કાવ્યાનુભૂતિ - Sandesh
NIFTY 10,992.00 -26.90  |  SENSEX 36,512.56 +-29.07  |  USD 68.6000 +0.08
1.6M
1M
1.7M
APPS

કાવ્યાનુભૂતિ

 | 12:52 am IST

 

મિલનની રાત આવી

અમાસની અંધારી મહદોશભરી મધરાતે,

તમરાના સુરીલા મધુરકંથી અવાજો સાથે,

પ્રિયતમા પોતાના પ્રિતમ સંગ પ્રેમ કરવા,

વરસોથી તડપી રહેલ એ રંગીનરાતના સથવારે,

બે દિલોના મિલન માટે,

ઘનઘોર રાતના મિલાપ માટે,

સદીઓથી તડપતા સાજન માટે,

પ્રતિક્ષા કરી રહેલા “રાગી” માટે,

એવી મતવાલી રાત આવી, અંધારી રાત આવી,

અમાસની રાત આવી, માઝમ રાત આવી,

નવલી નવેલી નવોદ્વા પોતાના નાથને મલવા,

પગદંડીના પથરાળ પથ પર પ્રથમ પોતાના પગ મૂકવા,

બાલમને બાહુપાશમાં ભરવા બલમા સદીઓથી તડપતી,

મધરાતે અંધકારમાં પાયલના ઝંકાર કરતી પ્રિયતમા,

વરસોના અધૂરા મિલન માટે,

જનમોથી પ્રિતમને મલવા માટે,

પ્રેમીઓની અધૂરી દાસ્તાન માટે,

ભવભવથી પ્રેમીઓના મિલાપ માટે,

એવી અઘોર રાત આવી, ઘનઘોર રાત આવી,

મધુર રાત આવી, મિલનની રાત આવી.

– વિનોદ વર્મા “રાગી”  – સુરત

 

 

તારી યાદોમાં હું અટવાણો…

તું તો ચાલી ગઈ એકલી મને મૂકીને,

પણ તારી યાદોમાં હું અટવાણો.

ગામના ગોદરે ઊભો હું એકલો જોવું,

જે દિશાએથી તું નિસરીને ગઈ.

સીમના સેઢે સાદ હું તને કરતો,

તો તું હરણાની જેમ ઠેકતી આવતી.

આજ એજ કેસુડોને એજ વખડો,

જોેને સુના સુના ડુસકા નાખે પવનસંગ.

વિચારોના વૃદમાંને સંભારણાની ઓથમાં,

‘મિતવા’આ સાંજ સોનેરી ઢળવા લાગી.

વિયોગના વાયરાને લાગણીના ઝરણાં,

હવે આંસુઓ ના વહેણમાં પલટાયા.

એક એક બુંદે છુપાયો તે પ્યાર મારો,

આજ રજની સંગ વલોપાત કાઢે.

મળે જો અવકાશ તો ઝાકળ રૂપે મળજે,

પછી ભલેને ક્ષણિકમાં વહી જાય જિંદગી.

આ ‘કુમાર’ તણી યાદોની યાદમાં,

તું તો ચાલી ગઈ એકલી મને મૂકીને,

પણ તારી યાદોમાં હું અટવાણો.

– ‘કુમાર’ ભાવેશ.બી.પરીખ  – કડી

 

 

પ્રણયરંગ

જીવતરમાં લાગે છે જયારે પ્રણય રંગ,

થાય છે ત્યારે પ્રેમાકાશમાં અંધકાર ભંગ.

પ્રણયના દ્વાર ત્યારે ખુલે છે તમારા સંગ,

નયનથી નયન મળીને રચાય છે તારક તરંગ.

પ્રણયના રંગોમાં શમણાં ખીલે ફૂલોને સંગ,

અનાદિ આશકોની આહ જેવું આયખું ઉભંગ.

જાણે કે આભના તારલાનું ધરતી સાથે થાય મિલન,

ક્યારેક જુદાઈનો લાગે પવન મીઠું લાગે મધૂરું મિલન.

જીવતરમાં જ્યારે લાગે છે, પ્રણય રંગ.

હૈયાના હસ્તાક્ષરમાં પ્રેમઘેલા અક્ષર કરો… ઓ સાજન!

– રોહિતકુમાર ભાનુપ્રસાદ જોશી  -ખંભાત

 

ઉધાર લખી લઉ

લાવ તારા નામે થોડી યાદ ઉધાર લખી લઉ.

તારી સાથે વિતાવેલ પળોની ફરિયાદ લખી લઉ.

હજીએ લાગે છે, બગીચાનો આ બાકડો ખાલી,

પુરાય ખાલીપો દિલનો એવો સહવાસ લખી લઉ.

ચાલને, થોડું તું હસીલે, થોડું નિખાલસ હું હસી પડું,

હસતાં-હસતાં તારી આંખોનું એ સ્મિત લખી લઉં.

તારું તસમસતું ચુંબન જાણે સરનામું થયંુ પ્રણયનું,

જે હોય પરવર દિગાર, આવ તારા નામે આલિંગન લખી લઉં.

સાંજતો આજેય એવી વિતે છે તારા સાથ વિનાની,

શમી સાંજના અજવાળે, નિરંતર તારો સાથ લખી લઉં.

લાગે છે, હોશમાં આવી એક કામ કરી લઉં,

‘રાહી’ કહ્યા વિનાં સમજી જાય એવી એક વાત લખી લઉ.

– વિજય તડવી ‘રાહી’

– છોટાઉદેપુર

 

 

ગઝલ

આ જિંદગીને ભરપૂર જીવીને માણવા આવ્યો છું,

જીવનના અકબંધ રહસ્યોને જાણવા આવ્યો છું.

માની પોતાના સર્વને, જિગરમાં સમાવી લીધા,

પારકા પોતીકા ગણીને, સહારો આપવા આવ્યો છું.

જિંદગીનો શો ભરોસો, કેટલા વરસનો વાયદો,

ગણવા નથી મહિના દિવસો, મોતને ટાળવા આવ્યો છું.

માન-અપમાનને સરખા ગણી, ગાંઠે બાંધી રાખ્યા છે,

માન-મોભો જોતા નથી, બે સારા કામ કરવા આવ્યો છું.

જ્યારે આપદા આવી પડે, સંભારજો આપના સેવકને,

સેવા કરવાને કાજ, હુકમે હાજર થવા આવ્યો છું.

ધનવાન થઈ આ જગતમાં, મારે પૂજાવું નથી,

નિઃસહાયની સાથે રહીને, સમય ગાળવા આવ્યો છું.

પીડિત, શોષિત, દુર્બળ શિશુ, ટુકડા કાજે દીઠા રડતાં,

એવા રાંક જનોની જઠ્ઠરાગ્નિ ઠારવા આવ્યો છું.

સંકટ સમયે ઊભા રહ્યાંનો, ઉરમાં ઉલ્લાસ ઘણો,

છૂટેલા ધરમના ઘોરી, લક્ષ્મણ નાથવા આવ્યો છું.

– લક્ષ્મણ વાઘેલા  – સરખેજ

 

 

ગઝલ

નદી દે રસ્તો, પઢો કોઈ વેદ પાણીનો,

સમઝ બહાર છે કેવો, આ ભેદ પાણીનો.

છે વાત કોઈ, કે મોભે ચડેલ નેવેથી,

કરો ન આમ કદી કોઈ ખેદ પાણીનો.

જરા પહેલાં, થઈ જાવ પાર મૃગજળની,

પછી જુવો, કે ઊડે કેવો છેદ પાણીનો.

તજીને દરિયો, ગયો રેતનાં જ રણની તરફ,

તરસમાં કોણ છે એવો ઉમેદ પાણીનો.

ઝલકમાં કેટલો છે, એક રંગથી ખાલી,

“અમી” કમાલ બધો છે, સફેદ પાણીનો.

– કાજલ રાઠોડ “અમી”

– રાજકોટ

 

 

શણગાર

જાણે-જાણે

પીળા ફૂલોની ચાદર,

આ પાથરી છે કોણે?

મેં રાયડાને પૂછયું?

મધમાખીઓ જ જાણે!

કોઈ વાયરાને જઈ પૂછી તો જુએ,

કે ડોલવાનું કારણ ખુદરાયડો જ જાણે!

સીમાડાએ જો ઓઢી છે પીળી ઓઢણી,

પીળાશનો ઉમંગ નવરાત્રિ જુઓ જાણે?

ખૂબસૂરતી આ કેવી; કમાલ કુદરતની,

મારી ગઝલના શબ્દો મહોરી રહ્યા જાણે.

શોભાસ્પદ છે મારું: ખેતર રૂપ-રૂપાળું,

નવોઢાએ કોઈ સજ્યું શણગાર જાણે-જાણે.

– બચુભાઈ ખંભાલીવાલા

-ખંભાલી

 

 

નથી મળતો

કદી કોઈને પણ સ્થાયી મુકામ નથી મળતો,

મળે છે કોકને ઘડીભર પણ કાયમ નથી મળતો.

આજે તો સૌ કોઈ પોતાની વ્યથામાં ગુમ છે,

સવાલો સૌને છે કિન્તુ કોઈને ઉત્તર નથી જડતો.

ઠારી શક્યું છે અહીં કોણ સમયની અગનને?

આ એવી આગ છે જેમાં ધુમાડો નથી ઊડતો.

એવું નથી કે આ જગમાં કોઈનો પ્રેમ નથી,

ઘણાં એવા છે, જેને કોઈનો પ્રેમ નથી ફળતો.

જેને શ્રદ્ધા છે માત્ર પોતાના બાહુબળ ઉપર,

એ નસીબ ઉપર કદી ભરોસો નથી કરતો.

– યોગેશ આર જોશી

– પંચમહાલ