ઉત્તરપ્રદેશમાં યોગી સરકારના મંત્રીમંડળમાં વિભાગોની વહેંચણી ભલે ન થઈ હોય પરંતુ હવે 100 દિવસના એજન્ડા પર કામ શરૂ થઈ ગયું છે. આ એજન્ડામાં એ તમામ મુદ્દાઓને સામેલ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે જે ભાજપના ઘોષણાપત્રમાં સામેલ હતાં. આ સાથે જ ચૂંટણી પ્રચાર વખતે એન્ટી રોમિયો સ્ક્વોર્ડનું જે વચન આપ્યું હતું તેને પણ ભાજપ સરકાર બહુ જલદી પૂરુ કરવા જઈ રહી છે.

એક ચેનલના અહેવાલ મુજબ યુપી ભાજપના અધ્યક્ષ અને ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્યએ આજે જણાવ્યું કે સરકાર 100 દિવસનો એજન્ડા તૈયાર કરી રહી છે. જે મુજબ ખેડૂતોને ઋણમાફી, કતલખાના, શેરડીના ખેડૂતોની સમસ્યાઓ અને મહિલા સુરક્ષા પ્રમુખ રહેશે. મૌર્યએ કહ્યું કે પ્રદેશમાં ખેડૂતોની સમસ્યાઓ અને મહિલા સુરક્ષાનો મુદ્દા સૌથી મહત્વના છે. આ માટે તેના ઉપર સૌથી પહેલા કામ શરૂ કરવામાં આવી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર વિકાસ માટેના ફેસલા લેવામાં જરાય વાર નહી કરે.

અત્રે જણાવવાનું કે ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં પ્રદેશમાં એન્ટી રોમિયો સ્ક્વોર્ડની રચના કરવાનું વચન આપ્યું હતું જેને લઈને અનેક લોકો સવાલ પણ ઊભા કરી રહ્યાં છે. મૌર્યએ સ્પષ્ટતા કરી કે તેનો કોઈ ધર્મ કે જાતિ સાથે સંબંધ નથી. તેમણે એમ પણ કહ્યું કે જો કોઈ એવું વિચારે તો તે ખોટું હશે. વાતચીતમાં તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે હ્રદય નારાયણ દીક્ષિત યૂપી વિધાનસભાના સ્પીકર હશે. આ સાથે જ એપ્રિલના પહેલા અઠવાડિયામાં વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવી શકે છે જેની તારીખ આજે નક્કી થવાની શક્યતા છે.

શપથગ્રહણના દિવસે જ અલાહાબાદમાં બીએસપીના એક નેતાની હત્યા થઈ. આ ઘટના પ્રત્યે દુ:ખ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે અપરાધીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે પ્રદેશના પોલીસ ઓફિસરોને ચેતવણી આપતા કહ્યું કે લાપરવાહી રાખનારા અધિકારીઓને સહન કરવામાં નહીં આવે.