જ્ઞાન અને ભક્તિ એટલે ઇશ્વર તરફ જવા માટેનો રાજમાર્ગ - Sandesh
  • Home
  • Supplements
  • Shraddha
  • જ્ઞાન અને ભક્તિ એટલે ઇશ્વર તરફ જવા માટેનો રાજમાર્ગ

જ્ઞાન અને ભક્તિ એટલે ઇશ્વર તરફ જવા માટેનો રાજમાર્ગ

 | 12:43 am IST

ગીતાસાર

“ યદા સંહરતે ચ અયમ કૂર્મઃ અંગાનિ ઇવ સર્વશઃ ।

ઇન્દ્રીયાણિ ઇન્દ્રીયાર્થેભ્યઃ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠાતા ।। ૨/૫૮ ।।

અર્થ :

“ કાચબો બધી બાજુથી જેમ પોતાના અંગો સંકોરી લે છે તેવી જ રીતે જ્યારે પુરુષ ઇન્દ્રીયોને તેના વિષયોમાંથી સર્વ પ્રકારે ખેંચી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે.”

બુદ્ધિને જ્ઞાનમાં સ્થિર કરવી હોય તો પુરુષે શું કરવું જોઇએ તેનો ઉપાય અહીં બતાવ્યો છે. કાચબો દરિયામાં કે કોઇ જળાશયમાં તરતો હોય છે ત્યારે તેના પગ ડોક વગેરે બહાર કાઢતો હોય છે, પણ જ્યારે તેને કોઇ ભય દેખાય છે ત્યારે તે તેના પગ માથું તેમ જ જે કોઇ અંગ તેના કઠણ કોચલાની બહાર હોય છે તેને તે પોતાના દેહની અંદર પરત ખેંચી લે છે અર્થાત્ સંકોરી લે છે. તેવી રીતે મનુષ્ય પોતાની ઇન્દ્રીયોને તેના સંબંધિત વિષયોમાંથી સંકોરી લે તો પછી તેને માટે જ્ઞાનનો – ભક્તિનો ઇશ્વર તરફ્નો માર્ગ ખુલ્લો થાય છે. તેની બુદ્ધિ કે મન આમ તેમ ભટકવાનું બંધ કરી દે છે તેથી તેનું મન ઇશ્વર તરફ્ ખેંચાવા લાગે છે અને તેને પ્રભુનું ધ્યાન થવા લાગે છે તેમ પણ કહી શકાય. બુદ્ધિ જ્ઞાનમાં સ્થિર થાય તે પછી તે મનુષ્યને કોઇ ચિંતા કે પ્રશ્નો સતાવતા નથી, કેમ કે જેને જ્ઞાન થઇ જાય છે તેને સુખ કે દુઃખની કોઇ વિશેષ અસર પડતી જ નથી. એટલે આપણે બુદ્ધિને જ્ઞાનમાં સ્થિર કરવા સારું ઇન્દ્રીયોને વિષયોમાંથી ફરેગ કરવી જ પડશે. અસ્તુ.

–              અનંત પટેલ

–              [email protected]