કાશ્મીરે આરંભે ઇમરાનને બચાવ્યા અને પછી ડુબાડયા - Sandesh
  • Home
  • Columnist
  • કાશ્મીરે આરંભે ઇમરાનને બચાવ્યા અને પછી ડુબાડયા

કાશ્મીરે આરંભે ઇમરાનને બચાવ્યા અને પછી ડુબાડયા

 | 2:26 am IST

ઓવર વ્યૂ

પાકિસ્તાનના ‘સિલેક્ટેડ’ વડા પ્રધાન ઇમરાન ખાને જમ્મુ-કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેમજ ભારત-પાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષી મોરચે હોબાળો કરવા પોતાની પાસે જે હતું તે બધું જ દાવ પર લગાવી દીધું. આ તમામ પ્રયાસ ભલે પ્રભાવક ના રહ્યા હોય, પરંતુ જમ્મુ-કાશ્મીરના બંધારણીય દરજ્જામાં થયેલા ફેરફારે ઇમરાન ખાનને હંગામી સમય માટે તો જીવતદાન જ આપ્યું છે.

સત્તા સંભાળ્યે એક વર્ષ પૂરું થવા સુધીમાં એ હકીકત પુરવાર થઈ ગઈ હતી કે ઇમરાન કોઈ ગતાગમ વિનાના કે નબળા વહીવટકર્તા છે. ઇસ્લામાબાદમાં અફવાઓ વહેતી થઈ ચૂકી હતી કે, પોતાના સિલેક્શન (ઇમરાનની પસંદગી)થી સિલેક્ટર્સ (ઇમરાનને સત્તામાં લાવનાર સૈન્ય વર્તુળો) જ નિરાશ થઈ ચૂક્યા હતા અને સિલેક્ટર્સ તે પછી પૂરી ‘ટીમ’ કે પછી માત્ર ‘કેપ્ટન’ને બદલી નાખવાની કદાચ યોજના ઘડી રહ્યા હતા.

પરંતુ પાંચ ઓગસ્ટ પછી આ અફવાનાં વાદળો વિખેરાઈ ગયાં. પાકિસ્તાનના તૂટી રહેલા અર્થતંત્ર અને આર્થિક પડકારો વિષે સેવાઈ રહેલી ચિંતાઓનું સ્થાન રાતોરાત કાશ્મીર અંગેના રાષ્ટ્રીય જુવાળે લઈ લીધું . પાકિસ્તાનની સરકાર અને શક્તિશાળી સૈન્ય પણ કાશ્મીરમાં ભારતે લીધેલા પગલાંને મુદ્દે લાગણીઓ ઉશ્કેરવાને કામે લાગી ગયા અને પોતાના અસ્તિત્વ સામે ઊભી થયેલી કટોકટીના મુદ્દાથી લોકોનું ધ્યાન બીજે દોરવાઈ ગયું.

પાકિસ્તાની મીડિયા તો બે મહિના સુધી કાશ્મીર રાગ આલાપતું રહ્યું. કાશ્મીર મુદ્દાના આંતરરાષ્ટ્રીયકરણ અને કાશ્મીરને પાકિસ્તાની પ્રજાના પ્રાથમિક એજન્ડાના રૂપમાં સ્થાપિત કરવા દેશમાં પ્રચાર ઝુંબેશો શરૂ થઈ. દેશની ભીતર અને રાજદ્વારી રાહે વિશ્વભરમાં પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દો ઉછાળવા થયેલા પ્રયાસનું ચરમબિંદુ સંયુક્ત રાષ્ટ્રમાં વડા પ્રધાન ઇમરાન દ્વારા થયેલું સંબોધન રહ્યું.

ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્રમાં આપેલું પ્રવચન તેમના સમર્થકોને ફરીથી તેમના પક્ષે પાછા લાવવામાં કદાચ સફળ થયું. પરંતુ જુવાળ શમતાં જ ફરી પ્રશ્ન પુછાયા કે પાકિસ્તાને સિદ્ધ શું કર્યું? ઇમરાને સંયુક્ત રાષ્ટ્રને કરેલા ઉદબોધન વિષે વાતાવરણ તો જાણે એવું સર્જવામાં આવ્યું હતું કે ઇમરાન સંયુક્ત રાષ્ટ્રમાં પ્રવચન પૂરું કરીને મંચ પરથી નીચે ઊતરતાં જ ભારત કાશ્મીરને ત્યજવા મજબૂર બની જશે. પરંતુ તે ઉદબોધન પણ કાશ્મીરને મુક્ત ના કરાવી શક્યું અને ઇમરાન આર્થિક અને રાજકીય સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં પાછા ફર્યા . ઇમરાને જ્યારે જાહેર કર્યું હતું કે તેઓ કાશ્મીરના રાજદૂત બની રહેશે ત્યારે દેશ જેટલી આર્થિક અને રાજકીય કટોકટીનો સામનો કરી રહ્યો હતો તેને મુકાબલે ઇમરાન સંયુક્ત રાષ્ટ્રમાં ઉદબોધન કરીને પાછા ફર્યા ત્યારે સંકટ વધી ગયું હતું.

સંયુક્ત રાષ્ટ્રમાં ઇમરાન ખાને જોરદાર પ્રવચન આપતાં તેની અસર પાકિસ્તાનના શેરબજાર પર નહોતી જ પડી. તે પછી પણ પાકિસ્તાનનું અર્થતંત્ર સતત કથળી રહ્યું છે. વિરોધપક્ષો ઇમરાનને સત્તા પરથી દૂર કરવા મેદાને પડી ચૂક્યા છે અને રાજકીય કટોકટી હજી વધવાની સંભાવના છે.

ખાન અને તેમના સિલેક્ટર્સને હવે તેમણે કાશ્મીર મુદ્દે કરેલા રોકાણનું હતાશાજનક વળતર મળવાનું શરૂ થઈ ચૂક્યું છે. કાશ્મીર મુદ્દાનો ઉપયોગ વિરોધપક્ષને ખામોશ કરવા, મીડિયામાં વરતાતા અસંતોષને ખાળવા કે દેશ સમક્ષની વાસ્તવિક સમસ્યાથી લોકોનું ધ્યાન બીજે દોરીને લોકલાગણીને વાળવા થઈ શકે.

પરંતુ અહીં સમસ્યા એ છે કે કાશ્મીર મુદ્દે ઇમરાન એટલા ઊંચા સ્વરે બોલવા લાગ્યા હતા કે તે ઊંચા સ્તરથી નીચે ઊતરવું પણ મુશ્કેલ બની રહે. કાશ્મીરનો બંધારણીય દરજ્જો બદલાયો હોવાને મુદ્દે તેઓ કાંઈ નોંધપાત્ર કામગીરી કરી શક્યા નથી. હવે તેના રાજકીય પરિણામોનો પણ સામનો કરવો પડશે. વિરોધપક્ષ હાવી થવા લાગ્યો છે અને ઇમરાનને પોતાના મતવિસ્તારમાં કાશ્મીર મુદ્દે દાખવેલી નિષ્ક્રિયતાને મુદ્દે સવાલો પુછાવા શરૂ થયા છે. અજંપાથી ભરેલા ઇસ્લામી કટ્ટરપંથી અને જેહાદીઓ વળી સુરક્ષા પ્રશ્નો સર્જે તેવી સંભાવના પણ ખરી.

જોકે બધું સમુંસૂતરું ના હોવાની અફવાઓ વચ્ચે હાલમાં તો એવી સ્થિતિ પ્રવર્તી રહી છે કે સિલેક્ટર્સ (સૈન્ય) ઇમરાનની પડખે હોવાનો જ ડોળ કરી રહ્યા છે, કારણ કે તેમની સમક્ષ કોઈ રાજકીય વિકલ્પ પણ નથી. પોતે પસંદ કરેલા કેપ્ટનની પડખે રહેવા સિવાય સૈન્ય પાસે પણ વિકલ્પ નથી. જોકે એવા સંકેત પણ મળી રહ્યા છે કે ઇમરાન ધીરે ધીરે નન-પ્લેયિંગ કેપ્ટન બની રહેશે.

દાયકા વીતી ગયા, પાકિસ્તાનની વિદેશ અને સુરક્ષાનીતિ પર સૈન્યનું જ નિયંત્રણ રહ્યું છે. હવે પાકિસ્તાની સૈન્ય નવા મોરચે જીત મેળવવા આગળ વધશે. તેમાં મીડિયા કદાચ પહેલું નિશાન બની રહેશે. સૈન્યે હવે તે અર્થતંત્રનો હવાલો સંભાળવા જઈ રહ્યું હોવાના સંકેત પણ આપી જ દીધા છે. વેપાર અને વાણિજ્ય ક્ષેત્રના અગ્રણીઓ સાથે સૈન્ય વડાની બેઠક અને થઈ રહેલો હસ્તક્ષેપ આ બાબતના સંકેત આપે છે.

ખાન સામે હવે બે જ વિકલ્પ બચશે. તેઓ હવે કદાચ સૈન્યના કહ્યાગરા વડા પ્રધાન તરીકે પદ પર ચાલુ રહી શકશે કે પછી ઘેર પાછા ફરી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન