કાશ્મીર પોલીસ પર આર્મી ભરાંસો કરી શકે એમ નથી  - Sandesh
  • Home
  • Columnist
  • કાશ્મીર પોલીસ પર આર્મી ભરાંસો કરી શકે એમ નથી 

કાશ્મીર પોલીસ પર આર્મી ભરાંસો કરી શકે એમ નથી 

 | 3:01 am IST

પ્રાસંગિક :-  રમેશ દવે

કાશ્મીરની પરિસ્થિતિ દિવસોદિવસ બદતર થતી જાય છે. લશ્કરની મોટી હાજરી છતાં આતંકવાદીઓ પોતાનું ધાર્યું નિશાન પાર પાડે છે. છેલ્લે ત્રાસવાદીઓ શ્રીનગરની મહારાજા હરિસિંહ હોસ્પિટલ પર ત્રાટકી અબુ હન્ઝાલા ઉર્ફે નાવીદ જટ નામના પાકિસ્તાની આતંકીને ધોળે દિવસે પોલીસ અને સુરક્ષા દળોના નાક નીચેથી છોડાવી ગયા. એ જાણ્યા બાદ દેશ આખો સ્તબ્ધ થઈ ગયો છે. નાવીદ કોઈ છૂટફૂટિયો આતંકી નથી. એ ત્રાસવાદી સંગઠન લશ્કર-એ-તોયબાના જન્નત નશીન થઈ ચૂકેલા કમાંડર અબુ દુજાનાનો ખાસ માણસ હતો. નાવીદે કાશ્મીરમાં બીએસએફ કેમ્પ પર હુમલો કર્યો હતો અને અનેક પોલીસકર્મીઓની હત્યા કરી હતી. એ એક ખૂંખાર આતંકી છે અને એના પલાયન થઈ જવાથી આપણાં સુરક્ષા દળો માટે નીચાજોણું થયું છે. ભાગેલો નાવીદ હવે ભારતને વધુ ભારે પડવાનો છે. કંદહારમાં વિમાની અપહરણ બાદ હાફિઝ સઈદને છોડી મૂકવાનું જેમ આપણને આજ સુધી ભારે પડી રહ્યું છે એવું જ નાવીદની બાબતમાં બનવાનું છે. નાવીદની મુક્તિની આકરી કિંમત ચૂકવવી પડશે. સવાલ એ છે કે આતંકીઓ કડકમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચેથી નાવીદને કઈ રીતે છોડાવી ગયા? ઘરના ઘાતકીઓની સામેલગીરી વિના આવું મિશન પાર પાડવું ફક્ત બે ત્રાસવાદીઓ માટે શક્ય નહોતું. જેલના સ્ટાફમાંથી અથવા પોલીસ દળમાંથી કોઈકે આતંકીઓને નાવીદને હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યો છે એવી બાતમી પહોંચાડી હોવી જોઈએ. એટલા માટે કે પોલીસ પાર્ટી હોસ્પિટલ પહોંચી ત્યારે ત્રાસવાદીઓ ત્રાટકવા તૈયાર જ બેઠા હતા. બીજું, નાવીદ જેવો ખતરનાક ત્રાસવાદી માત્ર પેડુમાં દુઃખાવાની ફરિયાદ કરે ત્યારે જેલના સ્ટાફે એને તરત હોસ્પિટલમાં લઈ જવાનું જોખમ શા માટે ખેડવું જોઈએ? જેલમાં અને પોલીસમાં ચોક્કસપણે આતંકીઓના મળતિયા હોવા જોઈએ. એટલે જ આ મિશન સફળ રહ્યું.

કાશ્મીર પોલીસની ભૂમિકા વરસોથી શંકાસ્પદ રહી છે. કાશ્મીરના પોલીસકર્મીઓમાં કાળા મેંઢાઓની કમી નથી. એમના સક્રિય સાથ-સહકારને કારણે જ રાજ્યમાં ત્રાસવાદના મૂળ ઊંડે ઊતરી ગયા છે. આતંકવાદીઓને પોલીસ બે કારણોસર મદદ કરે છે. પહેલું કારણ છે પૈસા અને બીજં કારણ છે ખોફ. કેટલાંક પોલીસકર્મીઓ વેચાઈ જાય છે અને કેટલાંક આતંકીઓના ડરના માર્યા પોતાનું ઈમાન વેચવા મજબૂર બને છે. પોલીસના જવાનો ખાખી વર્દી ત્યાગીને આતંકી બન્યાના પણ કાશ્મીરમાં દાખલા છે. વળી, પોલીસ કરતાં આતંકીઓ પાસે વધુ અત્યાધુનિક હથિયારો હોય છે. એટલે એમને ઝેર કરવા અઘરા બને છે. કેટલાક ચસ્મિષ્ટ રાજકીય સમીક્ષકો એસી કેબિનમાં બેસીને કાશ્મીરમાં લશ્કરી દળો ઘટાડવાની માગણી કરે છે. એમને મન લશ્કર કાશ્મીરની પ્રજાને રંજાડે છે. તેઓ સિફતથી એ હકીકત ભૂલી જાય છે કે આર્મીને લીધે જમ્મુ-કાશ્મીર આજે ભારતના નકશા પર સાબૂત છે. એકલા હાથે ત્રાસવાદ સામે લડવાનું કાશ્મીર પોલીસનું ગજં પણ નથી અને નિયત પણ નથી.

એટલે કેન્દ્ર સરકારે કાશ્મીરમાં આર્મીની વધુ બટાલિયનો ઉતારવી જોઈએ. મેડમ મહેબૂબા મુફ્તી કોઈ ચૂંચાં કરે તો ભાજપની સરકારે એમને આપેલો ટેકો પાછો ખેંચી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવું જોઈએ. રાષ્ટ્રપતિ શાસન હશે તો સરકાર દિલ્હીથી કાશ્મીર પર સીધું શાસન કરી શકશે. બીજું, આર્મીએ હવે મહત્ત્વની બાબતોમાં સ્થાનિક પોલીસ પર ભરોંસો મૂકવાનું છોડી દેવું જોઈએ. પોલીસ પોતાની વિશ્વસનીયતા ગુમાવી ચૂકી છે. આર્મીએ રાજ્યની ઈન્ટેલિજન્સ વિંગને બદલે પોતાની જાસૂસી પાંખ પર વધુ મદાર રાખવો રહ્યો. એટલા માટે કે પોલીસની ઈન્ટેલિજન્સ વિંગમાં પણ આતંકીઓના આંગળિયાત હોઈ શકે છે. ટૂંકમાં, આપણું લશ્કર કાશ્મીર પોલીસ પર ભરાંસો કરે એવું કોઈ કારણ હવે બચ્યું નથી.

કાશ્મીરની પ્રજા આજે ત્રણ વર્ગમાં વહેંચાયેલી છે. પહેલા વર્ગને કાશ્મીર માટે સંપૂર્ણ આઝાદી ખપે છે, બીજો વર્ગ કાશ્મીર પાકિસ્તાનને સોંપી દેવા તલપાપડ છે અને ત્રીજો વર્ગ બિલકુલ દિશાહીન છે. એને પોતાને શું જોઈએ છે એની ખબર જ નથી. સરકારે આ ત્રીજા વર્ગને પોતાની તરફ વાળવો જોઈએ. એ કામ મુશ્કેલ છે, પણ અશક્ય નથી. હકીકતમાં કાશ્મીરનું કોકડું પેલેસ્ટીનની સમસ્યાની જેમ એટલું ગૂંચવાયેલું છે કે એનો સહેલો અને વહેલો ઉકેલ શક્ય નથી. વિપક્ષ આ હકીકત જાણે છે અને છતાં કાશ્મીર બાબતમાં સરકાર પર છાશવારે પસ્તાળ પાડયા કરે છે. વિપક્ષને મન કાશ્મીર સરકારને ભીંસમાં લેવાના બહાનાથી વિશેષ કાંઈ નથી. આ જ દેશની મોટી કમનસીબી છે.