Kidnapping of a young man on Jain Derasar near Lalbagh, Vadodara
  • Home
  • Featured
  • જૈન દરાસરમાંથી ધોળે દિવસે યુવકનું અપહરણ, ‘1 લાખ લઈ સ્મશાને આવી જા, નહીં તો તારા ભાઈને મારી નાખીશું’

જૈન દરાસરમાંથી ધોળે દિવસે યુવકનું અપહરણ, ‘1 લાખ લઈ સ્મશાને આવી જા, નહીં તો તારા ભાઈને મારી નાખીશું’

 | 8:00 am IST

લાલબાગ પાસેના જૈન દેરાસરમાંથી ધોળે દિવસે યુવકનું અપહરણ

અપહરણ થયેલા યુવકનો પરિવાર નવ મહિનાથી જૈન દેરાસરમાં સેવા- પૂજાનું કામ કરે છે. પોલીસે માંડવી ઘંટિયાળા વિસ્તારમાંથી ૪ અપહરણકર્તાઓને ઝડપી પાડયા

શહેરના લાલબાગ એસ.આર.પી ગ્રૃપ.1ની પાસેે આવેલા જૈન દેરાસરમાંથી 20 વર્ષીય યુવકનું અપહરણ કરી રૂપિયા 1 લાખની માંગણી કરનાર ૪ અપહરણકર્તાઓને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડયા હતા.

મૂળ પંચમહાલના અશોક પરમાર અત્રેના લાલબાગ પાસે આવેલા જૈન દેરાસરમાં પરિવાર સાથે રહી છેલ્લા ૯ મહિનાથી સેવા – પુજાનું કામ કરે છે. અશોકની પહેલા મંદિરમાં દિપેશ બારિયા નામનો શખસ સેવાનું કામ કરતો હતો, પરંતુ ટ્રસ્ટીએે તેને કાઢી મુક્યો હતો. ગુરૂવારે બપોરે 2 વાગ્યે અશોક અને તેની પત્ની મોબાઈલ રીપેરીંગ કરાવવા મકરપુરા ગયા હતા.

જ્યારે દેરાસરમાં અશોકનો નાનો ભાઈ કલ્પેશ (ઉં.વ.20) હાજર હતો. સાંજે 4.30 વાગ્યે પતિ – પત્ની દેરાસરમાં પરત ફર્યા હતા, તે વખતે કલ્પેશ ઓરડીમાં દેખાયો ન હતો. તેની આજુબાજુમાં પણ તપાસ કરતાં કોઈ સગડ મળ્યા ન હતા. જેથી અશોકે તેના મોબાઈલ નંબર પર સંપર્ક કરતાં કલ્પેશેે કહ્યું કે, મને મંદિરેથી દિપેશ અને બીજા ત્રણ જણાં આવીને લઈ ગયા છે અને પૈસાની માંગણી કરે છે.

આ વાતચીત ચાલતી હતી, ત્યારે જ અપહરણકાર દિપેશે કલ્પેશના હાથમાંથી ફોન લઈ અશોકને ધમકી આપી કે, તારા ભાઈને અમે લઈને આવતા રહ્યાં છે, એક લાખ રૂપિયા લઈ સ્મશાને આવી, તારા ભાઈને લઈ જજે, પૈસા નહીં આપે તો અમે તારા ભાઈને મારી નાંખીશું. આ ધમકી આપ્યા બાદ આરોપીએ ફોન કટ કરી નાંખ્યો હતો. તે પછી વારંવાર કલ્પેશના નંબર પર સંપર્ક કરવા છતાં આરોપીએ રિસીવ કર્યાે ન હતો.

જેથી અશોકની પત્નીએ નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જ પોલીસ હરકતમાં આવી હતી. પોલીસને માહિતી મળી હતી કે, મૂળ પંચમહાલના તાડિયા ગામના રહીશ દિપેશ બારિયાના પિતા ફોગટભાઈ માંડવી રોડ પર ઘંટીયાળા વિસ્તારમાં રહે છે. જેથી પોલીસે ત્યાં પહોંચતાં અપહરણકાર દિપેશ અને તેના ત્રણ સાગરિતો જીતેન્દ્ર પુરણ કહાર (રહે, કહાર મહોલ્લો, સલાટવાડા), રાકેશ નારણ સોલંકી (રહે, હુજરત પાગા, ફતેપુરા) અને શ્યામ દશરથ કહાર (રહે, કહાર મહોલ્લો, જુનીગઢી) મળી આવ્યા હતા. પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી હતી.

નોકરી અપાવવાના રૃ. ૩૫૦૦૦ નહીં આપતાં અપહરણ કર્યુ

પોલીસ તપાસમાં એવી પણ હકિકત બહાર આવી હતી કે, દારૃ પીવાની કુટેવ ધરાવતાં દિપેશ બારિયાને દેરાસરના ટ્રસ્ટીઓએ નોકરીમાંથી કાઢી મુક્યો હતો. જેથી તેણે તેના જ વતનના અશોક પરમારને કહ્યું હતું કે, હું તને દેરાસરમાં મહિને રૃ. ૬ હજારની નોકરી અપાવુ છું, તેની સામે તું મારું રૃ. ૩૫ હજાર દેવું ભરી દેજે.

જોકે, અશોકે નોકરી મળ્યા બાદ દિપેશનું દેવુ ભરપાઈ કર્યુ ન હતું. જેથી ગુરૃવારે બપોરે તે તેના સાગરિતો સાથે દેરાસરમાં ગયો હતો, પરંતુ અશોક નહીં મળતાં તેના નાના ભાઈ કલ્પેશને ઉઠાવીને લઈ ગયા હતા. ત્યારબાદ રૃ. ૧ લાખની માંગણી કરી હતી.

આરોપીઓને પકડવા પોલીસ બહુચરાજી સ્મશાન ખુંદી વળી

નવાપુરા પીઆઈ એસ.વી.ચૌધરી જણાવ્યું હતું કે, આરોપી દિપેશ બારિયાએ અપહરણ થયેલા યુવકના ભાઇને ફોન કરી સ્મશાનમાં પૈસા લઈને બોલાવ્યો હતો. જેથી અમે બહુચરાજી સ્મશાન ખુદી વળ્યા હતા. પરંતુ ત્યાં અમને કોઈ મળ્યું ન હતું. જેથી અમે દિપેશના માંડવી રોડ પર ઘંટિયાળામાં આવેલા ઘરે દરોડો પાડતાં કલ્પેશની સાથે ચારેય અપહરણકર્તા મળ્યા હતા. અમને જોતાં જ આરોપીઓ ભાગ્યા હતા, જેમાં એક અપહરણકાર પટકાતા તેને માથામાં ઈજા થઈ હતી. જોકે, અમે સ્થળ પરથી ચારેયને પકડી લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન