રાજાની કડક સુરક્ષાની પોકળતા - Sandesh

રાજાની કડક સુરક્ષાની પોકળતા

 | 12:03 am IST

જિનામૃત :- આર. શેખર

વિશાલપુરનો રાજા અરિસિંહ નીતિ અને હિંમતમાં સર્વોચ્ચ હોવાથી પોતાના રાજ્યનું શાસન અને પ્રજાના પાલનમાં સતત જાગ્રત રહેતો હતો. નગરજનો આરામ અને ચેનથી રહી શકતા હતા.

માણસ નબળાઈઓથી ભરેલો છે, એની પાસે કશું હોય તો પણ એ અશાંત થાય છે, તો ન હોય એની પીડા પણ એના માટે અસહ્ય બનતી હોય છે.

ચતુરાઈ અને શૂરવીરતાનું અરિસિંહ રાજાને અભિમાન જાગે છે. એ મૂછે વળ ચઢાવીને ક્યારેક લોકોને પૂછયા કરતો હોય છે ‘છે મારા જેવો ચતુર શૂરવીર જે આટલા મોટા રાજ્ય શાસનને સારી રીતે ચલાવી શકે ?’

બધા રાજાની ખુશામત જ કરવાની વૃત્તિ રાખતા હોય છે, પણ કોઈ કોઈ માણસ ક્યારેક સાચાને સાચું કહેવા જેવી ક્ષમતા પણ રાખતા હોય છે.

જ્યારે અરિસિંહે આ રીતે રાજસભામાં પ્રશ્ન કર્યો ત્યારે એક સદસ્યે ઊભા થઈને જવાબ આપ્યો. મહારાજ, શેરના માથે સવાશેર તો હોય જ છે. જ્યાં સુધી માણસનું પુણ્ય હોય ત્યાં સુધી બરાબર ચાલે, આપની બુદ્ધિમત્તા અજોડ છે એનો અર્થ એવો નહીં કે આપના કરતાં વધારે ચતુર વ્યક્તિ આ સંસારમાં હશે જ નહીં. બીજું તો ઠીક પણ સ્ત્રી ચરિત્રની સામે તમારી ચતુરાઈ કોઈ કામમાં આવે નહીં.

રાજા સડક થઈ ગયો, એને પણ વિચાર તો આવ્યો જ કે આ સભાસદ જે કહી રહ્યો છે એની ચકાસણી તો કરવી જ. સ્ત્રી ચરિત્ર? જે હોય તે પણ ટેસ્ટ તો લેવો જ છે.

સુંદર કન્યા સાથે નવાં લગ્ન કર્યાં. એક ભૂમિગૃહ (ભોંયરું) તૈયાર કરાવ્યું અને આ કન્યાને એમાં જ રાખવાનું નક્કી કર્યું.કોઈપણ માણસ એમાં પ્રવેશ કરી શકે નહીં એવી વ્યવસ્થા ગોઠવી દીધેલી છે અને એનું નામ પણ પાતાલસુંદરી પડી ગયેલું.

રાજા બરાબર તપાસ રાખે છે.

એના રાજ્યમાં એક શ્રેષ્ઠી હતો. હીરાલાલ શેઠ એનું નામ. પાતાલસુંદરી સાથે એની પુરાણી દોસ્તી હતી. એકબીજાને મળ્યા વગર ચેન પડતું ન હતું. હીરાલાલે પોતાના ઘરમાંથી સીધા જ પાતાલસુંદરીના મહેલમાં જઈ શકાય એવો ભૂમિમાર્ગ તૈયાર કરાવ્યો. અને રોજ એ મળવા લાગ્યા.

આમ ચોરીછૂપીથી મળવાનું ક્યાં સુધી ચાલશે ? જો રાજાને આ વાતની ખબર પડી જશે તો આપણાં તો બાર વાગી જશે, એના કરતાં કોઈ રસ્તો કરવો જોઈએ. આમ બેય જણા વિચાર કરી રહ્યાં છે ત્યારે પાતાલસુંદરીએ એક સુઝાવ આપ્યો. હીરાલાલ શેઠને કહ્યું કે એક દિવસ રાજાને તમારા ઘેર જમવા માટે આમંત્રણ આપો અને એમને હું જ મારા હાથે જમાડીશ. વ્યવસ્થિત આયોજન કરી દીધું. રાજાને જમવા બોલાવ્યો.

જમવા માટે શેઠ અને રાજા બેયને સાથે બેસાડયા છે. પીરસવા માટે પાતાલસુંદરી રોજના કરતાં અલગ વસ્ત્ર પરિધાન કરીને આવી છે. મોઢું ઢાંકેલં છે. પણ આકાર-પ્રકાર અને હલનચલન ઉપરથી રાજાને શંકા તો પડી કે આ પાતાલસુંદરી જ હોવી જોઈએ પણ અહીં આવે ક્યાંથી? છતાં અહીંથી સીધો જ ત્યાં જઈને ખાતરી કરીશ. આવું વિચારીને જમે છે,

રાજા ભોજન પતાવીને તરત જ રવાના થયો. પાતાલસુંદરીના મહેલમાં જઈને જોયું તો એ તો આરામ કરી રહેલી હતી. રાજાના મનમાંથી શંકા દૂર થઈ ગઈ.

એક દિવસ પ્લાન બનાવીને રાજાની નજરો સામે જ બેય જણા વહાણમાં બેસીને રવાના થઈ ગયાં. રાજાને શંકા પણ ન પડી.

રાજાએ જ્યારે પોતાના ઘરમાં જઈને તપાસ કરી તો પાતાલસુંદરી તો ન મળી પણ ગુપ્ત ભૂમિમાર્ગ મળ્યો કે જે હીરાલાલ શેઠના ઘરમાં જતો હતો. રાજાએ પાતાલસુંદરીના ચરિત્રને જોયા-જાણ્યા પછી તેને સંસાર પ્રત્યે નફરત જાગે છે. આવો આ સંસાર ? જેના માટે આપણને આટલો આદર સત્કાર હોય એ જ વ્યક્તિ આપણો વિશ્વાસઘાત કરે ત્યારે માણસ કાં તો જાગ્રત બને છે અથવા અંદરથી તૂટી પડે છે.

આ રાજા જાગ્રત બને છે. એને સંસારના આવા સ્વરૂપને જોઈને વૈરાગ્ય થાય છે. ગુરુનાં ચરણોમાં રહીને એણે દીક્ષાનો સ્વીકાર કર્યો.

હીરાલાલ પાતાલસુંદરીને લઈને સમુદ્રમાર્ગે જઈ રહ્યો છે. માર્ગમાં હીરાલાલનો એક નાનો ભાઈ હતો પનાલાલ. વચમાં ક્યાંક વહાણ ઊભું રહ્યું ત્યારે આ જ વહાણમાં પોતાનો સામાન ભરીને એ પણ ચઢયો.

હીરાલાલ કરતાં પનાલાલ સશક્ત અને દેખાવમાં સારો હતો. એ ક્યારે પનાલાલ તરફ આકર્ષાઈ એ પણ એના ધ્યાનમાં આવ્યું નહીં હીરાલાલ એક સમયે એના માટે હીરો હતો એ જ આજે વિલન બની ગયો હતો. હવે એને વિચાર એ આવે છે કે આ માણસ જ હવે મારા સુખમાં આડો આવે છે એને ગમે તે રીતે પણ ખસેડવો જ પડે. આમ વિચાર કરીને એક વાર વહાણ ઉપર ઊભા રહીને દરિયાનાં ઉછળતાં મોજાં જોઈ રહ્યા હતા તે સમયે લાગ જોઈને હીરાલાલને ધક્કો મારીને દરિયામાં પાડી નાંખ્યો.

પનાલાલને મેળવવા માટે પાતાલસુંદરીએ આકાશ-પાતાળ એક કરવા માંડયાં પણ પનાલાલને ખ્યાલ આવી ગયેલો કે હીરાલાલને દરિયામાં પાડવામાં પાતાલસુંદરી જ કારણ છે ત્યારે એ પણ વિચારે છે જે પોતાના પતિને છોડીને હીરાલાલ પર મોહી અને મારા પ્રત્યેના મોહના કારણે હીરાલાલને દરિયામાં ફેંકી શકે છે એ મારી સાથે ક્યાં સુધી ટકશે ? તો પછી હવે શા માટે મારે એની સાથે સંબંધ વધારવો ?

પાતાલસુંદરી બે બાજુથી રખડી પડી. આવી આ સંસારની પરિસ્થિતિ છે. આપણે જેના ઉપર વિશ્વાસ મૂકીશું એ આપણો વિશ્વાસઘાત નહીં જ કરે એવું માનવાની ભૂલ કરી શકાય નહીં. એનો અર્થ એવો પણ નહીં કે બધા વિશ્વાસઘાત કરવાવાળા જ હોય છે. પણ કોઈની પણ સાથે સંબંધ બાંધતી વખતે તેની સાથેની મર્યાદા પણ માનસિક રીતે નક્કી કરી રાખવી જોઈએ કે જેથી પસ્તાવાનો સમય આવે નહીં.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન