કાશ્મીરને ફરી પાછો પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાશે ? - Sandesh
  • Home
  • Columnist
  • કાશ્મીરને ફરી પાછો પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાશે ?

કાશ્મીરને ફરી પાછો પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાશે ?

 | 12:50 am IST

સ્નેપ શોટ

દેશ અને દુનિયા કોરોનાગ્રસ્ત છે. પરંતુ કોરોના રાજકીય ગતિવિધિઓને અટકાવી શકતું નથી. અમેરિકામાં નવેમ્બરમાં પ્રેસિડેન્ટની ચૂંટણી યોજાવાની છે. ભારતમાં પણ બિહારમાં ચૂંટણીની તૈયારીઓ થઇ રહી છે. બીજી બાજુ રાજસ્થાનમાં સરકાર ઊથલાવવા કોંગ્રેસના ગ્રૂપો અંદરોઅંદર લડાઇ કરી રહ્યાં છે. ભાજપ આ તાલ જોઇ રહ્યું છે. બીજી બાજુ કાશ્મીરમાં પણ કંઇક રાજકીય હલચલ થઇ રહી હોય તેના આસાર મળી રહ્યાં છે.

૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ કાશ્મીરને અપાયેલી ૩૭૦ની કલમ રદ કરી દેવામાં આવી હતી. સાથેસાથે જમ્મુ-કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવામાં આવ્યું હતું લદાખ અને જમ્મુ-કાશ્મીર. ત્યારબાદ કાશ્મીરના તમામ રાજકીય નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. મોટાભાગના નેતાઓને તેમના ઘરમાં જ નજરકેદ રાખવામાં આવ્યાં હતાં. આ વાતને એક વર્ષ પૂરું થવા આવી રહ્યું છે ત્યારે કાશ્મીરના મોટાભાગનાં નેતાઓને કેદમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે. એકમાત્ર મહેબુબા મુફ્તીની નજરકેદ ત્રણ મહિના વધારવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના માજી મુખ્યમંત્રી અને પીડીપીના નેતા મહેબુબા મુફ્તી સાથે ભાજપે ગઠબંધનની સરકાર પણ જમ્મુ-કાશ્મીરમાં ચલાવી હતી તેમ છતાં મહેબુબા મુફ્તીને હજુ નજરકેદમાં કેમ રાખવામાં આવ્યાં છે તે સવાલ ઊભો થયો છે, કારણ કે ફારૂક અબ્દુલ્લા અને ઉમર અબ્દુલ્લા સહીત સજ્જાદ લોનને પણ નજરકેદમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે ત્યારે મહેબુબા મુફ્તીની નજરકેદમાં વધારો એક ચર્ચાનો વિષય બન્યો છે.

કાશ્મીરમાં એક બીજી ઊડીને આંખે વળગે તેવી વાત એ છે કે, કાશ્મીરના રાજકારણીઓ આજકાલ નિવેદનો કરતા થઇ ગયાં છે જે છેલ્લાં એક વર્ષથી બંધ હતા. ૨૪ માર્ચે જ્યારે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાને ૨૩૨ દિવસની નજરકેદમાંથી મુક્ત કરાયાં ત્યારે પણ તેમણે કોઇ રાજકીય નિવેદન કર્યુ ન હતું. તેવી જ રીતે પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ પણ છૂટકારા બાદ કોઇ નિવેદન કર્યું ન હતું. પરંતુ છેલ્લાં અઠવાડિયાથી કાશ્મીરના રાજકીય નેતાઓ નિવેદનો કરવા લાગ્યાં છે. આ નિવેદનોની શરૂઆત ફારૂક અબ્દુલ્લાથી થઇ હતી.

તાજેતરમાં દિલ્હીની ત્રણ દિવસની યાત્રા કર્યા બાદ પરત ફરેલા ફારૂક અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરને ફરીથી પૂર્ણ દરજ્જાનું રાજ્ય બનાવવાની માગણી કરી હતી.ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, કાશ્મીરના લોકોની સાથે વિશ્વાસઘાત થયો છે. જે વિશ્વાસ કાશ્મીરના લોકોએ ભારતમાં સામેલ થતી વખતે  દર્શાવ્યો હતો તે વિશ્વાસ ૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ લેવાયેલા નિર્ણયને કારણે તૂટી ગયો છે.  કેન્દ્ર સરકારના આ નિર્ણય સામે અમારી પાર્ટી સુપ્રીમ કોર્ટમાં ન્યાય માગશે. ફારૂક અબ્દુલ્લાના આ નિવેદન પછી તેમના દીકરા અને પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાનું નિવેદન આવ્યું હતું. એમણે કહ્યું હતું કે, જ્યાં સુધી જમ્મુ-કાશ્મીર એક કેન્દ્રશાસિત ક્ષેત્ર હશે ત્યાં સુધી તેઓ ચૂંટણી નહીં લડે. ઉમર અબ્દુલ્લાનું આ નિવેદન અખબારોમાં એ રીતે પ્રસિદ્ધ થયું કે, ઉમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરને ફરી એકવાર પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગ કરી રહ્યાં છે. કાશ્મીરના સ્થાનિક રાજકારણમાં ઉમર અબ્દુલ્લાના આ નિવેદનને એ રીતે વખોડી કાઢવામાં આવ્યું કે ઉમર અબ્દુલ્લા હવે કાશ્મીરીઓને પ્રિવિલેજ આપતી ૩૭૦ની કલમ અંગે કઇ બોલવા માગતા નથી. તેમને માત્ર કાશ્મીરને ફરી પાછો રાજ્યનો દરજ્જો મળે તેટલી વાતમાં જ રસ છે.

કાશ્મીરનું રાજકારણ ફારૂક અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સ અને મહેબુબા મુફ્તીની પાર્ટી પીડીપી વચ્ચે વહેંચાયેલું છે. નેશનલ કોન્ફરન્સના નેતાઓ ૩૭૦ની કલમ ભૂલી ગયા છે તેવો આક્ષેપ પીડીપીના નેતાઓ કરી રહ્યાં છે. સાથેસાથે એવો પણ આરોપ લગાવી રહ્યાં છે કે નેશનલ કોન્ફરન્સના નેતાઓ સાથે કેન્દ્ર સરકારે ગુપ્ત સોદો કર્યો છે તે મુજબ નેશનલ કોન્ફરન્સ ૩૭૦ની કલમને પાછી લાવવાની માગ નહીં કરે. માત્ર કાશ્મીરને પૂર્ણ રાજ્યના દરજ્જાની વાત કરશે અને સરકાર તે માન્ય રાખશે. પીડીપીના નેતા અને વિધાન પરિષદના સદસ્ય રહેલા ફીરદોસ ટાંકનું કહેવું છે કે, અમારી પાર્ટીની માગણી બિલકુલ સ્પષ્ટ છે અને તે એ છે કે, કાશ્મીરીઓ માટે કલમ ૩૭૦ ફરી લાગુ કરો અને સાથે સાથે જમ્મુ-કાશ્મીરને ફરીથી પૂર્ણ રાજ્ય બનાવો. ટાંક કહે છે કે, અમારા તમામ હક્કો જે ૫ ઓગસ્ટે અમારી પાસેથી છીનવી લેવાયાં છે તે અમને ફરીથી મળવા જોઇએ. પીડીપીના આ નેતાઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, મહેબુબા મુફ્તીને નજરકેદમાંથી છુટકારો એટલા માટે નથી મળતો કે તેઓ કેન્દ્ર સરકારની આ યોજના સાથે સંમત નથી. નેશનલ કોન્ફરન્સના નેતાઓ માત્ર કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની વાતથી સંમત થઇ ગયા છે. પીડીપીને બંને વસ્તુ જોઇએ છે, ૩૭૦ની કલમ પાછી લાગુ કરાય, અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે.

આમ અત્યારે કાશ્મીરનું રાજકારણ ફરી ગરમાયું છે. જાણકાર સૂત્રો કહે છે કે, ૧૫મી ઓગસ્ટે કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની જાહેરાત થવાની શક્યતા છે. આ સંજોગોમાં કાશ્મીરમાં રાજકીય વાતાવરણ સાનુકૂળ થાય તે માટે સરકાર પ્રયત્ન કરી રહી છે અને તેના અનુસંધાનમાં જ કાશ્મીરના નેતાઓને નજરકેદમાંથી છોડાઇ રહ્યાં છે. કાશ્મીરમાં અત્યારે લશ્કર વ્યૂહાત્મક સ્થળોએ બંકર બનાવી રહ્યું છે. કેટલાંક કાયદામાં સુધારા કરીને આ કામગીરી થઇ રહી છે. તે ઉપરાંત કાશ્મીરમાં રહેનાર લોકોને ડોમિસાઇલ સર્ટિફિકેટ અપાઇ રહ્યું છે જેનાથી સ્થાનિક લોકોની ઓળખ બની રહે અને ઘૂસણખોરોને ઓળખી શકાય. કાશ્મીરીઓ આ બધી ગતિવિધિઓ અંગે ચૂપ છે અને હવે જ્યારે રાજકારણીઓ ફરી મેદાનમાં આવી રહ્યાં છે ત્યારે આવનારા દિવસોમાં કાશ્મીરમાં શું થશે તે જોવું રહ્યું.

કાશ્મીરની ગતિવિધિઓના જાણકારો કહેછે કે, ટૂંક સમયમાં કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી મુક્ત કરીને ફરીથી રાજયનો દરજ્જો અપાશે તે વાત નક્કી છે. સવાલ ૩૭૦ની કલમ છે તો તે ફરી લાગુ પાડવાનો સવાલ જ નથી. મોદી સરકારનો આ નિર્ણય કોઇપણ સંજોગોમાં બદલાવાનો નથી એટલે આ મુદ્દે કાશ્મીરના રાજકારણીઓ જો કોઇ વિરોધ કરે તો તે વિરોધને દબાવી દેવામાં આવશે. જાણકારો કહે છે કે, ૩૭૦ની કલમ રદ થયા પછી કાશ્મીરમાં થયેલી સખત કાર્યવાહીને પગલે આતંકવાદની ઘટનાઓમાં ઘટાડો નોંધાયો છે. સ્થાનિક યુવાનો આતંકવાદના રસ્તે જવાની પ્રક્રિયામાં ૪૦ ટકા જેટલો ઘટાડો થયો છે. જ્યારે આતંકી હુમલાની ઘટનાઓ ૧૮૮ થી ઘટીને ૧૨૦ જેટલી થઇ ગઇ છે. આ સંજોગોમાં કાશ્મીરને ફરી ધબકતું કરવા કેન્દ્ર સરકાર કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા તૈયાર છે. આ સિવાય બીજુ કઇ મળી શકે તેમ નથી.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન