કાવડિયાની સડકો પર ગુંડાગીરીથી સુપ્રીમ લાલઘૂમ, પોલીસને પગલાં લેવા આદેશ - Sandesh
  • Home
  • India
  • કાવડિયાની સડકો પર ગુંડાગીરીથી સુપ્રીમ લાલઘૂમ, પોલીસને પગલાં લેવા આદેશ

કાવડિયાની સડકો પર ગુંડાગીરીથી સુપ્રીમ લાલઘૂમ, પોલીસને પગલાં લેવા આદેશ

 | 2:29 am IST

। નવી દિલ્હી ।

દેશભરમાં વિવિધ ધાર્મિક અને રાજકીય સંગઠનો દ્વારા આયોજિત દેખાવોમાં ખાનગી અને જાહેર સંપત્તિને થતાં નુકસાનની ગંભીર નોંધ લેતાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે, અમે સરકાર દ્વારા કાયદામાં સુધારો થાય તેની રાહ નહીં જોઈએ. ઉત્તર ભારતમાં કાવડયાત્રા પર જતા કાવડિયા દ્વારા સડકો પર આચરાતી હિંસા સામે લાલ આંખ કરતાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોલીસને આકરી કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.

સુપ્રીમ ધાર્મિક સંગઠનો દ્વારા થતા કાયદાનાં ઉલ્લંઘન અને આચરાતી હિંસાને વખોડી કાઢતાં જણાવ્યું હતું કે, અદાલત ટોળાં દ્વારા આચરાતી હિંસા અટકાવવા માર્ગર્દિશકા ઘડી કાઢશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, એફઆઈઆર ન નોંધાવવામાં આવી હોય તો પણ જાહેર સંપત્તિને થતું નુકસાન એક સજાપાત્ર અપરાધ છે, પોલીસે તેની સામે કાર્યવાહી કરવી જ જોઈએ.

ચીફ જસ્ટિસ દીપક મિશ્રાનાં નેતૃત્વ હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે ૨૦૦૯ના ચુકાદામાં દરેક પ્રકારનાં સરઘસની વીડિયોગ્રાફી કરવા અને સરઘસ કે રેલી દરમિયાન જો હિંસા આચરવામાં આવે તો તેના આયોજકો અને દેખાવકારોની જવાબદારી નક્કી કરવાના આદેશ આપ્યા હતા, હવે ભવિષ્યમાં આ પ્રકારની હિંસા અટકાવવા સુપ્રીમ કોર્ટ આકરા નિયમો બનાવશે.

એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે જણાવ્યું હતું કે, અત્યારે તમામ ધાર્મિક સંગઠનો મુક્તપણે સડકો પર હિંસા આચરવા ઊતરી આવે છે. આ પ્રકારના કેસોમાં સુપ્રીમ કોર્ટે દરેક જિલ્લાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટની જવાબદારી નક્કી કરવી જોઈએ. પદ્માવત ફિલ્મ રિલીઝ થઈ ત્યારે એક ચોક્કસ સંગઠન દ્વારા ફિલ્મની અભિનેત્રીનું નાક કાપી નાખવાની ધમકી અપાઈ હતી. શું કોઈ સભ્ય સમાજ આ પ્રકારની ધમકી સહન કરી શકે? આપણે આ પ્રકારની પરિસ્થિતિમાં ઝડપી કાર્યવાહી માટે પોલીસની જવાબદારી નક્કી કરવી જ જોઈએ.

મુઝફ્ફરનગરમાં કાવડિયાએ કારની તોડફોડ કરી

શુક્રવારે કાવડિયાએ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક કારની તોડફોડ કરી હતી. કાર પર કાવડિયાના હુમલામાં તેમાં પ્રવાસ કરી રહેલાં લોકોને ઈજા પહોંચી હતી. હાલ ચાલી રહેલી કાવડયાત્રામાં ભાગ લેનારા દ્વારા સડકો પર મુક્તપણે આચરાતી હિંસા સામે પોલીસનાં મૌનની આકરી ટીકા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પોલીસની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. દરમિયાન બુધવારે દિલ્હીમાં કાર પર હુમલો કરનારા એક કાવડિયાની પોલીસે ધરપકડ કરી છે. રાહુલ બિલ્લા નામનો આ કાવડિયો દિલ્હીના ઉત્તમનગરનો રહેવાસી છે. બેરોજગાર અને નિરક્ષર રાહુલ ચોરીના ગુનાસર જેલયાત્રા પણ કરી આવ્યો છે. ૨૦૧૪માં તેને જામીન પર મુક્ત કરાયો હતો.

;