ખારના ફલેટમાં ધોળેદહાડે લાખો રૂપિયાની ચોરી થઈ - Sandesh
  • Home
  • Mumbai
  • ખારના ફલેટમાં ધોળેદહાડે લાખો રૂપિયાની ચોરી થઈ

ખારના ફલેટમાં ધોળેદહાડે લાખો રૂપિયાની ચોરી થઈ

 | 1:39 am IST

। મુંબઇ ।

ખારના એક ફલેટમાં ધોળેદહાડે ઘૂસખોરી કરીને લાખો રૂપિયાની ચોરી કરી હોવાનો મામલો સામે આવ્યો છે. એક ચોરે કુરિયર બોય હોવાનું જણાવી એક બિઝનેસમેનના ઘરમાં ત્રણ ચોર ઘૂસ્યા હતા અને રૂપિયા તેમ જ ઘરેણાં ચોરીને પલાયન થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ખારમાંના ગોવિંદ ભવન ઇમારતમાં ત્રણ ચોર બળજબરીથી એક ઘરમાં ઘૂસ્યા હતા અને બિઝનેસમેનની પત્ની અને પુત્રીને બંધક બનાવી ઘરમાં રહેલી મોંઘીદાટ સામગ્રી, રૂપિયા, ઘરેણાં લઇને પલાયન થયા હતા. આ ઇમારતમાં સીસીટીવી કેમેરા ન હોવાથી ચોરો ચોરી સહેલાઇથી કર્યા બાદ રફુચક્કર થવામાં સફળ થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે ગુરૂવારે સવારે ૯.૩૦ વાગ્યે આ ચોરી થઇ હતી. બિઝનેસમેન પોતાના કામે જવા માટે ઘરેથી નીકળ્યો અને ઘરમાં માત્ર તેની પત્ની કોહિનૂર બાનુ (૩૮) અને તેની પુત્રી હતા. ચોરે વોચમેનને પાંચમા માળે એક પાર્સલની ડિલીવરી કરવા જઇ રહ્યો હોવાનું જણાવી પોતાના બે સાથીઓને પણ લઇ ગયો હતો. ચોરોએ આ વિસ્તારની ઝીણવટપૂર્વક તપાસ કરી હતી અને અહીં સીસીટીવી ન હોવાનો તેમને પહેલાંથી જ અંદાજ હોવાથી તેઓ માત્ર અડધો કલાકમાં જ ચોરી કરીને પલાયન થવામાં સફળ થયા હતા. કોહિનૂર બાનુએ પોલીસમાં કરેલી ફરિયાદ મુજબ ઘરની ડોરબેલ વાગી હતી. પોતે કૂરિયર બોય હોવાનું પોતાના પતિના નામે ગિફટ પાર્સલ આવ્યું હોવાનું ચોરોએ જણાવી જેવો મેં દરવાજો ઉઘાડયો તેવા જ બે અજ્ઞાાત શખસો ઘરમાં ઘૂસ્યા અને મને, મારી પુત્રીને બંધક બનાવી ઘરની મોંઘીદાટ સામગ્રી, રૂપિયા, ઘરેણાં લૂટીને ભાગી ગયા હતા.