ભાજપને સમર્થન આપવા મામલે ખોડલધામના નરેશ પટેલે કર્યો ખુલાસો - Sandesh
  • Home
  • Gujarat
  • ભાજપને સમર્થન આપવા મામલે ખોડલધામના નરેશ પટેલે કર્યો ખુલાસો

ભાજપને સમર્થન આપવા મામલે ખોડલધામના નરેશ પટેલે કર્યો ખુલાસો

 | 3:30 pm IST

આજે ભાવનગર ખાતે ખોડલધામ ટ્રસ્ટના મોભી અને લેઉઆ પટેલના અગ્રણી નેતા નરેશ પટેલ સાથે કેટલાટ ભાજપના નેતાઓ મુલાકાત કરી હતી. આ બેઠકમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ હાજર રહ્યા હતા. આ મીટિંગ બાદ એવા સમાચાર વહેતા થયા હતા કે, નરેશ પટેલે ભાજપને જીતાડવા માટે અપીલ કરી છે. પરંતુ આ સમાચારના થોડા સમય બાદ જ નરેશ પટેલ તરફથી આ નિવેદનની નકારી કાઢવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, મેં કોઈને જીતાડવાની અપીલ કરી નથી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાન માટે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યાંરે નેતાઓ નાગરિકોને પોતાની તરફ આકર્ષવા પ્રયાસ કરી રહ્યા છે. દરેક નેતાઓ પોતપોતાની રીતે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. જેમાં ખોડલધામના નરેશ પટેલ અને જીતુ વાઘાણી વચ્ચેની મુલાકાતની તસવીરો વાઈરલ થઈ હતી. જેમાં સમાચાર સામે આવ્યા હતા કે, નરેશ પટેલ અને જીતુ વાઘાણી વચ્ચે આજે બેઠક યોજાઇ હતી તે પછી કિંગમેકર ગણાતા નરેશ પટેલે ભાજપને સમર્થન જાહેર કરી જીતુ વાઘાણીને જીતાડવા અપીલ કરી હતી. આ સમાચાર વહેતા થતા જ ગુજરાતના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. બાદમાં નરેશ પટેલ તરફથી આવેલા નિવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી. જેમાં ખોડલધામ પ્રમુખ પરશએ ગજેરાએ કહ્યું હતું કે, આજે ભાવનગરમાં વાઘાણીની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને જેમાં પાટીદાર અગ્રણીઓ પણ સામેલ હતા. પરંતુ મેં ભાજપને કે તેમને જીતાડવાની કોઇ અપીલ કરી નથી. નરેશ પટેલ અને જીતુ વાઘાણી વચ્ચે માત્ર શુભેચ્છા મુલાકાત થઈ છે. કોઈને સમર્થન આપવાની વાત નથી થઈ. ખોડલધામ સંસ્થા કોઈની વિરુદ્ધ અને તરફેણમાં નથી.

નરેશ પટેલે કહ્યુ હતુ કે, પ્રજા અને મતદારોએ મારા મુખેથી સમર્થનની વાત સાંભળે તો જ તેને સાચી માનવી એવી હું અપીલ કરૃ છું. મારે જો કોઇને સમર્થન આપવુ હોય તો પાછલી બારીથી ન આપુ, જાહેરમાં આપુ એટલુ જ નહી પત્રકાર પરિષદ પણ યોજુ. તેમણે ટીવી અહેવાલોને નકારી કાઢયા હતા.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા પણ પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ પણ અનેક પ્રકારના અંદાજ લગાવવામાં આવ્યા હતા. હાર્દિકે આ મુલાકાત બાદ કહ્યું હતું કે, આ માત્ર શુભેચ્છા મુલાકાત હતી. નરેશભાઈએ મને કહ્યું હતું કે, તુ જે લડાઈ લડી રહ્યો છે, તે ઈમાનદારીથી લડજે.