનસભ્યોએ આ જ વ્યૂહ અપનાવ્યો હતો જેને કોંગ્રેસ દ્વારા પડકારવામાં આવ્યો હતો અને તે પિટિશન હજી સર્વોચ્ચ અદાલતમાં પેન્ડિંગ છે.

સ્વાભાવિક રીતે જ પક્ષ વ્હીપ જારી કરે કે તમારે મુખ્યપ્રધાનને ટેકો આપતી દરખાસ્તની તરફેણમાં મત આપવાનો છે. જો આમ થાય તો તેમની બળવાખોરી અર્થહીન બની જાય. વિધાનસભ્ય જો પક્ષના વ્હીપનો અનાદર કરે તો પક્ષના સભ્ય તરીકે તેમનાં રાજીનામાં બાદ તેઓ ગૃહના સભ્ય તરીકે ગેરલાયક ઠરે છે. વળી સ્પીકરે સભ્યનું રાજીનામું સ્વીકારતાં પૂર્વે તપાસ કરવી પડે એવી પણ એક વાત છે. વળી પક્ષે પણ સ્પીકર સમક્ષ તેના બળવાખોર સભ્યને ગેરલાયક ઠરાવવા માટે સમયસર અરજી કરવી પડે. જો આમ થયું હોય તો સ્પીકર વિધાનસભ્ય તેના પક્ષનો સભ્ય છે કે કેમ તેના આધારે તેનો નિર્ણય કરે કે આ સભ્યને ગેરલાયક ઠરાવી શકાય તેમ છે કે કેમ.

આ કેસમાં મામલો પેચીદો એટલા માટે છે કે બળવાખોર વિધાનસભ્યોએ વિધાનસભામાંથી રાજીનામું આપવાના તેમનાં પગલાં અંગે ફોડ પાડતાં જણાવ્યું છે કે તેઓ રાજ્યમાં થઈ રહેલા ગેરવહીવટથી કંટાળ્યા હતા. પણ તેમણે એવો દાવો કર્યો નથી કે તેમણે સ્વૈચ્છિક રીતે વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે, પણ તેઓ તેમના પક્ષના સભ્યપદે તો ચાલુ જ છે. હવે સવાલ એ છે કે કોઈ વિધાનસભ્ય પક્ષના ગેરવહીવટનો વિરોધ કરવા માટે જેમના પ્રતીક પર તેઓ ચૂંટણી લડયા હોય તે પક્ષની નીતિઓ અને કાર્યક્રમોથી પોતાને અલગ કર્યા વિના વિધાનસભાના સભ્યપદને સ્વૈચ્છિક રીતે ત્યાગી શકે ખરાં? પહેલાં તો તમારે પક્ષની નીતિઓ અને કાર્યક્રમોથી અળગાં થવું પડે એ પછી વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપવાની વાત આવે. ખેર, હાલ તો સ્પીકર અને સર્વોચ્ચ અદાલત જે કરે તે ખરં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન