ખોડલધામના નરેશ પટેલના ઘરે રથનું આગમન થતાં સોનાનો હાર પહેરાવ્યો

378

ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલાં દિવસો બાકી છે. ગુજરાતમાં અલગ-અલગ શહેરોમાં મા ખોડલનો રથ ફરી રહ્યો છે. ત્યારે ગઇકાલે રાજકોટમાં મોડી સાંજે ખોડલધામના નરેશ પટેલના ઘરે ખોડલ રથનું આગમન થયું હતું. આ પ્રસંગે નરેશ પટેલના પત્ની શાલીનીબેને મા ખોડલને સોનાનો હાર પહેરાવ્યો હતો. મા ખોડલના રથયાત્રાના સમાપાન સાથે રાજકોટમાં મહાઆરતીનું આયોજન કરાયું હતું. ગઇકાલે રાજકોટમાં ખોડલ રથે વિદાય લીધી હતી અને મોરબી જિલ્લા તરફ રવાના થયો હતો.

નરેશ પટેલના ઘરે ખોડલ રથ આવતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રથના આગમન સાથે નરેશ પટેલના પરિવારે મા ખોડલની આરતી ઉતારી હતી. બાદમાં લાપસીના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદનો લાભ લીધો હતો.


રાજકોટમાં 2 જાન્યુઆરીથી ખોડલધામ રથ પરિભ્રમણ કરી લેઉવા પાટીદાર સમાજના પરિવારોને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. બુધવારે રથે એસ્ટ્રોન સોસાયટી, ચિત્રકૂટ સોસાયટી, અમીન માર્ગ, કોટેચા ચોક સહિતના વિસ્તારોમાં પરિભ્રમણ કર્યું હતું. એસ્ટ્રોન સોસાયટી ખાતે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. 10 દિવસ મા ખોડલના રથે પરિભ્રમણ કરી 80 હજાર લેઉવા પટેલ પરિવારોને ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ આપ્યું હતું. પરિભ્રમણના છેલ્લાં દિવસે 10 હજાર ભાવિકોએ મહાઆરતી બાદ પ્રસાદનો લાભ લીધો હતો.

17થી 21મી જાન્યુઆરી સુધી ચાલનાર ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પહોંચવાના પાંચ રસ્તા
* વીરપુર થઈને કાગવડના પાટીયાથી
* પીઠડિયા ટોલ નાકા પહેલા ગણપતિના મંદિર પાસેથી (આ રસ્તો તા. ર૧મીએ વીઆઈપી માટે રાખવામાં આવ્યો છે)
* ગોમટા ગામથી નવાગામ ખંભાલિડા પાસેથી
* જેતપુરથી દેરડી વાળો રોડ
* સુલતાનપુરના રસ્તે મોણપર થઈને