Kite festival will be celebrated with enthusiasm by the festive citizens today
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ‘ઊડી ઊડી જાય…દિલ કી પતંગ મેરી ઊડી જાય’, ઉત્સવપ્રિય શહેરીજનો આજે ઉત્સાહથી પતંગપર્વ ઊજવશે

‘ઊડી ઊડી જાય…દિલ કી પતંગ મેરી ઊડી જાય’, ઉત્સવપ્રિય શહેરીજનો આજે ઉત્સાહથી પતંગપર્વ ઊજવશે

 | 7:19 am IST
  • Share

ઊડી ઊડી જાય… દિલ કી પતંગ મેરી ઊડી જાય. ચલી ચલી રે પતંગ મેરી ચલી રે… અને એ કાટ્ટા ઓ કાટ્ટા એય જરા ઢીલથી છોડ, જેવા ગીતો- ચિચિયારીઓ અને ધમાચકડી દર વર્ષે ઉત્તરાયણ કહો કે, પતંગ પર્વના આવતીકાલે ઉત્તરાયણે શહેરના દરેક ધાબા અને ટેરેસ પર સાંભળવા મળશે.

કોરાનાના કારણે સરકારે લાદેલા નિયમો છતાંય શહેરના કોટ વિસ્તાર, પરા અને પૂર્વના વિસ્તારના રહેણાંકોના ધાબાઓ જરૂર પતંગ રસિયાઓની હાજરી અને ચિચિયારીઓથી ગાજ્યા વિના નહીં રહે, શહેરના પતંગ બજારમાં પતંગ-દોરીની ખરીદી માટે મંગળવાર અને આજે બુધવારે જામેલી ભીડ જોતા અમદાવાદીઓએ પતંગ પર્વની મનભર-આનંદ ભેર ઉજવણી કરશે.

જો કે પતંગના ભાવમાં ૧૫થી ૨૦ ટકા અને દોરીના ભાવમાં ૧૮થી ૨૦ ટકાનો વધારો થયો હોવા છતાંયે પતંગબાજોએ પતંગ દોરી ખરીદવામાં કોઈ કચાશ રાખી નહતી. દેખીતી રીતે જ શહેરના મુખ્ય પતંગ બજારો કાળુપુર ટંકશાળ, દિલ્હી દરવાજા, રાયપુર દરવાજા, સારંગપુર ફરતા વિસામા, નારણપુરા અંકુર ચાર રસ્તા, બાપુનગર, સરસપુર, રાજપુર, ગોમતીપુર, રખિયાલ, ઓઢવ- નિકોલ, મણિનગર ચાર રસ્તા અને કાંકરિયા ભુલાભાઈ સર્કલ, પાલડી, આંબાવાડી, વાસણા, વસ્ત્રાપુર બજાર અને બોપલ સર્કલ સહિતના શહેરના તમામ વિસ્તારોમાં ગઈકાલે મંગળવારે રાતના ૧૧ વાગ્યા સુધી પતંગ દોરીની ખરીદી કરી હતી.

આજે તો સવારથી મોડી રાત સુધી પતંગ બજારમાં એવી ભારે ભીડ જામી હતી કે, કેટલાંક સ્થળે તો ટ્રાફિક ચક્કાજામ થઈ ગયો હતો. કાલે દરેક ધાબા પર લોકો મનભરીને ઉત્તરાયણની ઉજવણી કરશે. ઉંધિયા, પુરી, શીખંડ, ચીક્કી, શેરડી, પોપટા, જામફળ, બોરની જ્યાફત માણશે. કોરોના નિયંત્રણો વચ્ચે પણ માંડ ઉજવવા મળેલા તહેવારને ભરપુર માણશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના બંગલેથી પતંગો ચગાવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતી કાલે ઉતરાયણનુ પર્વ પોતાના થલતેજ સ્થિત બંગલાના ધાબા પરથી જ મનાવશે. કોરોનાની ગાઈડલાઈનનો ભંગ ન થાય તે માટે અમિત શાહે અન્ય કોઈ જગ્યાએથી ઉતરાયણ મનાવવાનુ પડતુ મૂક્યુ છે. જેથી કાર્યકરો અને આગેવાનોની ભીડ ટાળી શકાય

અમિત શાહ બુધવારે મોડી રાત્રે અમદાવાદમા આવી ગયા હતા. તેઓ આવતીકાલે એટલે કે ગુરુવારે સવારે ૧૦ વાગ્યે જમાલપુરમાં આવેલા ભગવાન જગન્નાથજીના મંદીરે પરિવાર સાથે દર્શક કરવા જશે. ત્યાર બાદ તેઓ થલજેના પોતાના ઘરના ધાબા પરથી જ પરિવારના સભ્યો સાથે પતંગો ઉડાવશે.

જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી આ વર્ષે ઉતરાયણ પર્વ નહીં મનાવે. કોરોનાને કારણે ભીડ એકઠી ન થાય તે માટે અને રાજ્યસભાના સાંસદ અને તેમના મિત્ર અભય ભારદ્રાજનુ નિધન થતા તેઓ ઉજવણી કરવાના નથી. અત્રે નોંધનીય છે કે છેલ્લા ૩૭ વર્ષથી વિજય રૂપાણી પોતાના મિત્રો સાથે રાજકોટમાં જ પતંગ ઉડાવીને પર્વની ઉજવણી કરતા હતા. પરંતુ આ વર્ષે આ પરંપરા તૂટશે.

ઉત્તરાયણ નિમિત્તે માઇધામ અંબાજી ગબ્બરને પતંગોથી સજાવાયું

શક્તિ, ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ સમા માઇધામ અંબાજી સહિત ગબ્બર ખાતેના મંદિર પર રંગ-બે-રંગી ‘જયજય અંબે’ લખેલા અવનવા પતંગોથી મંદિર પરિસર આકર્ષક સજાવાયું છે. અંબાજી મંદિર ઉપરાંત મા અંબાના મૂળ સ્થાન ગબ્બર ખાતે પણ રંગ-બે-રંગી પતંગોથી આકર્ષક સજાવવામાં આવ્યું છે. મકરસંક્રાતિને પગલે દર્શનાર્થીઓની ભારે ભીડને પગલે યાત્રિકોની સુખ સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

સાયણ-ઓલપાડમાં ગળું કપાતા યુવકનું મોત

ઓલપાડ તાલુકાના પરિયા ગામે સાયણ ઓલપાડ રોડ પર પરિયા ગામની સીમમાં સુકન બંગ્લોઝના ગેટ પાસેથી જીવનરક્ષા હોસ્પિટલમાં પ્લમ્બરનું કામ કરતો મહમદ બસીર અન્સારી (ઉ.વ. ૨૬) તેના મિત્ર ઉસ્માન કામ પતાવી સાંજે ઘરે જતા હતા ત્યારે પતંગનો દોરો ગળામાં વીંટળાતા ગળું કપાઈ ગયું હતું. તેને જીવનરક્ષા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો જ્યાં તેનું મોત નિપજ્યું હતું,

વિરમગામમાં વીજશોકથી બે સગીરનાં મોત

વિરમગામમાં નુરી સોસાયટી વિસ્તારમાં બે સગીર ભાઈ પતંગ લૂંટતા હતા ત્યારે એક ભાઈને વીજ તારથી શોક લાગતા તેને બચાવવા બીજો ભાઈ પણ મૃત્યુ પામ્યો હતો.

અમદાવાદમાં પતંગની દોરીથી બેને ઈજા

ઉત્તરાયણ પર્વ પહેલાં પતંગની દોરીની ઈજા થવાના બે કેસ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નોંધાયા છે. બે ત્રણ દિવસ પહેલાં આ પ્રકારના કેસ આવ્યા હતા, બુધવારે કોઈ નવો કેસ નથી. સોલા સિવિલમાં પતંગની દોરીથી કોઈનું ગળું કપાયાનો કેસ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન