કોઈને કિડની વેચવાની નોબત, કોઈ પુત્ર માતાનો મૃતદેહ કચરામાં ફેંકવા મજબૂર   - Sandesh
  • Home
  • Columnist
  • કોઈને કિડની વેચવાની નોબત, કોઈ પુત્ર માતાનો મૃતદેહ કચરામાં ફેંકવા મજબૂર  

કોઈને કિડની વેચવાની નોબત, કોઈ પુત્ર માતાનો મૃતદેહ કચરામાં ફેંકવા મજબૂર  

 | 2:41 am IST

ચલતે ચલતે : અલ્પેશ પટેલ

દેશમાં મંદી, મોંઘવારીના અસહ્ય માર વચ્ચે આમ આદમી પિસાઈ રહ્યો છે. કૂદકે-ભૂસકે વધી રહેલી મોંઘવારીમાં બે છેડા ભેગા કરતાં મધ્યમ વર્ગને તમ્મર આવી રહ્યા છે. જેમની પાસે બે ટંક ખાવાના ફાંફા છે એવા ૨૦ કરોડથી વધારે લોકોને પેટનો ખાડો પૂરવા માટે દર-દર ભટકવા મજબૂર બનવું પડી રહ્યું છે. દેશમાં ૧૬ કરોડ લોકો એવા છે કે જેમના નસીબમાં પીવાનું શુદ્વ પાણી લખાયું નથી.પરિસ્થિતિ દિવસે-દિવસે વિકટ બની રહી છે. ‘ભૂખ ન જુએ સૂકો રોટલો અને ઊંઘ ન જુએ ઓટલો’ કહેવત યથાર્થ સાબિત થઈ રહી છે. એક તરફ ઝાકમઝોળ જાહોજલાલી છે તો બીજી તરફ એવા લાખો પરિવારો છે કે જેમના ઘરમાં કેરોસીનથી ચાલતી ચીમનીનું આછું અજવાળું રેલાઈ રહ્યું છે. ગરીબ દિવસે દિવસે વધુને વધુ ગરીબ બની રહ્યો છે તો મધ્યમ વર્ગને નજીવા પગારમાં પરિવારના ચાર-પાંચ સભ્યોનું ગુજરાન ચલાવતાં ધોળા દિવસે તારા દેખાઈ રહ્યા છે. થાળીમાંથી લીલા શાકભાજી તો દૂરની વાત છે તુવેરની દાળ પણ ગાયબ થઈ રહી છે. પેટનો ખાડો પૂરવામાં પણ કાપ મૂૂકવો પડે તેવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. ક્યારેક નાછૂટકે ફાની દુનિયાને અલવિદા કહેવું પડે છે. જવાબદારીઓ નિભાવવી મુશ્કેલ બની રહી છે. આવકના સાધન મર્યાદિત થઈ ગયાં છે તો ક્યાંક રોજગારી છીનવાઈ ગઈ છે. એક માત્ર ઉદાહરણ જોઈએ તો સુરતના હીરા ઉદ્યોગની ચમક ઝાંખી પડી રહી છે. ૪૦ ટકા એકમોએ હીરાનું ઉત્પાદન બંધ કરી દેતાં ૬૦,૦૦૦થી વધારે કારીગરોને બેકાર બનવું પડયું છે. વિચાર કરો કે, એ કારીગરો પાછળ કેટલો પરિવાર હશે ? અત્યારે આ લોકોની હાલત શું હશે ? એક માત્ર હીરા ઉદ્યોગમાં જ જો આવી કપરી સ્થિતિ હોય તો બીજે કેવી ડામાડોળ હાલત હશે તેનો વિચાર માત્ર જ કંપારી છોડાવી દે તેવો છે.

કિડની વેચવા મજબૂર  

હમણાં થોડા દિવસ પહેલાં ગુજરાતના સુરતના પાંડેસરા વિસ્તારમાં ડાઈંગ મિલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો એક ૩૫ વર્ષીય યુવક નવી સિવિલ હોસ્પિટલમાં પહોંચે છે અને ત્યાં જઈ ડોક્ટરને કહે છે કે,’સાહબ, મુજે કિડની બેચની હૈ, પરિવાર કો પૈસા ભેજના હૈ, સુના હૈ કિડની બેચને સે કાફી પૈસા મિલતા હૈ’.ડોક્ટર એકચિત્તે યુવકને સાંભળી રહે છે. બાદમાં એ યુવકે પોતાની દર્દનાક કહાની કહી કે, પોતે માસિક ૯ હજાર પગારમાં નોકરી કરે છે. પોતાના વતન બિહારમાં માતા-પિતા, પત્ની, બે દીકરીઓના ભરણપોષણ માટે દર મહિને ૫,૦૦૦ મોકલું છે. બાકી રહેલા ૪,૦૦૦માં મારૃં ગુજરાન ચલાવું છું. જેમાં મારા બે છેડા ભેગા થઈ શક્તા નથી. આર્થિક સ્થિતિથી તંગ આવી ગયો છું. હવે કિડની વેચવા સિવાય મારી પાસે કોઈ વિકલ્પ નથી. આ માત્ર એક બહાર આવેલો સત્ય કિસ્સો છે પણ જે બહાર નહીં આવતા હોય તેવા કેટલા આવા યુવકો હશે?

ભૂખે જીવ લીધો  

તાજેતરમાં તામિલનાડુના તૂતિકોરિનમાં એક ૬૦ વર્ષીય વૃદ્વ મહિલાનો મૃતદેહ કચરા પેટીના ડબ્બામાંથી મળી આવ્યો હતો. તપાસના અંતે જે હકીકત બહાર આવી એ દિલને હચમચાવી દે તેવી હતી. મૃત મહિલાનો દીકરો મુથુલક્ષ્મણ મંદિરમાં પૂજારી તરીકે કામ કરતો હતો. બંને મા-દીકરો અશક્ત હતા. આવકનું કોઈ સાધન નહોતું. માતા ભૂખથી ટળવળતી હતી અને આખરે એક દિવસ અંતિમ શ્વાસ લઈ લીધા. દીકરા પાસે અંતિમ સંસ્કાર કરવા માટે એક ફૂટી કોડી પણ નહોતી. આખરે ભારે હૈૈયે પુત્રએ માતાનો મૃતદેહ કચરાપેટીમાં ફેંકી દીધો હતો. જ્યારે મહિલાના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું ત્યારે તેના રિપોર્ટમાં જણાયું કે, મહિલાના પેટમાં અનાજનો એક દાણો પણ હતો નહી. ભૂખના કારણે મહિલાએ મરવું પડયું. ભૂખથી મરવું પડે તેનાથી બીજી મોટી વિડંબણા કઈ હોઈ શકે ? સભ્ય સમાજ માટે આવી ઘટના ખરેખર શરમજનક છે. જે બડા-બડા નેતાઓ ગરીબીના નામે અંધારામાં તીર છોડી રહ્યા છે અને રાજનીતિ કરવાની એક પણ તક ચૂકતા નથી એમના માટે આવી ઘટનાઓ ગાલ ઉપર સણસણતા બે-ચાર તમાચા ઠોકવા બરાબર છે.

અયોગ્ય વ્યવસ્થા  

દેશમાં આજે પણ આયોજનના અભાવે ૭ કરોડ ટનથી વધારે અનાજ સળી જાય છે. જે અનાજથી ગરીબોના પેટના ખાડા ભરી શકાય છે તે તેમની સુધી પહોંચતું જ નથી. કાગળ ઉપર સબ સલામતના ઘોડા બરાબરના દોડાવવામાં આવે છે પરંતુ, ભૂખથી ટળવળતા લોકો સુધી એ અનાજ પહોંચવું આજે ય દોહ્યલું બની રહ્યું છે. છેવાડાનો આદમી ઘઉંની રોટલી ખાવા માટે ચાતક નજરે રાહ જોઈ રહે છે પણ ક્યારેક અંતિમ શ્વાસ સુધી મળી શક્તી નથી. અનાજ વિતરણની વ્યવસ્થામાં આચરવામાં આવતી ગેરરીતિઓના પાપે સ્થિતિ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. ક્યાંક સસ્તા અનાજનું રાશન જ બારોબાર સગેવગે કરવામાં આવે છે જેમાં સાંઠગાંઠ ધરાવનારા ગરીબોનું અનાજ વેચી ખાઈને તરભાણા ભરે છે છતાં જવાબદાર તંત્રને એ દેખાતું નથી. આંખે પાટા બાંધીને બેઠા હોય તેમ ઊચ્ચ અધિકારીઓ છતી આંખે ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યા છે છતાં તેમનો આત્મા પણ ડંખતો નથી.

શાકભાજીની મોંકાણ  

દેશમાં આજે પણ વર્ષે દહાડે ૨૧ કરોડ ટન શાકભાજી યોગ્ય વિતરણ વ્યવસ્થાના અભાવે ક્યાંક સડી જાય છે તો ક્યાંક બગડે છે અને જ્યાં પહોંચવી જોઈએ ત્યાં પહોંચતી નથી. એક તરફ શાકભાજીના રોકેટગતિએ વધતા ભાવ અને બીજી તરફ જ્યાં આટલી માત્રામાં શાકભાજી બગડી જતી હોય ત્યાં વિતરણ વ્યવસ્થામાં કેવી લાલિયાવાડીઓ ચાલતી હશે તેનો અંદાજો લગાવી શકાય છે. જે ખેડૂત બિચારો રાત-દિવસ કાળામાં કાળી મજૂરી કરીને શાકભાજીનું વાવેતર કરે એ જ ખેડૂત જ્યારે શાકભાજી વેચવા જાય છે ત્યારે તેને લૂંટી લેવામાં આવે છે. પોતાની મૂડી પણ મળતી નથી અને વચોટિયા માલામાલ થઈ જાય છે. મોંઘી કારોમાં ફરતા થઈ જાય છે અને બિચારો ખેડૂત હતો ત્યાંનો ત્યાં હાથ ઘસતો રહી જાય છે. માર્કેટયાર્ડોમાં ચાલતો અંધેર વહીવટ કોઈને દેખાતો નથી. બધાએ મોંઢામાં મગ ઓર્યા હોય તેમ મૂંગામંતર થઈ જાય છે અને બિચારા ખેડૂતને તો રીતસરનો ચીરી જ નાખે છે. છતાં પણ જ્યારે ખેડૂતોના નામે રાજનીતિ કરવાની આવે ત્યારે બધા ‘ચોરના ભાઈ ઘંટી ચોરો’ એક માળાના મણિકા બની જાય છે અને ખેડૂતોની આંખમાં ધૂળ નાખી આબાદ ઊલ્લુ બનાવી જાય છે.

ફળ દોહ્યલા બન્યા  

મધ્યમ વર્ગ અને ગરીબ માટે ફળો દોહ્યલા બની રહ્યા છે. દેશમાં આજે પણ વર્ષે ૧૨ કરોડ ટન ફળ સડી જાય છે પણ જ્યાં જરૂરીયાત છે ત્યાં પહોંચતા નથી. નફાખોરી જ જેમનો જન્મસિદ્વ અધિકાર છે તેવા વેપારીઓ ફળો છેવાડાના માનવી સુધી પહોંચવા જ દેતા નથી. ગમે તેટલું વધુ ઉત્પાદન થાય છતાં તેના ભાવ તો પોતાની મરજી મુજબ જ વધારવાના એ જાણે કે તેમનો મુદ્રાલેખ બની જાય છે. આવા વેપારીઓ સામે કેમ કોઈ કાયદો-કાનૂન લાગુ પડતો નથી ? પોતાના બાપનો બગીચો સમજી ગયા છે કે શું ? તંત્ર કેમ માયંકાગલું બની ગયું છે ?

સડતી દાળ  

તુવેરથી લઈ મગ અને અડદ સહીતની લગભગ ૨૩ કરોડ ટન દાળ દેશમાં આજે વર્ષે બગડી જાય છે. બીજી તરફ મધ્યમ વર્ગના એવા કરોડો પરિવાર છે કે જેમની થાળીમાં મહિનામાં એક વખત તુવેરની દાળ નસીબ થાય છે. વળી મનફાવે ત્યારે તેમાં ભાવવધારાની હૈયાહોળી થતી જ રહે છે. અનાજનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થતું હોવા છતાં પણ છેવાડાના માનવી સુધી ન પહોંચે ત્યારે શું સમજવું ? દાળમાં કંઈક કાળું નહીં પણ આખી દાળ જ કાળી છે. ભ્રષ્ટ અને સડી ગયેલી સિસ્ટમમાં લોકોનું ધનોતપનોત નીકળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન