Diwali pujan muhurt and Pujan vidhi, do this way pujan god will bless you
  • Home
  • Astrology
  • દિવાળીની સાંજે લક્ષ્મી પૂજનની સૌથી સરળ રીતથી મેળવો માના આશીર્વાદ, જાણો મુહૂર્ત વિશે

દિવાળીની સાંજે લક્ષ્મી પૂજનની સૌથી સરળ રીતથી મેળવો માના આશીર્વાદ, જાણો મુહૂર્ત વિશે

 | 7:30 pm IST

દિવાળી એ દિવાનો તહેવાર છે. દિવાઓની શ્રૃંખલા એટલે કે પ્રકાશના પર્વ તરીકે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. દિવાળીની સાંજે શુભ મુહૂર્તમાં માતા લક્ષ્મી, ગણેશજી અને સરસ્વતીજી તેમજ ધનના દેવતા કુબેર અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. દિવાળીની રાતે પૂજામાં કોઈ કમી ન રહે તે માટે પૂજાની સરળ અને આસાન વિધિ જણાવીએ છીએ.

કેવી રીતે કરવી પૂજા?

સ્નાન કરતા પવિત્ર આસન પર બેસીને આચમન કરો. પછી ગણેશજીનું સ્મરણ કરીને પોતાના જમણાં હાથમાં ગંધ, અક્ષત, પુષ્પ, દૂર્વા, ધન અને જળ જેવી વસ્તુઓ લઈને દિવાળી મહોત્સવ નિમિત્તે ગણેશજી, અંબાજી, સૂર્ય ભગવાન, શિવજી અને કૂળદેવીનું સ્મરણ કરવું. તે પછી ગણેશજી મહાલક્ષ્મી, મહા સરસ્વતીની પૂજા કરવાનો સંકલ્પ કરવો. સંકલ્પ મંત્ર ભણીને પછી પાણીનું આચમન મૂકવું.

સંકલ્પ મંત્ર એટલે કે વાક્ય કે ક્યાં દિવસે, ક્યાં વારે, કઈ તિથિ તમે ક્યાં કૂળમાં કોને ત્યાં પુત્ર કે પુત્ર કે પુત્રવધુ તરીકે જન્મેલા છો તે બતાવીને વ્રત કરવાનો સંકલ્પ કરવો.
દા.ત. અત્રાદ્યમ્ મહા માંગલ્યમ્ માસોત્તમ માસે અશ્વિન માસે કૃષ્ણ પક્ષે અમાવાસ્યા તિથો ઈતિ દિવાલી દિને મમ …. ગોત્રસ્ય … શર્મા ગૃહે ઉત્પન્ન પુત્રો/પુત્રી પૂજન મહંમ કરીષ્યે.. એમ બોલીને પાણીનું આમચન મુકવું.

જો તમે પુત્રવધુ તરીકે પૂજા કરતા હોય તો ઉપરનું વાક્ય ગૃહે ઉતપન્ન પુત્રી ઈતિ … ગોત્ર ઉત્પન્ન … શર્મા ગૃહે ઉત્પન્ન … શર્મા ઈતિ ભાર્યા… (પોતાનું નામ) પૂજન મહંમ કરીષ્યે.. એમ બોલીને પાણીનું આચમન મુકવું. આ વાક્યમાં પોતાના ગોત્ર પછી પિતાનું નામ, પછી પોતાનું નામ અને પછી સાસરાનું ગોત્ર, સસરાનું નામ, પતિનું નામ અને પોતાનું નામ લઈને પૂજન સંકલ્પ કરવો.
તે પછી એવી કામના કરવી કે જે દેવી દેવતાનું પૂજન કરું તેનું મને શાસ્ત્રોક્ત ફળ પ્રાપ્ત થાવ.
તે પછી સ્વસ્તિ મંત્ર બોલવો. સ્વસ્તિ મંત્ર બોલ્યા વગરની કોઈ પૂજા ફળતી નથી. કારણ કે ઈન્દ્ર એ દેવોનો રાજા છે. તેથી દેવોના રાજાને યાદ કર્યા વગર કોઈ દેવ ફળ આપવા શક્તિમાન થતાં નથી. માટે સ્વસ્તિ મંત્ર અવશ્ય બોલવો.

તે પછી સૌ પ્રથમ ગણેશજીનું પૂરું વિધિવિધાન સાથે પૂજન કરો. જેમાં આહવાન, સ્થાપન, સ્નાન, પૂજન, અર્ચન, પ્રસાદ, ફૂલ, ફળ, દિવો, ધૂપ, આરતી કરવી. પછી ગણપતિનું સ્તોત્ર, કે પાઠ કરવો. પછી ગણપતિને પ્રાર્થના કરવી.

તેવી જ રીતે પછી લક્ષ્મીજીનું પૂરું વિધિવિધાનથી પૂજન કરો.
લક્ષ્મીજીની પૂજા માટે મહાલક્ષ્મ્યાષ્ટકમ્ કરવું. કનકધારા સ્તોત્ર કે શ્રી સુક્તમ્ કરવું. પછી દેવી લક્ષ્મીને પ્રાર્થના કરવી.

તેવી જ રીતે સરસ્વતીજીનું પૂરુ વિધિવિધાનથી પૂજન કરવું.
ઓમ રીમ નમઃ મંત્રોના જાપ કરવા, કે પછી સરસ્વતી સ્તોત્રનો પાઠ કરવો. પછી સરસ્વતી દેવીને પ્રાર્થના કરવી.

તે પછી જો ચોપડા પૂજન કરવાનું હોય તો હાથમાં ચોખા અને પુષ્પ લો. નવી ખાતાવહી અને પુસ્તકો પર કેસર યુક્ત ચંદનથી  કે પછી કંકુથી સ્વસ્તિકનું ચિહ્ન બનાવી પૂજન કરવું. હાથમાં કંકુને પાણીમાં ધુંટીને તૈયાર કરેલી સ્યાહીથી ઓમ શ્રી ગણેશાય નમઃ, શ્રી સવા એટલે તે 1| લખવું જોઈએ.

જાણી લો પૂજનના મુહૂર્તો અહિં…

કાળીચૌદશના પૂજનના મુહૂર્ત સંધ્યાકાળથી મધ્યરાત્રિ સુધીના હોય છે.

દિવાળીએ ચોપડા પૂજન-શારદા પૂજન માટે

 સવારે ૬.૫૦ મિનિટ થી ૯.૩૦ સુધી, ૧૧.00 મિનિટ થી૧૨.૪૦ સુધી, બપોરે ૧૫.૧૦ મિનિટ થી૧૭.૫૫ સુધી, સાંજે ૧૯.૩૫ મિનિટ થી ૨૪.૨૦ સુધી તેમજ વહેલી પરોઢે પણ શુભમુહૂર્ત છે.

નૂતન વર્ષે શુભ મુહૂર્ત
કારતક સુદ એકમે ગુરુવારે નવી ઓફિસ-દુકાન ખોલવા માટે શુભમુહૂર્ત
સવારે ૬.૫૦ મિનિટ થી૮.૧૦ સુધી તેમજ ૧૧ કલાક મિનિટ થી ૧૫ કલાક સુધી શુભમુહૂર્ત છે.

ભાઈબીજના મુહૂર્ત

કારતક સુદ બીજે અનુરાધા નક્ષત્ર શુભ છે. શુક્રવારે બીજની સવારે ૬.૫૦ મિનિટથી ૧૦.૫૫ સુધી દરમિયાન અનુરાધા નક્ષત્ર શુભ છે. જ્યારે બપોરે ૧૨.00 મિનિટ થી૧૨.૪૦ સુધી અભિજિત મુહૂર્ત પણ શુભ છે.

લાભ પંચમ-સૌભાગ્ય પંચમી-જ્ઞાન પંચમી

તા.૧૨મીના રોજ સવારે ૬.૫૦ મિનિટથી ૮.૧૦ સુધી તેમજ ૯.૩૫ મિનિટથી ૧૦.૫૫ સુધી કલાક શુભ છે. બપોરે ૧૨.00 મિનિટ થી૧૨.૪૦ સુધી દરમિયાન અભિજિત મુહૂર્ત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન