Kurma avtar is a second avtara of lord Vishnu, sisnce it has been celebrated kurma dwadshi
  • Home
  • Astrology
  • જાણો કેમ મનાવવામાં આવે છે કૂર્મ દ્વાદશી

જાણો કેમ મનાવવામાં આવે છે કૂર્મ દ્વાદશી

 | 3:03 pm IST

પોષ સુદ બારસને કૂર્મ દ્વાદશી તરીકે ઉજવવામાં આવે છે. કૂર્મ એ ભગવાન વિષ્ણુનો બીજો અવતાર છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન કૂર્મ રૂપે પૃથ્વી પર અવતર્યા હતા. આ દિવસે ભગવાન વિષ્ણુના આ સ્વરૂપની પૂજાથી મનોકામના પરિપૂર્ણ થાય છે. આવો જાણીએ કૂર્મ દ્વાદશીની કથા….

એક વાર અસુરોએ દેવતાઓ પર આક્રમણ કરી દીધું. એટલું જ નહિં તેમને હરાવીને દૈત્યરાજ બલિએ સ્વર્ગ પર કબજો કરી લીધો. ત્રણેય લોકમાં બલિરાજાનું શાસન સ્થાપિત થઈ ગયું. તો બીજી બાજુ અસુરોનો ત્રાસ વધી ગયો. ત્રણેય લોકમાં હાહાકાર ફેલાઈ ગયો. તમામ દેવતા ભગવાન વિષ્ણુ પાસે ગયા અને તેમની પાસેથી મદદ માંગી. ભગવાન વિષ્ણુએ તેમને સમુદ્ર મંથન કરીને અમૃત પ્રાપ્ત કરવા અને તેનું પાન કરીને ખોવાયેલી પોતાની શક્તિઓને પુનઃ પ્રાપ્ત કરવા માટે સૂચન કર્યું. આમછતાં આ કાર્ય એટલું સરળ નહોતું કે એકલે હાથે થઈ શકે. વળી દેવતાઓ તો અત્યંત નિર્બળ થઈ ગયા હતા. આથી સમુદ્ર મંથન કરવું એ તેમના માટે સામર્થ્યની વાત નહોતી. આથી આ સમસ્યાનું સમાધાન પણ ભગવાન વિષ્ણુએ જ બતાવ્યું. તેમણે દેવતાઓને કહ્યું કે જઈને અસુરોને અમૃત અને તેનાથી પ્રાપ્ત થતા અમરત્વની વાત કરો. તેમને સમુદ્ર મંથન કરવા માટે મનાવી લો.

જ્યારે દેવતાઓએ આ વાત અસુરોને જણવી તો પહેલાં તો તેમણે ના પાડી દીધી. પછી વિચારવા લાગ્યા કે જો અમે પોતે જ સમુદ્ર મંથન કરી લઈએ તો બધું જ અમને મળી જશે. આમછતાં એકલા સમુદ્ર મંથન કરવું એ તેમના પણ બસની વાત નહોતી. અંતે અમૃતની લાલચમાં તે દેવતાઓની સાથે મળીને સમુદ્ર મંથન કરવા સહમત થયા. બંને પક્ષો ક્ષીર સાગર પર આવી પહોંચ્યા. મંદરાચલ પર્વતને વલોણું બનાવ્યું અને વાસુકી નાગને દોરડું બનાવ્યું. પછી સમુદ્ર મંથન શરૂ કર્યું. ત્યારે મંથન દરમિયાન થોડા જ સમયમાં મંદરાચલ પર્વત સમુદ્રમાં ધસવા લાગ્યો.

ત્યારે ભગવાન વિષ્ણુએ કૂર્મ(કચ્છપ એટલે કે કાચબા)નો અવતાર ધારણ કર્યો. મંદરાચલ પર્વતને પોતાની પીઠ પર ધારણ કર્યો. પછી સમુદ્ર મંથનનો પ્રારંભ કરવામાં આવ્યો. ભગવાન વિષ્ણુના આ કાચબાના અવતારને કૂર્મ અવતાર કહેવામાં આવે છે. તેના ફળ સ્વરૂપે સમુદ્રમાંથી અનેક જીવ અને બહુમુલ્ય રત્નો તેમજ અનેક નિધિઓ, જીવ-જંતુ, ધોડો, દેવી લક્ષ્મીની ઉત્પતિ થઈ. અંતે દેવતાઓને અમૃતની પ્રાપ્તિ થઈ.

પૂજન વિધિ
કૂર્મ દ્રાદશીના દિવસે સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ અને તે પછી પૂરા સાત્વિક આચરણનું પાલન કરવું જોઈએ. તે પછી ભગવાન કૂર્મનું પૂજન કરવું જોઈએ. તે પછી પ્રસાદ ગ્રહણ કરવા જોઈએ. આ દિવસે મંદિર જઈને ભગવાન વિષ્ણુ અને તેમના કૂર્મ અવતારના દર્શન કરવા જોઈએ.

કૂર્મ દ્વાદશીનું મહત્વ
એવું માનવામાં આવે છે કે કૂર્મ દ્વાદશીનું વ્રત જો પૂરી ભાવના અને સાચા મનથી કરનારા મનુષ્યને તમામ પાપ દૂર થઈ જાય છે. અને તેને સમસ્ત અપરાધોના દંડમાંથી મુક્તિ મળી જાય છે. તે સાથે જ મનુષ્ય સંસારના સમસ્ત સુખ ભોગવીને અંતે મોક્ષને પ્રાપ્ત કરી લે છે.