કાવ્યાનુભૂતિ - Sandesh

કાવ્યાનુભૂતિ

 | 12:05 am IST

સુનુ સુનુ લાગશે

વટાવી ગઈ તુ આ ઊંબરો, હવે સુનુ સુનુ લાગશે

હવેથી એ જ છે તારુ ઘર, પણ અહીં સુનુ સુનુ લાગશે.

કહેશે કોઈ મને લાલુ, ચીન્ટુ કે પીન્ટુ ત્યારે તારી યાદ આવશે

કોઈને પૂછયુ હશે કપડાનું કોમ્બીનેશન, ત્યારે તારી યાદ આવશે

પપ્પાને ઢીંગલી ઢબુડીની, મમ્મીને સોનુની ને ભાઈને બેનની

યાદ જરૂર આવશે

હવેથી એજ છે તારુ ઘર પણ અહી સુનુ સુનુ લાગશે.

હશે જમવાની કોઈ ખાસ ફરમાઈશ ત્યારે તારી યાદ આવશે.

ભલે હોય ભોજન હોટલનુ, તોયે એ તો અમને ફિક્કુ જ લાગશે.

ભૂલીશ જ્યારે કોઈનો બર્થ ડે કે એનીવર્સરી,

ત્યારે તારી યાદ આવશે.

તુ ભલે યાદ કરાવે ત્યાથી બધુય, પણ અહીં સુનુ સુનુ લાગશે.

હશે વાત પાક્કા હિસાબની કે હોય યાદશક્તિ વિશે,

ત્યારે તારી યાદ આવશે.

જ્યારે નઈ હોય કોઈ પપ્પાનું ન્યૂઝ પેપર છૂપાવવા,

ત્યારે તારી યાદ આવશે.

દરેક કામમાં ને દરેક ક્ષણમાં તારી ખોટ વરતાશે,

ખબર તો છે અમનેય, કે ત્યાં ભળી જઈશ તુ,

જેમ ફોરમ ભળે મધુવનમાં,પણ અહીં સુનુ સુનુ લાગશે.

આમ તો આ શબ્દો ઓછા પડે મારી બેન માટે.

પણ બેન, તું ક્યારેય એવુ કહેતી નઈ કે કોઈ યાદ પણ કરતુ નથી.

સાચુ જ કહુ છું. ખરેખર તારા વગર અહીં સુનુ સુનુ લાગશે.

  • પવિત્ર અર્જુનભાઈ ચૌહાણ – અમદાવાદ

દુનિયાદારી

કેટલાકને સાચવીશને કેટલાકને મનાવીશ,

સ્વાર્થની દુનિયામાં કોના પર હમદર્દી જતાવીશ;

સ્વાર્થ વિના કોઈ આંગળી પણ ચીંધતું નથી,

ભલાઈનો જમાનો નથી તો કોને રાહ બતાવીશ;

સગા થઈને પણ કોઈ કોઈને મુક્તું નથી,

આવા યુગમાં કોના પર વિશ્વાસ કરી બતાવીશ;

સત્યની તો કોઈને સમજ રાખવી જ નથી,

ખોટું છે બધું તો કોને સાચું બોલી બતાવીશ;

સત્યને પણ સત્ય સાબિત થવા અગ્નિપરીક્ષા દેવી પડે છે,

‘ગુમશુદા’ આવી દુનિયામાં કેટલાક માટે મરી બતાવીશ;

  • શ્રીકાંત ‘ગુમશુદા’ – સુરત

મન ડું!

ભટકતું. તું…નૈન, ન્યારું, મનડું!

ધડક્તું. તું…હોંડ કુંવારું, મનડું!

લાગણીની પર્ણ લિંલેરી ડાળખ;

લટકતું તું…પ્રાણ પ્યારું, મનડું!

મધુવનની સુગંધ ભીંની વસંત.

મહેંક્તું. તું…ફૂલ ચોંધારું. મનડું!

સ્નેહ વહાલની હેત સરિતા,

છલક્તું. તું…ગમ ગોંજારું. મનડું!

માજમ ગગનની ઘોંર રજનિ.

ચમક્તું તું…ચાંદ નોંધારું, મનડું!

હરખ હાસ્યને, અધર “દિલફન”

મલકતું તું…મુખ બિચારું મનડું!

  • દિલફન યુસૂફ પઠાણ – વાવણિયા

બાળપણની એ મીઠી યાદો”

હવેની પેઢીના નસીબમાં આ નથી.

