કાવ્યાનુભૂતિ - Sandesh

કાવ્યાનુભૂતિ

 | 4:59 am IST

સાહિત્ય સરિતામાં!

ડૂબકી લગાવી સાહિત્ય સરિતામાં

જિંદગી સાદગીની સાહિત્ય સરિતામાં

પ્રતીક્ષા હદપારની ચાહે

વિશ્વાસ તૂટેના ચિંતનમાં

મારાંથી ન અળગી રાખું

ઈજ્જત ફળતી સાહિત્યમાં

ધીમી વરસાદની ધાર ચલાવી હાલ

ગાડી પૂરપાટ વેગે સાહિત્ય સફરમાં

બીજ વવાય તેમ તરી જવાય શાનમાં

આંસુ આંસુમાં રોકી ખુશી રંગમાં

આપું અડગધારી પરીક્ષા

ડૂબકી લગાવી સરિતામાં

લત લગાવી વિચારમાં

આખરે કિર્તી ખુદની ઉજવળ

થાશે જરૂર સાહિત્ય પ્રેમમાં

મોકળું મેદાન સાહિત્ય સરવાણીનું

જિતાડશે જરૂર આત્મવિશ્વાસમાં!

ગીત ગવાય લોક હરખાય જેમાં

આપણું દામ્પત્ય ઘડાય સાહિત્યમાં

  • હિતેશ આર પટેલ (સાવન), બારડોલી

બાકી છે…

ચાંદ ઊગે તો કરા કહેજો

ચાંદનીને તેનું તેજ ફેલાવવાનું બાકી છે

સૂરજ ઊગે તો જરા કહેજો

રોશનીને તેના કિરણ ફેલાવવાનાં બાકી છે.

સાગર છલકે તો જરા કહેજો

સરિતાનાં સલીલને મળવાનું બાકી છે.

પવન વાય તો જરા કહેજો

વસંતનાં વનમાં વહેવાનું બાકી છે.

આભમાં અજવાળું થાય તો કહેજો

અવનવીમાં આજવાશ ફેલાવવાનું બાકી છે

ફૂલ ખીલે તો જરા કહેજો

ફોરમ ફેલાવવાની બાકી છે.

નયન ઊઘડે તો જરા કહેજો

પાંપણ પટપટાવવાની બાકી છે

સંગીત શરૂ થાય તો કહેજો

સૂર ઝણઝણાવાનાં બાકી છે.

ગીત શરૂ થાય તો કહેજો

ગઝલ ગણ-ગણાવવાની બાકી છે.

વીજળી ચમકે તો કહેજો

વર્ષાની વાછટ વરસાવવાની બાકી છે

વડનાં વૃક્ષને જરા કહેજો

વનમાં વનરાજિ ફેલાવવાનું બાકી છે

આંબાની મંજરીને જરા કહેજો

કોકિલાને આમ્રકુંજમાં કિલકિલાટ બાકી છે

મધુકર મળે તો જરા કહેજો

ઉપવનમાં ગુણગુણાવાનું બાકી છે.

રજની મળે તો જરા કહેજો

નભમંડળમાં તારા ચમકાવાનાં બાકી છે

સંધ્યા આથમે તો જરા કહેજો

યામિનીની શરૂઆત થવાનું બાકી છે.

તમારા મનને જરા કહેજો

“ભાવુક”નાં મનને મળવાનું બાકી છે.

  • મુકેશ જે.પારેખ, મેમનગર, અમદાવાદ

નજરથી નજર મળી ગઈ ને

નજરથી નજર મળી ગઈ ને

પલમાં સંબંધમાં બંધાઈ ગયા અમે

નહોતો ઓળખતો હું એમને નહોતા

ઓળખતા એ મને બસ

એ જ સંબંધમાં ભીંજાઈ ગયા અમે

શું જોયું મારામાં એમને કે પીગળી ગયા

એ શું મારા “ગઝલ” લખવાના

અંદાજ પર જ એ પીગળી ગયા.

શા માટે એ મોહિત થયા

ક્યાં મળવાના છીએ અમે એમને?

પણ કુદરતનો નજારો તો જુઓ એ જ

ગઝલના બહાને મળતા રહ્યા અમે

જિંદગીમાં જે નહોતું વિચાર્યું

એ જ કરી ગયા અમે

  • ચૌહાણ કલ્પેશકુમાર અમરસિંહ

ગાંધીનગર

લોહીનો સંબંધ પૂરો કર્યો…

જિંદગીની વિંડબણાઓ કેવી,

આમ, અચાનક આવ મળી !!

નહોતું વિચાર્યું સ્વપ્નમાં અમે,

કે પાનખરમાં દશા અમારી આવી હશે.

ચોરે કે ભાગાળેેએ બેસીને,

સ્મરણોને વાગોળતા અમે.

સાચી મૂડી પુત્ર અમારો એ વિચારે,

જે ઘડપણમાં અમ લાકડી બને.

સર્વસ્થ અર્પણ તપર્ણ કર્યા,

સ્થાવા જંગમ રોકડ, દર દાગીના અમે.

હું નિવૃત્ત કે હતાશ ન હતો,

ઉમંગને ભાવવિભોર હતો.

સમયની સાથે સંજોગો બદલાયા,

પરિસ્થિતિ કેવી વિચિત્ર બની.

ત્યારે પણ હતા આજે પણ છે,

અમને ત્યારે જરૂર ન હતી.

એ આશ્રય આપનારા અનાથ કે વૃધ્ધા,

આશ્રમોની જીવન સંગ્રામના અજય યોધ્ધા હતા,

લોહીના સંબંધે હરાવી પકાવી જિંદગી અમારી,

ને છેલ્લી ઘડીઓ ગણી રહ્યા.

કુમારા આસુંડા વહેવડાવી એ કોના માટે?

કે જેને જીવતા લોહીનો સંબંધ પૂરો કર્યો

  • ભાવેશ બી. પરીખ, કડી(ઉ.ગુ.)

નજાકત

કેશ લહેરાવી ઊભા છો ઝરૂખામાં,

પ્રતીક્ષામાં રહી માથું ઓળો છો.

નૈન છલક્યાં જોબન ઉછાળો છો,

ચંદ્ર ચાંદની માની તમને જોયા કરે છે.

ગરિમા જળવાય એવું જરા કરજો,

ગલીએને શેરીએ ખૂબ ગવાઓ છો.

સંબંધોના તમારા રોપેલા બીજને,

સિંચન કરવાની અમારી હોંશ છે.

કારણ પાન લીલાને કુમળા રહે,

તો સદાબહાર બની ખિલતા રહો છો.

ફૂલ જેવા થઈ તમે કાયાથી મહેંકો છો,

સુવાસ તરમ અમને ખેંચી રાખો છો.

રાધા! તમારા રૂપ જોબનને નીરખી,

ઘણા કાનજી દોડી આવે એમ છે.

ખુલ્લા કેશને બાંધી રાખજો મ્યાનમાં,

નહિ તો ઘણાંના દિલ પીડાશે રોગમાં

‘સુમન’ કહો એમને ગરિમા જાળવે,

એમાં એમની નજાકત શાન જાળવે.

  • સુમન ઓઝા, ખેરાલુ

કોરી-કિતાબ

જીવનની સંધ્યાએ પહોંચ્યો.

છતાં જીવન સમજાયું નહીં.

સુખ આગળ, ને હું પાછળમાં

રોજ રોજ જીંદગી દોડતી રહી.

હાથતાળી કુકડીની રકાત થઈ

શાંતિની ઝંખનામાં બેઠો

સ્વપ્નવત શાંન્તી ખ્વાબ બની ગઈ

મગજ ભમી ગયું હૈયું ભાંગી ગયું

અરમાનોની હોળી થઈ ગઈ

હૈયું ડામવા કોશિષ કીધી

બધી તમન્ના થીજી ગઈ

“અલ્પ” અધૂરો એકલવાયો

બધી ઉમીદો ક્ષીણ થઈ ગઈ

ઝેરના પારખા કરતાં કરતાં

જીવન કિતાબ કોરી રહી ગઈ.

  • મુકુન્દ કે. મહેતા “અલ્પ”, આદિપુર કચ્છ

વિશ્વ એક પરિવાર

ઘર એક મંદિર બને, આત્મા પરમાત્મા બને

મન મળે, દિલને દલ મળે, જીવન ધન્ય બને…

એકતા, અખંડિતતા મળે, સૌની શક્તિ એક બને

ભાઈચારાની ભાવના મળે, સુખ દુઃખના સાથી બને…

કોઈ અલગ ન રહે, એવું દ્ધઢ મનોબળ બને

સુખ દુઃખ સહિયાળું બને, સંબંધોની સાંકળ બને…

એકબીજાનો સહારો મળે, એવો પરિવાર બને

રાગ, દ્વેષ, ઈર્ષા દૂર રહે, સૌ નિરાભિમાની બને…

માનવતાનું મૂલ્ય વધે, માનવી “માનવ” બને

આપણે સૌ એક છે, એવી સૌની ભાવના બને…

આ વિશાળ વિશ્વમાં, “મેરા ભારત મહાન” બને

વિશ્વ પરિવાર બને, વસુધૈવ કુટુંબકમ બને…

  • ભગુભાઈ ભીમડા, ભરૂચ.

ઈજન એષણા

અદીઠ ભોમના પ્રવાસી

ઉતર્યા અવની પરે

સુશ્રુષા ન લીધી અમતણી,

સંચર્યા ઈજન અર્પીને!

રે! ઘેલા અમે તો રહ્યા મીટ માંડી

જોતાં વર્ધીની વાટ!

કરમાઈ કાયા, રતન જ્યોત ઝંખવાયા,

ઓસાણેય ભૂલાયાં, કિંતુ

ન તમતણાં કો એંધાણ દેખાયા.

પથરાઈ જીવનપથ પર,

કાળી ડિબાંગ, ઘનઘોર તિમિર છાયા.

  • મણિલાલ બી મકવાણા, બાંધણી, આણંદ

સોળમાં વર્ષના શમણાં

સોળમાં વર્ષની આ ઉંમર કેવી?

સપનામાં વાવેતર થાય એવી.

સોળમાં વર્ષની નજર આ કેવી?

મુગ્ધ ભાવને જ પામ્યા કરે એવી.

સોળમાં વર્ષની આ વાણી કેવી!

પ્રેમની વાતો જ વાગોળ્યા કરે એવી.

સોળમાં વર્ષનું હદય આ કેવું?

બીજાનું થવા અધીરું થાય એવું.

સોળમાં વર્ષની સોબત કેવી?

જીંદગીભર સાથ નીભાવે એવી.

સોળમાં વર્ષે આ દુનિયા લાગે કેવી?

પ્રેમ પંથ પર કંટક પાથરે એવી

સોળમાં વર્ષનું મન આ કેવું?

દુનિયાને મુઠ્ઠીમાં ભરવા ઈચ્છે એવું.

  • પ્રકાશભાઈ ડી કુબાવત , મોરબી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન