the complete story of the festival of Modheshwari know today
  • Home
  • Astrology
  • મા મોઢેશ્વરીનાં પ્રાગટયોત્સવની સંપૂર્ણ કથા આજે જાણીશું

મા મોઢેશ્વરીનાં પ્રાગટયોત્સવની સંપૂર્ણ કથા આજે જાણીશું

 | 9:00 am IST

પ્રાસંગિક

સમસ્ત મોઢ જ્ઞાતિનાં કુળદેવી માતંગી માતાના મંદિરે મહા સુદ ૧૩ના રોજ પાટોત્સવ ઉજવાય છે. જગત કલ્યાણી મા માતંગી માતાજીનું મંદિર ઉ.ગુજરાતના મહેસાણાથી ૨૦ કિ.મી. અને બહુચરાજી ૧૫ કિ.મી.ના અંતરે આવેલું છે. ઐતિહાસિક સૂર્યમંદિરના કારણે જગવિખ્યાત બનેલું મોઢેરા ‘મા મોઢેશ્વરી માતંગી’ના પવિત્ર બેસણાંને કારણે ગુજરાત સહિત પરપ્રાંતમાં શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર તરીકે જાણીતું બન્યું છે.

સમસ્ત મોઢ જ્ઞાતિનાં લોકો મહા સુદ ૧૩ના રોજ દેશભરમાંથી માતાજીનાં દર્શન માટે અચૂક આ ધામમાં પધારે છે. મોઢેરાનું પ્રાચીન નામ મોહરકપુર હતું. તેની આસપાસનો વિસ્તાર ધર્મારણ્ય તરીકે ઓળખાતો હતો. આ ધર્મારણ્યની સ્થાપના સતયુગમાં થઈ હતી. ત્રેતાયુગમાં તે સત્યમંદિર, દ્વાપરયુગમાં વેદભુવન અને કળિયુગમાં ‘મોહરકપુર’ અને હાલ મોઢેરા નામે ઓળખાય છે. મોઢેરાની આ પવિત્ર ભૂમિમાં વિશ્વનિર્માતા બ્રહ્માજીએ તપ કર્યું હતું. અહીં અનેક ઋષિ મુનિઓનો વાસ હતો.

મોઢેરા સમસ્ત વિશ્વમાં પથરાયેલા મોઢ બ્રાહ્મણ, મોઢ વણિક અને મોઢ મોદીઓની જન્મભૂમિ છે. અહીં ગામનાં દ્વારે જ મોઢેશ્વરી માતાજીનું ભવ્યમંદિર આવેલું છે. ‘મોઢેશ્વરી ‘માતંગી’ માતાજી’નાં દેવસ્થાન તરીકે ઓળખાતા આ પવિત્ર સ્થાનકે બારેય મહિના શ્રદ્ધાળુની ભારે અવરજવર રહે છે અને માતાનાં દર્શન કરી ધન્યતા પામે છે.

મા માતંગીનાં પ્રાગટયનો ઈતિહાસ જાણીએ અને મોઢ બ્રાહ્મણ તથા વણિક અને વિભિન્ન જાતિઓનાં ઉત્પત્તિ વિશે જાણીએ.’બ્રાહ્મણોતત્તિમાર્તન્ડનાં અનુસાર પદ્મકલ્પમાં ભગવાન વિષ્ણુની શેષશૈયા ઉપર યોગનિદ્રામાં મગ્ન શ્રીહરિનાં નાભિ કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા. શ્રી વિષ્ણુના કાનનાં મેલમાંથી બે રાક્ષસ મધુ-કૈટભ ઉત્પન્ન થઈ બ્રહ્માજીને મારવા દોડયા.

બ્રહ્મનો પોકાર સાંભળી શ્રીહરિએ દૈત્યોનો નાશ કર્યો બ્રહ્માને વરદાન માંગવા કહ્યું તો બ્રહ્માજીએ ધર્મારણ્યમાં સર્વોત્તમ તીર્થ બને તેવું માંગ્યું. ત્યારબાદ ત્રણે દેવતા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ દ્વારા ધર્મારણ્ય એટલે મોઢેરામાં ૧૮,૦૦૦ બ્રાહ્મણ ઉત્પન્ન કર્યાં. વિશ્વકર્મા એ આ બ્રાહ્મણોને રહેવા ‘મોહરકપુર’ નામનું સુંદર નગર બનાવ્યું. આ બ્રાહ્મણો મોઢ બ્રાહ્મણો કહેવાયા. ત્યારબાદ વૈશ્યોની ઉત્પત્તિ માટે બ્રહ્માજીએ કામધેનુ ગાયને કામ સોંપ્યું.

કામધેનુ ગાય બે જમણા પગની ખરીથી હુંકાર સાથે જનોઈ ધારી અને શિખાધારી વણિકો ઉત્પન્ન કર્યા. આ વણિકોનાં ગૃહસ્થાશ્રમનાં નિર્વહન માટે સુંદર કન્યા સાથે લગ્ન કરાવવામાં આવ્યા. તેથી જ આ ધનિકોને ‘ગોભુજા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ‘

મોઢ સમાજની અન્ય જ્ઞાતિમાં (૩) મોઢ પટેલ સમાજ (૪) મોઢ માંડલિયા સમાજ (૫) મોઢ મોદી સમાજ છે. આ બધાની કુળદેવી માતંગી અર્થાત્ મોઢેશ્વરી છે. મા માતંગી દસ મહાવિદ્યાઓમાંથી ૯મી વિદ્યા છે. બૌદ્ધોમાં ‘માતાગિરી’નાં નામથી પ્રસિદ્ધ છે. તંત્રવિદ્યામાં મા માતંગી ‘તાંત્રિક સરસ્વતિ’, ‘ઉરિછષ્ટ ચાંડાલિની’, ‘મોહિની’, લઘુશ્યામા રાજમાતંગી, વૈશ્યમાતંગી, ચંડમાતંગી, કર્ણ માતંગી, સુમુખી માતંગી, માતંગેશ્વરી, સારિકાંબા, ‘વાર્તાલી માતંગી’ તરીકે ઓળખાય છે. માતાનાં શિવ ‘માતંગ’ છે. શક્તિ ‘ઉરિછષ્ટ ચાંડાલિની માતંગી’નાં શિવ ‘ઉચ્છિટ ચાંડાલ માતંગ’ છે.

પૌરાણિક શાસ્ત્રો અનુસાર વૈશાખ સુદ ૧૩ના રોજ દેવી માતંગીની જયંતી મનાવવામાં આવે છે. જે આ વર્ષે ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૯ રવિવારનાં રોજ મનાવવામાં આવશે. આવા મોઢેરામાં મા વિપ્રો અને વણિકોનાં રક્ષણ કાજે બિરાજમાન છે. કર્નાટ નામનાં રાક્ષસનો વધ કરવા માટે સ્વયં પ્રગટ થયા. વિશેષ રૂપથી મહા મહિનાની ત્રીજના દિવસે વડની નીચે પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે.

આ ઉપરાંત મોઢનાં ઈષ્ટદેવ શ્રીરામ છે. તેમણે પણ મા માતંગીનું પૂજન કરી બ્રહ્મહત્યા (રાવણ વધ) માંથી મુક્તિ મેળવી. કહેવાય છે કે, વસિષ્ઠ મુનિ સાથે બ્રહ્મહત્યાનિવારણ હેતુ ધર્મારણ્યમાં પ્રવેશતી વખતે ઘોડા, હાથી વગેરે રોકાઈ ગયા. ત્યાં કુલગુરુ વસિષ્ઠે રામને જણાવ્યું કે, અહીં મા માતંગીનો વાસ હોવાથી ચાલીને જ જવું પડશે.

ત્યાં શ્રીરામે નદીકિનારે પડાવ કરી નદીમાં સ્નાન કરી મા માતંગીનાં દર્શન કર્યા અને દેવીની આજ્ઞાનુસાર ‘ધર્મારણ્ય’નો પુનરુધ્ધાર કરવાનો સંકલ્પ કર્યો. શ્રી રામે બ્રાહ્મણોને ૪૪ ગામ દાનમાં આપ્યા તથા હનુમાનજીએ વૈશ્યોને સાથે લઈ ખેતીનો આરંભ કર્યો. શ્રી રામે ધર્મારણ્યનાં પુનરુધ્ધારનાં સંસ્મરણમાં મોઢ વણિકોને એક ખડક અને બે ચમ્મર ભેટ આપ્યા. તે દિવસથી વર પોતાના વિવાહ સમયે ૧ તલવાર અને બે ચમ્મર રાખે છે.

જે વૃક્ષ નીચે સૂર્યપત્ની સંજ્ઞાએ તપ કર્યું હતું ત્યાં શ્રીરામે બહુલાર્ક નામનું સૂર્યનું ભવ્ય મંદિર બંધાવ્યું. જ્યાં શ્રી રામે સ્વયં કુલસ્વામી સૂર્યની મૂર્તિ પ્રસ્થાપિત કરી. આજે પણ આ સૂર્યમંદિરનાં અવશેષો એજ રૂપમાં સ્થિત છે. આગળ વધતાં મોહરકપુરમાં કનૌજ નામનાં રાજાનું રાજ્ય શરૂ થયું. તેઓ વૈષ્ણવધર્મ છોડી બૌદ્ધધર્મ અપનાવ્યો.

તેની પુત્રી ગંગાનાં વિવાહ વલ્લભીરાજા સાથે કર્યા. તેણે બ્રાહ્મણોનાં અધિકાર છીનવી લીધા. ચતુર્વેદી બ્રાહ્મણ ૧૫,૦૦૦માંથી ૨૦, ત્રિવેદીમાં ૧૧ અને આવી રીતે કુલ ૩૧ બ્રાહ્મણો હક લેવા રામેશ્વર પહોંચ્યા. તેનાં ચતુર્વેદી પાછા આવ્યા. બાકીનાં રામેશ્વર ગયા. પરંતુ ત્યાં સુધીમાં અહીં ઘણી પરિસ્થિતિ બદલાઈ ચૂકી હતી.

વિદ્રોહીનાં આક્રમણોથી પ્રજા અને વસ્તી અલગ દિશામાં વિખેરાઈ ગઈ હતી. જે અડાલજ ગામમાં ગયા તે ‘અડાલજ’ અને માંડલગામમાં ગયા તે ‘માંડલિયા’ કહેવાયા. મુખ્યત્વે તે વણિક હતા. ખેતી કરતા લોકો ‘પટેલ’ સમાજ, તેલનું કામ કરવાવાળા ‘ચંપાનેરી મોઢ’ અને ફોડી ચલાવવાવાળા ‘મધુકર મોઢ’થી જાણવામાં આવ્યા. સન્ ૧૩૪૬માં ગુજરાતમાં મુસ્લિમ સત્તા આવી અને ગુજરાતનાં મંદિરો ધ્વસ્ત થવા લાગ્યા.

મોઢેરાનાં બ્રાહ્મણો વિકટ પરિસ્થિતિમાં સ્વયં અને પરિવાર તથા સમાજની રક્ષા માટે વચનબદ્ધ હતા. મંધવ્યગોત્રનાં પરાક્રમી બ્રાહ્મણ સુભટ વિઠ્ઠલેશ્વર મોઢે બધી જ્ઞાતિ સેના સંગઠિત કરી શત્રુઓને હરાવ્યા. અંતે સુલહ થઈ કે, બ્રાહ્મણો- મુસ્લિમોને ૫૦૦૦ સોનાની મુદ્રાઓ આપશે તો મુસ્લિમ પોતાનાં ઘર જમીન પાછાં આપી દેશે.

પરંતુ મોઢ બ્રાહ્મણો સાથે વિશ્વાસઘાત થયો. મોઢેરા ગામનાં દરવાજા ખુલતાં જ મુસ્લિમ સૈનિકોએ આક્રમણ કર્યું અને મોઢેરાને લંૂટી લીધું. સૂર્યમંદિર તોડી નાખ્યું. માતંગી માતાની મૂર્તિ ખંડિત કરવા આવતા બ્રાહ્મણોએ ‘માતંગી માતા’ની મૂર્તિને જમીનમાં વાવમાં સાંકળોથી બાંધી સમાહિત કરી દીધી. તેને ‘ધર્મવાવ’ તરીકે ઓળખાય છે. જે દિવસે વાવમાં મૂર્તિ ઉતારી તે દિવસ ‘ધૂળેટી’નો હતો.

બ્રાહ્મણોએ મૂર્તિ વાવમાં ઉતારી તે ‘માતંગીની મૂળ મૂર્તિ આજે પણ વાવમાં છે. કારણ કે, જ્યારે ભયથી મૂર્તિ વાવમાં ઉતારી ત્યારે પ્રતિજ્ઞા લેવાઈ કે ‘મા માતંગી’ સમક્ષ એક સાથે સવા લાખ કિલો મીઠુંનો ઉપયોગ ભંડારામાં નહીં કરાય ત્યાં સુધી મૂર્તિને બહાર લાવવામાં નહીં આવે. આજ કારણથી મૂર્તિ ધર્મવાવમાં જ છે અને સંવત ૧૮૬૬નાં મહા સુદ ૧૩નાં દિવસે તેની પ્રતિકૃતિ મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દ્વારા મોઢેરાનાં મંદિરમાં ‘મા માતંગી’નાં પૂર્ણોધ્ધાર થયો.

આ દિવસે મંદિરમાં કન્યાને પૂજવામાં આવે છે. ભજન-કીર્તન કરવામાં આવે છે. મા માતંગી ‘મોઢેશ્વરી’ આગળ પોતાની મનોકામના કાગળમાં લખીને મૂકવાથી પૂરી થાય છે. તે વિદ્યા અને સંગીતની દેવી છે. તે વૈવાહિક સુખ આપનારી છે. મા માતંગી ક્ષમતાની સૂચક છે. હિંદુ ધર્મ અનુસાર મા માતંગીને લાડુનો પ્રસાદ ધરાવાય છે. આ દિવસે માનું ધ્યાન ધરી દર્શન કરવાથી દાન-પુણ્ય કરવાથી સુખ-સમૃદ્ધિ મળે છે.

  • ડો. મૌલી રાવલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન