Kerala man job loss in Oman
  • Home
  • Featured
  • કેરળના પૂર પીડિતો પર કમેન્ટ કરવી NRIને ભારે પડી, કંપનીએ લીધું ચોંકાવનારું પગલું

કેરળના પૂર પીડિતો પર કમેન્ટ કરવી NRIને ભારે પડી, કંપનીએ લીધું ચોંકાવનારું પગલું

 | 2:17 pm IST

કેરળમાં પૂરની સ્થિતિ સામે ઝઝૂમી રહેલા લોકોની વિરૂદ્ધ અસંવેદનશીલ કમેન્ટ કરવી એક કર્મચારીને ભારે પડી છે. ગલ્ફની કંપનીએ તેને નોકરીમાંથી કાઢી મૂકયો. કેરળના જ આ કર્મચારી પર આરોપ છે કે તેને પૂરપીડિતોને લઇ સોશિયલ મીડિયા પર અસંવેદનશીલ કમેન્ટ કરી.

મળતી માહિતી પ્રમાણે લુલુ ગ્રૂપ ઇન્ટરનેશનલ કંપનીના કર્મચારી રાહુલ ચેરૂ પલાયટ્ટુને નોકરીમાંથી કાઢી મૂકયો છે. તે ઓમાન સ્થિત કંપનીની બ્રાન્ચમાં કેશિયર તરીકે કામ કરતો હતો. પલાયટ્ટૂ એ ફેસબુક પર પૂર પીડિતોની સ્વચ્છતા સાથે જોડાયેલ મજાકનો વીડિયો શેર કર્યો હતો. તેના પર કંપની એકશન લેતા હ્યુમન રિસોર્સ મેનેજર નસ્ર મુબારક સલેમ-અલ-માવાલીએ તેમને ટર્મિનેશન લેટર પકડાવી દીધો. તેમાં લખ્યું હતું કે તમને તત્કાલ અસરથી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. તેનું કારણ ભારતે કેરળ રાજ્યમાં પૂર પીડિતોને લઇ આપેલી અત્યાધિક અસંવેદનશીલ અને અપમાનજનક ટિપ્પણી છે. લેટરમાં આગળ લક્યું હતું કે આપને નિર્દેશ કરાયો છે કે તમે તમારી તમામ સત્તાવાર જવાબદારીઓને તરત તમારા રિપોર્ટિંગ મેનેજરને સોંપી દો અને ફાઇનલ સેટલમેન્ટ માટે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરો.

ત્યારબાદ રાહુલે ફેસબુક પર એક વીડિયો શેર કરી લોકો પાસે માફી માંગી છે. તેમણે કહ્યું કે જે સમયે પોસ્ટ શેર કરી ત્યારે તે નશામાં ધૂત હતા. તે સમયે મને નહોતી ખબર કે મેં કેટલી મોટી ભૂલ કરી છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય અબજોપતિ અને લુલુ ગ્રૂપના માલિક એમએ યુસુફ અલીએ પણ કેરળ પીડિતોની 90.23 લાખ દિરહામની મદદ કરી છે. કેરળ હાલ સદીના સૌથી ગંભીર પૂરથી ઝઝૂમી રહ્યું છે.