કાશ્મીરમાં ૩ આતંકી, ૪ નાગરિક ઠાર : ભારેલો અગ્નિ - Sandesh
  • Home
  • India
  • કાશ્મીરમાં ૩ આતંકી, ૪ નાગરિક ઠાર : ભારેલો અગ્નિ

કાશ્મીરમાં ૩ આતંકી, ૪ નાગરિક ઠાર : ભારેલો અગ્નિ

 | 4:32 am IST

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં રવિવારે ત્રાસવાદીઓએ સૈન્યની મોબાઇલ પોસ્ટ પર હુમલો કર્યો હતો. ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપતાં ૨ આતંકી સહિત ૬ લોકોનાં મોત નીપજ્યાં છે. આ પછી બીજી ઘટનામાં સોમવારે જમ્મુના સુંજુવાન આર્મી કેમ્પ પર હુમલાના માસ્ટર માઇન્ડને પણ સેનાએ ઠાર માર્યો છે. રાત્રે ચાર લોકોનાં મોતની પુષ્ટિ થઈ હતી, જ્યારે અન્ય બે લોકોના મૃતદેહ સોમવારે મળી આવ્યા હતા. સેનાપ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ કહ્યું કે, આ સામસામા ફાયરિંગમાં બે આતંકી ફૂંકી મરાયા છે. બીજી બાજુ સ્થાનિકોએ સેના પર આરોપ મૂક્યો છે કે, અન્ય ચાર સામાન્ય નાગરિકોનાં મોત સેનાએ કરેલાં ફાયરિંગમાં થયાં છે. આ ચારેય લોકોને આતંકીઓ સાથે કોઈ લેવાદેવા નથી. તેમનાં મોતને પગલે સ્થાનિકોએ સેના પર પથ્થરમારો કર્યો હતો. એક ડઝનથી વધુ જગ્યાએ લોકોનાં વિરોધપ્રદર્શન અને સેના સાથે હિંસક અથડામણની ઘટનાઓ બની છે.

રવિવારે રાત્રે આઠ વાગ્યા આસપાસ એક કારમાં આતંકીઓ આવ્યા હતા, નાકા પાસે પહોંચીને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ૪૪ રાષ્ટ્રીય રાઇફલના પહનુ વિસ્તારમાં હાઇસ્કૂલ પાસે આવેલી સેનાની મોબાઇલ પોસ્ટ પર હુમલો કરાયો હતો. ભારતીય સેનાએ જવાબી ફાયરિંગ કરતાં કાર થોડે દૂર જઈ અટકી અને આતંકીએ નાસી ગયા. જવાનોએ ત્યાં જ આતંકીઓને ફૂંકી માર્યા હતા. ઢેર થયેલા આતંકીનું નામ શાહિદ અહમદ ડાર છે. હુમલામાં વપરાયેલી કારની તપાસ કરતાં અન્ય ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા હતા, જે આતંકીઓના મદદકર્તા હતા. સોમવારે સવારે ઘટનાસ્થળથી થોડે દૂર ૨ મૃતદેહમાંથી એક લશ્કર-એ-તોયબાનો આતંકી આશિક હુસેન ભટ હતો. સેનાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, હજુ સર્ચ ઓપરેશન ચાલુ છે.

સુંજુવાન આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ મુફ્તી વકાસ જૈશ-એ-મહંમદ સાથે જોડાયેલો હતો

જમ્મુના સુંજુવાન આર્મી કેમ્પ પર હુમલાના માસ્ટરમાઇન્ડને સેનાએ ઠાર માર્યો છે. પુલવામાના અવંતિપોરા વિસ્તારમાં ૫૦ રાષ્ટ્રીય રાઇફલ્સ અને એસઓજીના જોઇન્ટ ઓપરેશનમાં મુફ્તી વકાસનું મોત થયું છે. આ ઓપરેશન દરમિયાન એક પોલીસકર્મી ઘાયલ થયો છે. અવંતિપોરાના હટવાર વિસ્તારમાં મુફ્તી વકાસની હાજરીના ઇનપુટ મળ્યા હતા. ૫૦ રાષ્ટ્રીય રાઇફલ્સ, એસઓજી અને સીઆરપીએફની ટુકડીએ વિસ્તારને કોર્ડન કરી ઓપરેશનને અંજામ આપ્યો હતો. વકાસ પાકિસ્તાની હતો અને તેમની પાસેથી હથિયારો તેમજ અન્ય ચીજવસ્તુ જપ્ત કરી છે. વકાસે સુંજુવાન આર્મી કેમ્પ પર હુમલાનું કાવતરું ઘડયું હતું, જેમાં સેનાના ૬ જવાન શહીદ થયા હતા. વકાસ જૈશ-એ-મહંમદ આતંકી સંગઠન સાથે જોડાયેલો હતો. વકાસ છેલ્લા એક વર્ષથી કાશ્મીરના પહાડી વિસ્તારમાં સક્રિય હતો. મુફ્તી વકાસની અંતિમયાત્રામાં લોકો ઊમટી પડયા અને સેનાનો વિરોધ કરવા લાગ્યાં હતાં.

વકાસ ૨૦૧૭માં પાકિસ્તાનથી ભાગીને કાશ્મીર આવ્યો હતો

સેન્યના અધિકારીઓએ જણાવ્યું કે, ગત વર્ષે જ વકાસ પાકિસ્તાનથી ભાગીને કાશ્મીર આવ્યો હતો. ત્યારથી જ તે જૈશ-એ-મોહમ્મદના ઓપરેશનલ હેડ તરીકે કામ કરતો હતો. તેણે ઘણા આત્મઘાતી જૂથ તૈયાર કર્યાં હતાં. કાશ્મીરના છોકરાઓને ફોસલાવીને અને ગેરમાર્ગે દોરીને તે આતંકવાદી બનાવતો હતો. તેણે જ લોથેપારા સીઆરપીએફ કેમ્પ અને સુંજુવાન હુમલાને અંજામ આપ્યો હતો. તેની પાસેથી હથિયારો અને આઈઈડી બનાવવાનો સામાન મળી આવ્યો હતો.