કેજરીવાલજી, બિહારીઓ બહારના નથી, દેશના જ છે - Sandesh
  • Home
  • Columnist
  • કેજરીવાલજી, બિહારીઓ બહારના નથી, દેશના જ છે

કેજરીવાલજી, બિહારીઓ બહારના નથી, દેશના જ છે

 | 2:26 am IST

કરન્ટ અફેર  :-  આર. કે. સિંહા

બિહારની જનતા જે સમયે ભીષણ વરસાદ અને પૂર પ્રકોપને કારણે ત્રાહિમામ્ પોકારી રહી છે તે સમયે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલએ તેમની સમક્ષ સહાનુભૂતિ દાખવવા કે મદદ કરવાને બદલે તેમના આત્મ સન્માનને ઠેસ પહોંચાડી છે. તેઓ એમ કહી રહ્યા છે કે,’બિહારના લોકો( તેમના કહેવાનું તાત્પર્ય ઝારખંડ સહિતના સમગ્ર પૂર્વાંચલ સાથે છે) રૂપિયા ૫૦૦ ટિકિટના ખર્ચીને આવી જાય છે અને પછી લાખો રૂપિયાની મફત સારવાર કરાવીને જતા રહે છે.’ દિલ્હીના મુખ્યપ્રધાનને આટલા અસંવેદનશીલ અને સડક છાપ થવાનું શોભા આપે છે? દિલ્હીની હોસ્પિટલમાં સારવાર લેવા આવવા પર બિહારની જનતા પર પ્રતિબંધ છે? શું દિલ્હી પર અન્ય રાજ્યના લોકોનો કોઈ અધિકાર નથી? દિલ્હી શું બિહારીઓની રાજધાની નથી? શું એમ્સ જેવી શ્રેષ્ઠ હોસ્પિટલનાં બિહારવાસીઓ સારવાર ના લે? કેજરીવાલજી તમારે આ પ્રશ્નોના ઉત્તર તો આપવા જ પડશે. તેઓ એ પ્રશ્નનો જવાબ પણ આપી દે કે તેઓ કેટલા સમયથી દિલ્હીવાળા થઈ ગયા? તેઓ પહેલીવાર જ્યારે દિલ્હીના મુખ્યપ્રધાન બન્યા ત્યારે દિલ્હીથી નજીકના ગાઝિયાબાદ (ઉત્તર પ્રદેશ)માં રહેતા હતા.તેમણે દિલ્હીમાં પોતાનો મત પણ નહોતો આપ્યો. ત્યારે તેમને તો કોઈએ પ્રશ્ન નહોતો કર્યો કે મૂળે હરિયાણાના છે, ઉત્તર પ્રદેશમાં રહે છે અને ચૂંટણી દિલ્હી વિધાનસભાની લડી રહ્યા હતા? કેમ કે, તેઓ ભારતના નાગરિક હોવાથી દેશના કોઈપણ પ્રદેશમાં ચૂંટણી લડવાનો કે સારવાર લેવાનો તેઓ અધિકાર ધરાવે છે. પોતાની તબિયત લથડતાં તેઓ પણ કર્ણાટકના પાટનગર બેંગ્લુરૂ વારંવાર પહોંચ્યા છે. ત્યારે તો તેમને કોઈ કન્નડ ભાઈએ નહોતું પૂછયું કે દિલ્હીના મુખ્યપ્રધાન છો અને કર્ણાટકમાં શું કરી રહ્યા છો?

મને કહેવા દો કે કેજરીવાલ જેવા મુખ્યપ્રધાનોને કારણે જ દેશ નબળો પડે છે અને વિવિધ પ્રદેશના નાગરિકો વચ્ચે અવિશ્વાસ જન્મે છે. દેશે તાજેતરમાં જમ્મુ – કાશ્મીરમાં અનુચ્છેદ ૩૭૦ અને ૩૫(એ)ની જોગવાઈ નાબૂદ કરીને તે સંદેશ આપ્યો કે આ દેશ એક છે અને બધા માટે છે. અહીંના તમામ સંસાધનો પર બધાનો સમાન અધિકાર છે. અહીં જાતિ, ધર્મ, લિંગ વગેરે આધારે ભેદભાવ નહીં થાય. પરંતુ દુઃખદ બાબત છે કે, જેમણે બંધારણના શપથ લીધા છે તેવા એક પ્રદેશના ચૂંટાયેલા મુખ્યપ્રધાન એક અન્ય પ્રદેશના નાગરિક સામે હલકી ટિપ્પણી કરી રહ્યા છે.

હકીકતે ક્યારેક લાગે છે કે સમસ્ત સંસાર આગળ વધી રહ્યો છે,ત્યારે આપણે પીછેહઠ કરી રહ્યા છીએ. અમેરિકાના વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પિતા જર્મનીથી આવીને અમેરિકા વસ્યા હતા.અમેરિકી સમુદાયે તેમને પોતાના દેશમાં આગળ વધવાની એટલી તક આપી કે તેમના પુત્ર અમેરિકી પ્રમુખ બની ગયા. તે જ રીતે બરાક ઓબામાના પિતા કેન્યાના હતા. ઓબામા અમેરિકાના પ્રમુખ બની ગયા. આપણા પોતાના ભારતવંશી વિશ્વના વિવિધ દેશોમાં પ્રમુખ અને વડા પ્રધાન બની રહ્યા છે. સાઠના દાયકા દરમિયાન કેરેબિયન દેશ ગુયાનાના પ્રમુખ છેદી જગન બન્યા હતા. મોરિશિયસના વડા પ્રધાન ( અને તે પછી પ્રમુખ પણ) શિવસાગર રામગુલામ બન્યા હતા. તે બંનેના વડવાઓ બિહારથી જ હજારો માઇલ દૂર ગુયાના અને મોરિશિયસમાં શેરડીના ખેતરોમાં કામ કરવા ગયા હતા. આજે પણ મોરિશિયસ, ફીજી,સિંગાપુર, કેનેડા સહિત લગભગ બે ડઝન દેશોની સંસદમાં ભારતીયો છે. ત્યાં તેમને કોઈએ એમ નથી પૂછયું કે તેઓ ભારતના છે તેથી તેમને સંસદમાં ચૂંટી શકાય તેમ નથી. પરંતુ ભારતીયોને પોતાના અપમાનિત કરવામાં આવી રહ્યા છે. કેજરીવાલ તે કામ તો કરી રહ્યા છે.

કોઈ એ તો કહે કે બિહારીઓનો વાંક શો છે? મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેના લફંગા તેમની મારપીટ કરે છે, દિલ્હીમાં કેજરીવાલ પહેલાં તેમના પુરોગામી શીલા દીક્ષિતે પણ કહ્યું હતું કે દિલ્હીમાં પૂર્વાંચલના લોકો આવવાથી સ્થિતિ ખરાબ થઈ રહી છે.

મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથ પણ આ મુખ્યપ્રધાનોની યાદીમાં સામેલ થઈ ચૂક્યા છે. તેમને બિહાર અને ઉત્તર પ્રદેશના લોકો સામે ચીડ છે. મધ્ય પ્રદેશમાં મુખ્યપ્રધાનની ખુરશીમાં બેસતાં જ તેમણે પોતાની સંકુચિત માનસિકતાનું પ્રદર્શન કરી દીધું હતું. તેમણે ત્યારે કહ્યું હતું કે, પ્રદેશમાં સ્થાનિક લોકોને નોકરી ના મળવાનું કારણ બિહાર અને ઉત્તર પ્રદેશના લોકો છે. જોકે, કમલનાથ પોતે પણ મધ્ય પ્રદેશના નથી. તેમનો જન્મ પણ કાનપુરમાં થયેલો છે અને તેઓ હંમેશાં દિલ્હીમાં જ રહ્યા. હાં, માત્ર લોકસભાની ચૂંટણી મધ્ય પ્રદેશમાંથી લડતા રહ્યા.

હકીકતે સમસ્યાના મૂળમાં વસતી કારણભૂત છે. વસતી નિયંત્રણની દિશામાં નક્કર પગલાં લેવાની જરૂર છે. બિહારીઓને બહારના કહેવા કે મારપીટ કરવાથી સંઘીય માળખાને નુકસાન પહોંચશે. આવી ઘટનાઓ અટકવી જોઈએ.

હવે શીલા દીક્ષિતની જ વાત કરીએ. તેઓ મૂળે પંજાબના હતા. તેમના લગ્ન ઉત્તર પ્રદેશના એક કુટુંબમાં થયા હતા. પરંતુ ઉત્તર પ્રદેશનાં મુખ્યપ્રધાન બનતાં જ તેમને ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો બહારના લાગવા લાગ્યા. તેમણે ૨૦૦૭માં રાજધાનીની તમામ સમસ્યા માટે ઉત્તર પ્રદેશ અને બિહારથી આવીને વસનારા લોકોને જવાબદાર ઠેરવી દીધા હતા. શીલા દીક્ષિતે ત્યારે કહ્યું હતું કે, દિલ્હી એક સંપન્ન રાજ્ય છે અને ત્યાં જીવનયાપન માટે ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારથી લોકો આવે છે અને વસી જાય છે. તેના કારણે જ દિલ્હીની સમસ્યા વધતી રહી છે. રાજ ઠાકરે,

શીલા દીક્ષિત, કેજરીવાલ જેવા લોકો એ વાત શા માટે ભૂલી જાય છે કે દિલ્હી અને મુંબઈને આટલા આલીશાન બનાવવામાં લોહીપસીનો બિહારીઓ અને પૂર્વાંચલના લોકોએ જ લગાવ્યો છે? હવે તેમનો કોઈ અધિકાર જ નથી બનતો?

કેજરીવાલ અને કમલનાથ જેવા નેતાઓને શા માટે સમજાતું નથી કે માત્ર સમાવેશી સમાજ જ આગળ વધે છે? આસામમાં પણ શંકાસ્પદ ત્રાસવાદીઓએ એક હિન્દીભાષી વેપારી અને તેમની પુત્રીની હત્યા કરી નાખી હતી. કટ્ટરપથી સંગઠન ઉલ્ફાને જ્યારે પણ પોતાની તાકાતનું પ્રદર્શન કરવું હોય ત્યારે નિર્દોશ હિન્દીભાષીઓ ( ઉત્તર પ્રદેશ અને બિહારવાળા)ને મારવા લાગે છે. આસામ અને મણિપુરમાં હિન્દીભાષીઓ પર સતત હુમલા થતા રહ્યા છે. ત્યાં હિન્દી ભાષીનો અર્થ જ ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો થાય છે.

આપણું ભારત બધાનું છે. અહીં કાઈઇ ચૂંટાયેલી વ્યક્તિ સંકુચિત નિવેદનબાજી કરે તો હકીકતે ખૂબ દુઃખ થાય છે.આ પ્રકારના તત્ત્વોને ચૂંટણીમાં દૂર કરી દેવા જોઈએ.

(લેખક રાજ્યસભાના સભ્ય છે)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન