તાલાલા માર્કેટ યાર્ડમાં કેસર કેરીની હરાજી બંધ - Sandesh
  • Home
  • Business
  • તાલાલા માર્કેટ યાર્ડમાં કેસર કેરીની હરાજી બંધ

તાલાલા માર્કેટ યાર્ડમાં કેસર કેરીની હરાજી બંધ

 | 9:51 pm IST

દુનિયાભરમાં પોતાના બેજોડ સ્વાદ અને સોડમ માટે જાણીતી તાલાલાની કેસર કેરીની આજે છેલ્લા દિવસે ૨,૯૨૦ બોક્સની આવક સાથે તાલાલા યાર્ડમાં આજથી હરાજી બંધ થઈ છે. હવે સૌરાષ્ટ્રમાં ગોંડલ, જૂનાગઢ, મેંદરડા, વંથલી, વગેરે મથકોમાં કેસર કેરીની આવક અને હરાજી ચાલુ રહેશે.

તાલાલા યાર્ડના રમણિકભાઈ સાવલિયાના જણાવ્યા મુજબ આજે હરાજીના અંતિમ દિવસે તાલાલા યાર્ડમાં છેલ્લાં ૨,૯૨૦ બોક્સ વેચાણ માટે આવ્યા હતા. આ સાલ કુલ ૪૨ દિવસ સુધી કેસર કેરીના બોક્સની આવક ચાલુ રહી હતી જે ગત સાલ કુલ ૫૭ દિવસ સુધી માલ આવક ચાલુ રહી હતી. અને કુલ ૧૦ લાખ ૬૯ હજાર બોક્સની આવક થઈ હતી એની સરખામણીએ આ સાલ કેસર કેરીની બે લાખ ચાલીસ હજાર બોક્સની આવક ઓછી થઈ છે. પરંતુ ભાવ બાબતમાં ખેડૂતોને સંતોષ જળવાઈ રહ્યો હતો આવકના પહેલાં દિવસથી લઈ છેક છેલ્લાં દિવસ સુધી ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા. આ ઉપરાંત વચ્ચે વરસાદની કોઈ માઠી અસર ન આવતા નુકસાનથી ખેડૂતો બચ્યા છે.

ગોંડલ સબ યાર્ડમાં આજે ૪,૪૯૫ બોક્સની આવક હતી અને ભાવ ૩૦૦થી ૬૦૦ સુધી બોક્સના હતા. અહીં તાલાલાના થોડા વિસ્તાર ઉપરાંત ઊના અને સમગ્ર ગીર અને અમરેલી જિલ્લામાંથી કેસર કેરીના બોક્સ આવે છે. હવે કચ્છથી પણ કેસર કેરીની આવક ચાલુ થઈ છે. જ્યાં સુધી કેસર કેરીની આવક સારી રહેશે ત્યાં સુધી ગોંડલ યાર્ડમાં હરાજી ચાલુ રાખવામાં આવશે.