કિવી એક પક્ષી હોવા છતાં નાની પાંખોને લીધે ઊડી શકતું નથી - Sandesh
  • Home
  • Kids Corner
  • કિવી એક પક્ષી હોવા છતાં નાની પાંખોને લીધે ઊડી શકતું નથી

કિવી એક પક્ષી હોવા છતાં નાની પાંખોને લીધે ઊડી શકતું નથી

 | 12:01 am IST

જંગલબુક :- નીરવ દેસાઈ

કિવી એક પક્ષી હોવા છતાં તે ઊડી શક્તું નથી. કિવી પક્ષી મૂળ ન્યુ ઝીલેન્ડ દેશનું નિવાસી છે. તે ન્યુ ઝીલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી પણ છે. આ કારણે ન્યુ ઝીલેન્ડ નિવાસીઓને કિવી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઊડી ના શક્તા પક્ષીઓમાં કિવી સૌથી નાનું પક્ષી છે. કિવીની કુલ પાંચ પ્રજાતિ છે, જે ન્યુ ઝીલેન્ડમાં જોવા મળે છે. જો કે તેમાંથી બે પ્રજાતિ વિલુપ્ત થવાના આરે છે. કિવી સર્વભક્ષી પક્ષી છે. તે ભોજનમાં મુખ્યત્વે કીડા, મકોડા, નાનાં ફળો અને તેના બીજ ખાય છે. કિવી ક્વિક ક્વિક જેવો અવાજ કાઢે છે. આ કારણે તેનું નામ કિવી પડયું છે. કિવીનું આખું શરીર ભરાવદાર રૂવાંટીથી ઢંકાયેલું હોય છે. તેની પાંખો ઘટ્ટ અને ભરચક રૂવાંટીની નીચે હોય છે. તેની પાંખો લગભગ ત્રણ સેન્ટિમીટર જેટલી નાની હોય છે. આમ તેની ખૂબ જ નાની પાંખો હોવાને કારણે તે ઊડવા માટે અસક્ષમ છે. કિવી પક્ષીને પૂંછડી હોતી નથી. તેના પગ નાના અને મજબૂત સ્નાયુઓવાળા હોય છે. જેના કારણે તે જમીન પર ઝડપથી દોડી શકે છે. તેની ચાંચ લાંબી હોય છે, જે શિકાર કરવા માટે ઘણી ઉપયોગી રહે છે. કિવીની આંખ તેના શરીરનું સૌથી નાનું અંગ છે. તે દેખાવે લગભગ એક મરઘી જેવું હોય છે. કિવીની પ્રજાતિઓમાં ઉત્તરી બદામી કિવી કદમાં સૌથી મોટું હોય છે. તેનું કદ લગભગ વીસથી પચ્ચીસ ઈંચ જેટલું હોય છે. તેમનું વજન બે કિલોગ્રામ જેટલું હોય છે. જ્યારે સૌથી નાનું કિવી લિટલ સ્પોટેડ કિવી છે, જે અઢાર ઈંચની સાઈઝનું હોય છે અને તેનું વજન ૮૦૦ ગ્રામથી માંડીને ૧.૫ કિલોગ્રામ જેટલું હોય છે.

કિવી મોટેભાગે ઝાડની બખોલમાં પોતાનો માળો બનાવે છે. આ ઉપરાંત તેઓ જમીનની અંદર દર બનાવીને પણ રહે છે. મોટાભાગે માદા કિવી નર કિવીને પસંદ કરે છે અને જીવનભર તેની સાથે રહે છે. માદા કિવી એક સમયમાં એક જ ઈંડુ મૂકે છે. ઈંડામાંથી લગભગ સિત્તેરથી પંચોતેર દિવસે બચ્ચું બહાર આવે છે. માદા કિવી વર્ષમાં લગભગ બેથી ત્રણ વાર ઈંડા મૂકે છે. નર કિવી તે ઈંડાને સેવે છે. કેટલીક પ્રજાતિમાં માદા કિવી અથવા નર અને માદા બંને સાથે મળીને ઈંડાને સેવે છે. કિવી પક્ષીનું ઈંડુ તેના શરીરના કદના પ્રમાણમાં મોટું હોય છે. કિવીની સૂંઘવાની શક્તી ઘણી તીવ્ર હોય છે. જોકે તેની દ્રષ્ટિ ઘણી કમજોર હોય છે. દિવસ દરમિયાન તેઓ ફક્ત બે ફૂટ સુધી જ જોઈ શકે છે, જ્યારે રાત્રિ દરમિયાન તે સાત ફૂટ સુધી જોઈ શકે છે. તે દિવસ દરમિયાન સૂતું રહે છે અને રાતે જાગતું રહે છે. આ નિશાચર પક્ષી રાત્રિ દરમિયાન જ ભોજનની શોધ માટે નીકળે છે. કિવીનું આયુષ્ય વીસથી પચ્ચીસ વર્ષ જેટલું હોય છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન