ખ્વાજાની મેરેથોન ઇનિંગ, પ્રથમ ટેસ્ટ ડ્રો થઈ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ખ્વાજાની મેરેથોન ઇનિંગ, પ્રથમ ટેસ્ટ ડ્રો થઈ

ખ્વાજાની મેરેથોન ઇનિંગ, પ્રથમ ટેસ્ટ ડ્રો થઈ

 | 1:16 am IST

। દુબઈ ।

ઓપનર ઉસ્માન ખ્વાજાની મેરેથોન ઇનિંગ અને કેપ્ટન ટીમ પેનની લડાયક બેટિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ અહીં રમાયેલી પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો કરવામાં સફળતા મેળવી હતી. પાકિસ્તાને પ્રથમ દાવમાં ૪૮૨ રન બનાવ્યા હતા જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ દાવમાં૨૦૨ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાને પ્રથમ દાવના આધારે ૨૮૦ રનની લીડ મેળવી હતી. બીજા દાવમાં પાકિસ્તાને છ વિકેટે ૧૮૧ રન બનાવી દાવ ડિક્લેર કર્યો હતો. પ્રથમ દાવની સરસાઈ ઉમેરાતાં ઓસ્ટ્રેલિયાને જીત માટે ૪૬૨ રનનો સ્કોર મળ્યો હતો. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ઓપનર ઉસ્માન ખ્વાજાના ૧૪૧ રન, ટીમ હેડના ૭૨ રન અને કેપ્ટન ટીમ પેનના અણનમ ૬૧ રનની મદદથી આઠ વિકેટે ૩૬૨ રન બનાવ્યા હતા. પ્રથમ ઇનિંગમાં ૮૫ અને બીજી ઇનિંગમાં ૧૪૧ રન બનાવી ટીમને હારમાંથી બચાવનાર ઉસ્માન ખ્વાજાને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

૪૬૨ રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસે ૮૭ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે ટીમ હેડ અને ખ્વાજાએ ત્રીજા દિવસની રમતના અંતે ત્રણ વિકેટે ૧૩૬ રન બનાવ્યા હતા. ચોથા દિવસે બંનેએ ટીમને સંભાળતાં લંચ બ્રેક સુધી વિકેટ ગુમાવ્યા વિના સ્કોર ૨૧૫ રને પહોંચાડયો હતો. લંચ બ્રેક બાદ હફિઝે પાકિસ્તાનને બ્રેક થ્રુ અપાવતાં હેડને અંગત ૭૨ રને આઉટ કર્યો હતો. હેડ આઉટ થયા બાદ યાસિર શાહે લેબુન્જ પણ આઉટ થતાં ૨૫૨ રનના સ્કોરે પાંચમી વિકેટ ગુમાવી હતી. ઉસ્માન ખ્વાજા અને ટીમ પેને ત્યારબાદ પાકિસ્તાની બોલરોને વિકેટ માટે તરસાવ્યા હતા ત્યારે યાસિરે ટીમને સફળતા અપાવતાં ખ્વાજાને અંગત ૧૪૧ રને આઉટ કર્યો હતો.ખ્વાજા આઉટ થયા બાદ યાસિરે સ્ટાર્ક અને સિડલને પણ આઉટ કરતાં ૩૩૩ રને આઠ વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી  ટીમ પેને નાથન લાયન સાથે મળી પાંચમા દિવસના અંત સુધી ટકી રહી મેચ ડ્રો કરી હતી.