કેજરીવાલના પૂર્વ કાયદામંત્રીની ડિગ્રી રદ ૨૫ લાખની લૂંટમાં આપ નેતાની ધરપકડ

18

નવી દિલ્હી, તા. ૨૦

બિહારની ભાગલપુર યુનિવર્સિટીએ સોમવારે દિલ્હીનાં પૂર્વ કાયદા મંત્રી અને આપનાં એમએલએ જિતેન્દ્રસિંહ તોમરની એલએલબીની ડિગ્રી કેન્સલ કરી છે. ફેક ડિગ્રી ધરાવતા તોમરને ગત વર્ષે દિલ્હીની આપ સરકારમાંથી બરખાસ્ત કરવામાં આવ્યા હતા.

અગાઉ બુધવારે દિલ્હી પોલીસે તોમર સામે સાકેતની કોર્ટમાં એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ સમક્ષ ફાઇલ કરેલ ચાર્જશીટ મુજબ ભાગલપુર યુનિવર્સિટીમાંથી કાયદાની બનાવટી ડિગ્રી ધરાવતા તોમરે બી.એસ.સી.ની બનાવટી ડિગ્રી પણ રજૂ કરી હતી જે તેમણે અવધ યુનિવર્સિટીમાંથી મેળવી હોવાનું તેમણે જણાવ્યું હતું. ચાર્જશીટમાં જણાવાયું છે કે સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી મેળવવામાં નિષ્ફળ રહેલ તોમરે ડિગ્રીઓ મેળવવા માટે બનાવટી દસ્તાવેજો અને માર્કશીટ દ્વારા ગેરકાયદેસર સાધનોનો ઉપયોગ કર્યો હતો.

લૂંટારો નેતા આપની યુવા શાખાનો અધ્યક્ષ

દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટીની યુવા શાખાનાં નેતા નજીબ અને તેમનાં કેટલાક સાથીઓની લૂંટનાં એક કેસમાં ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ ૨૫ વર્ષીય નજીબ વિશે પોલીસે જણાવ્યું કે તે જાફરાબાદમાં આપની યુવા શાખાનાં અધ્યક્ષ છે. જો કે પાર્ટીએ નજીબ સાથે કોઈ સંબંધ હોવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ ૩૯૨/૩૯૭ અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે. નજીબ પર આરોપ છે કે તેણે એક વ્યક્તિ પાસેથી ૨૫ લાખ રૂપિયા અને કેટલીક કિંમતી ચીજવસ્તુઓની લૂંટ કરી હતી. આપની યુવા શાખાનાં પ્રભારી વંદના સિંહે જણાવ્યું કે આરોપી પાર્ટીનો પદાધિકારી નથી. અમારી યુવા શાખા સાથે તેને કોઈ લેવાદેવા નથી. દિલ્હી પોલીસ દરેક જગ્યાએ આપનાં તાર જોડવાની કોશિશ કરે છે. પોલીસ અનુસાર ૧૨ માર્ચે લૂંટની ઘટનામાં નજીબ ગેંગ તરફથી થયેલ ગોળીબારમાં એક ગોળી રાહદારીને વાગતા તે ઘાયલ થયો હતો. પોલીસે નજીબ અને સાથીઓ પાસેથી ૧૬,૦૬,૦૦૦ રૂપિયા અને એક દેશી પિસ્તોલ જપ્ત કરી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર ચાલતી હોવા છતાં આપને  ગોવા અને પંજાબ જેવા રાજ્યોમાં ધારી સફળતા ન મળતા આપના  નેતાઓ અને કાર્યકરો હવે અવળા માર્ગે ચાલતા હોવાનાં કિસ્સાઓ  હવે પ્રકાશમાં આવે છે.