ખ્વાજા યુનુસ કેસઃ પોલીસ કર્મચારીઓને આરોપી બનાવવા સરકારની અરજી - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • ખ્વાજા યુનુસ કેસઃ પોલીસ કર્મચારીઓને આરોપી બનાવવા સરકારની અરજી

ખ્વાજા યુનુસ કેસઃ પોલીસ કર્મચારીઓને આરોપી બનાવવા સરકારની અરજી

 | 12:13 am IST

મુંબઈ,તા.૯

૨૦૦૩ના ખ્વાજા યુનુસના કહેવાતા કસ્ટોડિયલ ડેથ કેસના સંદર્ભે નિવૃત્ત પોલીસ અધિકારી પ્રફુલ્લ ભોસલે સહિત અન્ય ત્રણ અધિકારીઓને આરોપી તરીકે કોર્ટમાં હાજર કરવાના અને તેના પર ખટલો ચલાવવાના આદેશ આપો એવી માગણી સરકારી પક્ષે ગુરુવારે સેશન્સ કોર્ટમાં કરી હતી.

આ કેસના મુખ્ય સાક્ષીદાર ડોક્ટર મોહમ્મદ અબ્દુલ મતીને આપેલા સાક્ષી નિવેદનના આધારે સેશન્સ કોર્ટમાં સરકારી પક્ષે અરજી કરી રજૂઆત કરી છે જેમાં મતીનની સાક્ષીનો વિચાર કરતા પ્રફુલ્લ ભોસલે, હેમંત દેસાઈ, રાજારામ વનમાને અને અશોક ખોત એ ચાર પોલીસ ઓફિસરોને સમન્સ મોકલી કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપો અને તેમના પર ખટલા ચલાવવામાં આવે એવી માગ કરાઈ છે.

ડિસેમ્બર ૨૦૦૨માં ઘાટકોપરમાં થયેલા બોમ્બબ્લાસ્ટના આરોપી ખ્વાજા યુનુસને ઘાટકોપર પોલીસે પકડી લીધો હતો. ઘાટકોપર પોલીસ સ્ટેશનના તત્ત્કાલીન સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર પ્રફુલ્લ ભોસલે સહિત અન્ય અધિકારીઓ તેની મારઝૂડ કરતા હતા એ તેણે પોતાની નજરે જોયું હોવાનું મુખ્ય સાક્ષીદાર મતીને ગયા અઠવાડિયે કોર્ટમાં જણાવ્યું હતું. એ વખતે તેને પણ એ બોમ્બ બ્લાસ્ટમાં સંડોવાયો હોઈ શકે એવી શંકાના આધારે પકડવામાં આવ્યો હતો.મતીને વધુમાં કહ્યું હતું કે ૬ જાન્યુઆરી ૨૦૦૩ના ખ્વાજા યુનુસને કોટડીમાં બેસાડાયો હતો જ્યારે તેને કોટડીની બહાર બેસાડવામાં આવ્યો હતો. થોડી વાર બાદ અંદરથી યુનુસની ચીસો સંભળાવવા માંડી હતી તે જોરજોરથી રડી રહ્યો હતો. તેને પટ્ટાથી મારવામાં આવી રહ્યો હતો એ બહાર સ્પષ્ટ સંભળાતુ હતું. થોડી વાર પછી તેને પણ કોટડીમાં લઇ જવાયો હતો. એ વખતે યુનુસની આજુબાજુમાં બે પોલીસ ઓફિસરો બેઠા હતા. યુનુસના હાથ પાછળ બાંધેલા હતા.બંને ઓફિસરો પ્રફુલ્લ ભોસલે અને હેમંત દેસાઈએ ત્યાર બાદ યુનુસને નિર્દયતાથી માર્યો હતો. તેઓ તેને છાતીમાં અને પેટમાં મારી રહ્યા હતા.એ પછી યુનુસને લોહીની ઉલ્ટી થઇ હતી અને એ ફસડાઈ પડયો હતો. જ્યારે તેના(મતીનના) કેસની સુનાવણી ચાલતી હતી ત્યારે એ બંને ઓફિસરો નિયમિત ત્યાં આવતા હતા એથી તેમના નામની તેને જાણ છે એમ મતીને કોર્ટને જણાવ્યું હતું.

જોકે પોલીસે એ કેસમાં એમ કહ્યું હતું કે ૭ જાન્યુઆરીએ તેઓ ખ્વાજા યુનુસને વાનમાં રંગાબાદ લઇ જઈ રહ્યા હતા ત્યારે તેમની વાનનો અકસ્માત થયો હતો. યુનુસ એ અકસ્માતના સ્થળેથી તક મળતા જ નાસી ગયો હતો. એ વખતે તેમની સાથે ઉપરોક્ત ચાર ઓફિસરો પ્રફુલ્લ ભોસલે, હેમંત દેસાઈ, રાજારામ વનમાને અને અશોક ખોત હતા. જોકે બોમ્બે હાઇકોર્ટે તેમની આ રજૂઆત ફગાવી દીધી હતી. જોકે મતીને આપેલી જુબાની બાદ પહેલા તો એ પોલીસ અધિકારીઓ સામે તપાસ ચલાવવા આદેશ અપાયા હતા અને ત્યારબાદ તેમની સામે એફઆઇઆર નોંધવામાં આવી હતી. ઘાટકોપર બોમ્બબ્લાસ્ટ કેસમાં પકડાયેલા મતીન અને અન્ય ૧૬ આરોપીઓને ૨૦૦૪- ૨૦૦૫માં કોર્ટે છોડી મુકયા હતા.

;