દફતર લઈને દોડવું…

તૂટેલી ચપ્પલનું જોડવું

નાસ્તાના ડબ્બાઓ…

શર્ટ પર સહીના ધબ્બાઓ

ખોબે ખોબે પીવાતું પાણી…

રીસેસની વિશેષ ઊજાણી

બેફામ રમાતા પકડદાવ…

ઘૂંટણે પડતા આછા ઘાવ

બાંયોથી લૂછાતા ચહેરા…

શેરીઓમાં અસંખ્ય ફેરાં

ઉતરાણની રાત જાગી…

પકડાયેલા પતંગની ભાગી

ભાડાંની સાયકલનાં ફેરા…

મહોલ્લાના ઓટલા પર ડેરા

મંજીની રેલમ છેલ…

ગીલ્લી ડંડાનો એ ખેલ

ચાર ઠીકડીને આટા પાટા…

લાઈટના થાંભલે ગામગપાટા

વરસાદે ભરપૂર પલળવું…

ખુલ્લા પગે રખડવું

બોર આમલીનાં ચટાકા…

પીઠ પર માસ્તરના ફટાકા

બિન્દાસ્ત ઉજવાતું વેકેશન…

ના ટયૂશન ના ટેન્શન…

કેવા હતાં બધા પાસ પાસે…

જો ને નીકળી ગયા

જિંદગીના પ્રવાસે

માળો બનાવવામાં એવા

મશગુલ થઈ ગયાં;

ઉડવા માટે પાંખો છે

એ જ ભૂલી ગયાં…!!

  • કૌશલ્યા એ. વસાવા – ભરૂચ.

વેરણ થઈને લાગે છે!!!

અષાઢી આભામંડળની વીજળી આજે મને વેરણ થઈને લાગે છે;

અષાઢી ભીની માટીની મહેંક આજે મને મારણ થઈને લાગે છે!

ઘણાં વર્ષોથી ધરબાયેલા વિરહની વાદળી આજે ફૂલે કે ચડી છે;

હૈયામાં સૂકીભઠ્ઠ દોડતી નદીઓ તેનું આજે કારણ થઈને લાગે છે!

ભીંજાવું’તું મારે પહેલા વરસાદની હેલીમાં,

ખાલી ઠાલી દોડતી વાદળીઓ આજે મને શારણ થઈને લાગે છે!

હૈયું મારું બળી બળીને રાખ થયું છે,

લૂ બની અંગેઅંગ દઝાડતો વાયરો

આજે મને વેરણ થઈને લાગે છે!

ફરું છું હું અસધ્ય પીડાને સધ્ય બનાવી ‘અનિકેત’,

વધુ સમજદાર મારાથી થયો તેનું આજે મને કારણ થઈને લાગે છે!

  • શંભીભાઈ.એમ.ખાંટ – અરવલ્લી

વિહવળતા

– તમારી સ્મૃતિની મધુર પળોમાં મને,

ખોવાઈ જતાં વાર નહીં લાગે

તમારા ચમનનું ગુલ બનીને મને,

મ્હેંકી જતાં વાર નહીં લાગે.

તમારા નયનનું સ્વપ્ન બની મને,

સંતાઈ જતાં વાર નહીં  લાગે.

તમારા શ્વસનની હવા બની મને,

ઘૂસી જતાં વાર નહીં લાગે.

તમારા કેશનો ગજરો બની મને,

ગૂંથાઈ જતાં વાર નહીં લાગે.

તમારા પાલવનો છેડો બની મને,

ચૂંથાઈ જતાં વાર નહીં લાગે.

તમારા ચરણોનું નૂપુર બની મને,

બંધાઈ જતાં વાર નહીં લાગે.

તમારા ગોરા ગાલનો તલ બની મને,

ચિપકાઈ જતાં વાર નહીં લાગે

  • સુમન ઓઝા – ખેરાલુ

વરસાદમાં…

ચાલ મળીયે વરસાદમાં

થોડુઘણું પલળીયે વરસાદમાં.

કાગળની નાવ તરતી મૂકી,

બાળપણને સ્મરીએ વરસાદમાં.

એકબીજા પર છાંટા નાખી,

મીઠું મીઠું ઝઘડીએ વરસાદમાં.

નાહીને કોરા નથી થવું,

અંદરોઅંદર નીતરીએ વરસાદમાં

આ ટેકરીઓ પર ચઢીએ,

વળી પાછા ઊતરીએ વરસાદમાં

તારે કંઈક ખાવું હોય તો કહેજે,

સાથે ભજીયા તળીયે વરસાદમાં

આ ધરા તો તુ જો, લીલીછમ!

રહસ્ય એનું કળીએ વરસાદમાં

ચાલ મળીયે વરસાદમાં,

જૂની યાદ તાજી કરીએ વરસાદમાં

  • પરીક્ષિત રાણા “તક્ષક” – વડોદરા