Know How Dates/Kharek Farming Best Option For Export
  • Home
  • Agro Sandesh
  • ક્ષારીય પાણી સહન કરતી ખારેકની ખેતીમાં નિકાસની ઊજળી તક 

ક્ષારીય પાણી સહન કરતી ખારેકની ખેતીમાં નિકાસની ઊજળી તક 

 | 7:00 am IST

ખારેક કે ખજૂરની ખેતી આશરે ૪૦૦૦થી ૫૦૦૦ વર્ષ પૂર્વેથી થતી હોવાનાં પૂરાવાં મળે છે. ઈરાકમાં આવેલ ઉર પાસેના ભગવાન સૂર્યનું મંદિર તેની સાબિતી છે. ઈજપ્તિ, ઈરાન, સાઉદી અરેબિયા, પાકિસ્તાન, અલ્જિરીયા, સુદાન, ઓમાન, લીબિયા, યુ.એસ.એ. (કેલિફોર્નિયા), ઈઝરાયલ, યુ.એ.ઈ. યમન વગેરે દેશોમાં ખારેકની ખેતી થાય છે. જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. આપણા દેશમાં પંજાબથી માંડીને દક્ષિણમાં કન્યાકુમારી સુધીનાં પ્રદેશોમાં જંગલી ખારેકનાં ઝાડ જોવા મળે છે. આ ઝાડનાં ફળોને ખલાલ તરીકે ઓળખવામાં આવે છે. આપણા ભારત દેશમાં ખારેકની ખેતી વ્યાપારિક ધોરણે માત્ર ગુજરાતમાં આવેલ કચ્છ જિલ્લામાં જ થાય છે. કચ્છમાં ખારેકનાં ૨૦ લાખ ઝાડ હોવાનો અંદાજ છે. કચ્છમાં અંદાજિત પાંચસો વર્ષથી ખારેકની ખેતી થાય છે.

ખારેક એ કચ્છનું અગત્યનું ફળ ઝાડ છે. ખારેકના ઝાડના વિવિધ ભાગ જેવા કે ફળ, પાન અને થડ ઉપયોગમાં આવે છે. ખારેકના પાનમાંથી સાદડી, સાવરણી, છાબડી, દોરડા અને રમકડાં તેમજ આભૂષણો બનાવવામાં આવે છે. આથી ખારેક એ કચ્છનું ‘કલ્પવૃક્ષ’ કહેવાય છે.

ખારેકની પરદેશમાં નિકાસની તક

કચ્છમાં પાકતી ખારેકની ખલાલ અવસ્થા સામાન્ય રીતે જૂન-જુલાઈ મહિનામાં તૈયાર થાય છે. ખાસ કરીને જુલાઈનું પ્રથમ પખવાડિયું ખારેકના લાલ/પીળો રંગ ખલાલ અવસ્થા માટે ઉત્તમ સમય છે જ્યારે આરબ દેશોમાં આ અવસ્થા કચ્છ કરતા સામાન્ય રીતે ૧૫-૩૦ દિવસ મોડી હોય છે આથી જો કચ્છમાં મોટા પાયે સારી જાતની ખારેકનું વાવેતર કરવામાં આવે તો તેની આરબ અને અમેરિકન દેશોમાં નિકાસ કરવાની ઘણી શક્યતાઓ છે પરંતુ ચોક્કસ ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો ધરાવતી,  જાતો અને ફળની સંગ્રહશક્તિ સારી હોવી જોઈએ તેમજ રોગ-જીવાતથી મુક્ત હોવી જોઈએ.

ચોક્કસ હવામાન

ખારેકની સફળ ખેતી માટે હિમ વગરનો ઠંડો શિયાળો અને વધુ ગરમીવાળો ઉનાળો ખાસ જરૂરી છે. આ ઝાડ ઉનાળામાં આશરે ૫૦ં સે. તાપમાન અને શિયાળામાં ન્યૂનત્તમ ૭ં સે. તાપમાન સહન કરી શકે છે. ફૂલથી ફળ પરિપક્વ થાય તે સમય દરમિયાન ૨૫થી ૩૯ સે. સુધીનું તાપમાન હોવું જોઈએ. ખારેકમાં ફલીનીકરણ સમયે વરસાદ હાનિકર્તા છે તેમજ ફળ પાક્વા સમયે પણ જો વરસાદ આવે તો ફળોને ઘણું જ નુકસાન થાય છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે તેમ રોગનું પ્રમાણ વધે છે. ફળ પાક્વા સમયે જો પવનની ગતિ વધે તો ફળ ખરી પડે છે અને ફળ પર ધૂળ/રેતીના કણ અથડાવવાથી ફળની ગુણવત્તા પર માઠી અસર થાય છે.

અનુકૂળ જમીન

ખારેકને ઊંડી રેતાળ-ગોરાડુ, સંપૂર્ણ નિતારવાળી પરંતુ વધુમાં વધુ ભેજ સંગ્રહી શકે તેવી ફળદ્રુપ જમીન વધુ અનુકૂળ આવે છે. પાણી લાંબો સમય ભરાઈ રહે તેવી જમીન બિલકુલ અનુકૂળ આવતી નથી. આ ઝાડ બીજા કોઈપણ ઝાડની સરખામણીમાં વધુમાં વધુ ક્ષારવાળી જમીન અને પાણી સહન કરી શકે છે. પરંતુ મીઠી જમીન અને મીઠું પાણી મળે તો ઝાડની વૃદ્ધિ ઘણી જ સારી થાય છે.

ખારેકની વિવિધ જાતો-પ્રસર્જન

બારહી, હલાવી, ખદ્રાવી, મેડજુલ, ઝાહીદી, ડેગલેટનુર, સામરાન વગેરે.

બીજ દ્વારા પ્રસર્જન

આ પદ્ધતિ ખૂબ જ સરળ અને સાદી છે. ખારેકનાં સારી જાતના ફળો પસંદ કરી તેના બીજને પ્લાસ્ટિક બેગમાં વાવીને નર્સરીમાં ઉછેર કરી ખેતરમાં વ્યવસ્થિત વાવેતર કરી શકાય છે. આ ઉપરાંત ખેતરમાં ૬થી ૮ ફૂટના અંતરે એકાદ ફૂટ ઊંડી અને પહોળી ચર ખોદી તેમાં ફરી માટી અને કાંપ ભરી ૩-૩ ફૂટના અંતરે બીજનું વાવેતર કરી શકાય છે. આ રીતે વાવેતર કરવાથી વધારાનાં નર ઝાડ અને ઉતરતી કક્ષાના માદાં  છોડ કાઢી નાખવાથી સારા છોડવાઓની સંખ્યા જળવાઈ રહે છે.

ખારેક એ દ્વિગૃહી ઝાડ છે એટલે નર અને માદાંના અલગ-અલગ ઝાડ હોય છે. આથી બીજ દ્વારા ઉગાડેલ છોડમાં આશરે૫૦% નર અને ૫૦% માદાં ઝાડ મળે છે. માદાં ઝાડમાં પણ હીટરોઝાયસ (વિવિધતાવાળા) ગુણને લીધે ઘણી જ ભિન્નતા જોવા મળે છે અને તેમાં માતૃછોડ જેવા ગુણધર્મો જોવા મળતા નથી પરંતુ તેનાથી માત્ર ૩થી ૪% સારી ગુણવત્તા ધરાવતાં ઝાડ મળે છે. વધુમાં બીજ ઉગાડેલ ઝાડમાં પુષ્પગુચ્છ આવતાં ૪થી ૫ વર્ષ લાગે છે. ત્યારે જ ઝાડ નર છે કે માદાં  તે નક્કી થાય છે. તેમજ ઝાડની ઉત્પાદકતા નક્કી કરવા ઓછામાં ઓછા ૭થી ૮ વર્ષ લાગે છે.

પીલા દ્વારા પ્રસર્જન

વધુ ઉત્પાદન અને સારી ગુણવત્તા ધરાવતા ખારેકનાં ઝાડનું પ્રસર્જન પીલા દ્વારા કરવું જોઈએ.   આમાં માતૃછોડ જેવા જ ગુણધર્મો જળવાઈ રહે છે. પીલા એ સામાન્ય રીતે પાન અને થડની વચ્ચેથી નીકળતી કક્ષ-કલિકાનું રૂપાંતરણ છે. જે સામાન્ય રીતે જમીનની સપાટીથી સહેજ નીચેનાં ભાગનાં પાનનાં પાયાનાં કક્ષમાંથી નીકળે છે. ઘણી વખતે જમીનની સપાટીથી ઉપરનાં પાનનાં કક્ષમાં પણ પીલા જોવા મળે છે. સામાન્ય રીતે ખારેકનાં ઝાડ શરૂઆતમાં ૫થી ૧૫ વર્ષ સુધીની ઉંમરમાં આશરે ૫થી ૧૫ પીલા આપે છે. સારી ગુણવત્તાવાળા, વધુ ઉત્પાદન આપતાં તંદુરસ્ત ઝાડમાંથી ૩થી ૫ વર્ષની ઉંમરનાં અને ૧૫થી ૨૦ કિગ્રા. વજનનાં અને ૩૦થી ૫૦ સેમી. થડનાં ઘેરાવાવાળા પીલા પસંદ કરવા જોઈએ. ખારેકનાં પીલાને માતૃછોડથી છૂટો પાડતા પહેલાં જો તેમાં મૂળિયા ફૂટેલાં  ન હોય તો પીલા ફરતેની માટી ખોદી તેમાં નીચે પ્લાસ્ટિક પાથરી અંદર નવો કાંપ, દેશી ખાતર અને લાકડાનો વ્હેર સરખા ભાગે મિશ્રણ કરી ભરવાથી પીલાનાં થડ ફરતે ગુટી જેવું બનાવવાથી મૂળિયા સારા ફૂટે છે અને સફળતાથી ઉછેર કરી શકાય છે. માતૃછોડમાંથી પીલાને માર્ચ-એપ્રિલ માસમાં છૂટો પાડી વાવેતર કરવાથી વધુ સફળતા મળે છે.

પીલાને માતૃછોડથી ખૂબ જ કાળજીથી  જુદો કર્યા બાદ પીલાનાં થડથી ૧થી ૧.૫ મીટર લંબાઈ સુધીના પાન રાખી વધારાનાં પાન કાપી  ઉપરના પાન દોરીથી બાંધી દેવા. થડ પાસેના નુકસાન પામેલા મૂળનાં ભાગને કાપી દૂર કરવા અને જમીનમાં ૮/૮ મીટર કે ૧૦/૧૦ મીટરના અંતરે પીલાનું વાવેતર કરવું જોઈએ. પીલાને વાવેતર કર્યા બાદ કોઈપણ સંજોગોમાં હલાવવો નહીં તેમજ પવન, ગરમી અને ઠંડીથી પીલાને રક્ષણ આપવા માટે તેની ફરતે ખારેકના પાન કે કંતાનનું આવરણ કરવું જોઈએ. પીલાને રોપ્યા બાદ શરૂઆતના ૫-૬ અઠવાડિયા સુધી દરરોજ હળવું પિયત આપવું. ત્યાર પછીનાં ૫-૬ અઠવાડિયા સુધી એકાંતરે પિયત આપવું જોઈએ. ઉનાળામાં ૩થી ૪ દિવસે અને શિયાળામાં ૭થી ૧૦ દિવસે પાણી આપવું જોઈએ.

ટિસ્યૂકલ્ચર દ્વારા પ્રસર્જન

ખારેકમાં સારામાં સારી ગુણવત્તા ધરાવતી ખારેકની જાતનું ટિસ્યૂકલ્ચર દ્વારા પ્રસર્જન કરી મોટા પાયે ખેડૂતમિત્રોને રોપા મળે તે માટે હાલ આ દિશામાં સંશોધન દ્વારા પ્રસર્જન કરવામાં આવેલ રોપાઓનું વાવેતર કરી સારું ઉત્પાદન મેળવવાની શરૂઆત થઈ ગયેલ છે. તેમજ કચ્છની સારી જાતોમાંથી પણ ટિસ્યૂકલ્ચરથી રોપા તૈયાર કરી વાવેતર હાથ ધરવામાં આવેલ છે.

પિયતની જરૂરિયાત

ખારેકનાં પાકને પાણીની પુષ્કળ જરૂરિયાત રહે છે. અન્ય ફળઝાડોની સરખામણીમાં ખારેકનું ઝાડ વધુમાં વધુ ક્ષારિય પાણી સહન કરી શકે છે. ખારેકનાં ઝાડને શિયાળામાં ૧૫ દિવસે અને ઉનાળામાં ૭થી ૮ દિવસનાં ગાળે પિયત આપવું. સામાન્ય રીતે પિયત ખામણા પદ્ધતિથી કરવામાં આવે છે. ટપક પિયત પદ્ધતિથી પાણીનું કાર્યક્ષમ ઉપયોગ કરી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

આંતરપાકો અને મિશ્ર પાકો

ખારેકનું વાવેતર સામાન્ય રીતે ૮/૮ કે ૧૦/૧૦ મીટરના અંતરે પીલા દ્વારા કરવામાં આવેલ હોય તો શરૂઆતના ત્રણ વર્ષ સુધી ઉત્પાદન મળતું નથી. જ્યારે આ સમયગાળા દરમિયાન ઝાડનો ઘેરાવો ઓછો હોવાથી બે ઝાડ વચ્ચેની ખુલ્લી જગ્યામાં શાકભાજી, ઘાસચારા કે કઠોળવર્ગના પાકો વાવી શકાય. જ્યારે મિશ્રપાક તરીકે ખારેકના બગીચામાં લીંબુ વર્ગનાં બીજોરૂ અને ચીકુનો પણ ઉછેર કરી શકાય છે.

ક્યારે કયું ખાતર આપવું?

ગુજરાતના કચ્છમાં ખારેકના આશરે ૧૫થી ૧૭ લાખ ઝાડ હોવા છતાં દરેક ઝાડમાં વિવિધતા હોવાનાં લીધે પોષક તત્વોની જરૂરીયાત અંગેનું સંશોધન થઈ શક્યું નથી. આમ છતાં ખારેકમાં યોગ્યતમ ઉત્પાદન મેળવવા માટે પુખ્ત વયનાં ઝાડને ૫૦-૧૦૦ કિ.ગ્રા.ઘેટા બકરાંનુ કે સારું કહોવાયેલું છાણિયું ખાતર દર વર્ષે આપવું. આ ઉપરાંત ૧-૧-૧ કિ.ગ્રા. નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આપવા જોઈએ. છાણિયા ખાતર ચોમાસા બાદ આપવું જ્યારે રાસાયણિક ખાતરમાંનો નાઈટ્રોજનનો અડધો જથ્થો જ્યારે ફોસ્ફરસ અને પોટાશ બધો જથ્થો પુષ્પ વિનિયાસ નીકળે તે પહેલા ત્રણ અઠવાડિયા અગાઉ એટલે કે જાન્યુઆરીનાં બીજા અઠવાડિયામાં આપવો જ્યારે નાઈટ્રોજનનો બાકી અડધો જથ્થો માર્ચ-એપ્રિલ માસમાં ફળની વિકાસ અવસ્થાએ આપવો. ખારેકનાં ઝાડમાં ખોરાક લેનાર મૂળ થડની આશરે ૨-૩ મીટર સુધીનાં વિસ્તારમાં પ્રસરેલા અને ૮૫% મૂળ બે મીટર ઉંડાઈ સુધી જમીનમાં હોય છે. આથી ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થાય તે માટે મૂળ વિસ્તારમાં જ ખાતર આપવું જોઈએ.

છાંટણી કેવી કરવી?

ખારેકમાં માત્ર સૂકા પાનની જ છાંટણી કરવી જોઈએ. બિનજરૂરી લીલાં પાન કાપવા નહીં. ફલીનીકરણની પ્રક્રિયા અને ફળો ઉતારવામાં સરળતા રહે તે માટે પાન પરનાં સોયા (કાંટા)ની પણ છાંટણી કરવી. છાંટણી ડિસેમ્બર-જાન્યુઆરી માસમાં કરવામાં આવે છે.

– ડો.એમ.વી. રામદેવપુત્રા

આચાર્ય, પોલીટેકનિક ઈન એગ્રીકલ્ચર, જૂ.કૃ.યુ. ધારી

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન