કાર્તિ ચિદમ્બરમ્ની ઈડીના સમનને રદ કરવાની માગ સાથે સુપ્રીમમાં અરજી - Sandesh
NIFTY 10,421.40 +194.55  |  SENSEX 33,917.94 +610.80  |  USD 65.0350 -0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • કાર્તિ ચિદમ્બરમ્ની ઈડીના સમનને રદ કરવાની માગ સાથે સુપ્રીમમાં અરજી

કાર્તિ ચિદમ્બરમ્ની ઈડીના સમનને રદ કરવાની માગ સાથે સુપ્રીમમાં અરજી

 | 4:20 am IST

નવી દિલ્હી, તા. ૫

પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમ્ના પુત્ર કાર્તિ ચિદમ્બરમે આઈએનએક્સ મીડિયા કેસમાં ઈડી દ્વારા આપવામાં આવેલું સમન રદ કરવાની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. ઈડી આ કેસમાં મની લોન્ડરિંગ અપરાધ સંદર્ભમાં તપાસ કરી રહી છે. ગયા સપ્તાહે ધરપકડ થયા પછી કાર્તિ હાલમાં સીબીઆઈ કસ્ટડીમાં છે અને છ માર્ચના રોજ દિલ્હી કોર્ટ સમક્ષ પેશ થશે. સીબીઆઈ પી. ચિદમ્બરમ્ યુપીએ શાસનમાં નાણાપ્રધાન હતા ત્યારે આઈએનએક્સ મીડિયા ભંડોળ મેળવી શકે તે માટે વિદેશરોકાણ પ્રોત્સાહન બોર્ડ દ્વારા અપાયેલી મંજૂરીના કેસમાં તપાસ કરી રહી છે.

સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરતાં કાર્તિએ ઈડી દ્વારા આપવામાં આવેલા સમનને પડકારતાં રજૂઆત કરી છે કે સીબીઆઈ દ્વારા દાખલ થયેલી એફઆઈઆર સંદર્ભમાં ઈડીને નોટિસ ઇશ્યૂ કરવાની સત્તા નથી. મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાનાં નેતૃત્વ હેઠળની બેંચ સમક્ષ અરજી રજૂ થતાં બેંચે સંબંધિત અરજીઓ સાથે મંગળવારે આ અરજીની સુનાવણી હાથ ધરવા સહમતી જાહેર કરી હતી.

ગયા સપ્તાહે પતિયાલાહાઉસ કોર્ટે પણ કાર્તિ ચિદમ્બરમ્ના સીએ ભાસ્કરરમન દ્વારા થયેલી જામીનઅરજી પરનો ચુકાદો અનામત રાખ્યો હતો. આઈએનએક્સ મની લોન્ડરિંગ કેસમાં ઈડી તેમની ધરપકડ કરી ચૂકી છે. સીબીઆઈ વિશેષ ન્યાયાધીશે જણાવ્યું હતું કે સાત માર્ચના રોજ ચુકાદો આપવામાં આવશે. આ અરજીના કેસમાં ઈડીએ જામીન આપવા સામે વિરોધ નોંધાવ્યો હતો. ઈડીએ રજૂઆત કરી હતી કે સ્થાવર અને જંગમ મિલકતો ઓળખી કાઢવા અને મની લોન્ડરિંગમાં સીએની ભૂમિકાની તપાસ કરવા સીએની કસ્ટડી જરૂરી છે.