જ્ઞાનમાં ચડિયાતું કોણ? ગુરૂ કે ગૂગલ? - Sandesh
NIFTY 10,700.45 -41.10  |  SENSEX 34,771.05 +-72.46  |  USD 64.0325 +0.55
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • જ્ઞાનમાં ચડિયાતું કોણ? ગુરૂ કે ગૂગલ?

જ્ઞાનમાં ચડિયાતું કોણ? ગુરૂ કે ગૂગલ?

 | 4:29 am IST

કેળવણીના કિનારે :- ડો. અશોક પટેલ

આજના ટેક્નોલોજિકલ જમાનામાં કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારની માહિતીની જરૂર ઊભી થાય તો તરત જ તે ગૂગલ પાસે પહોંચી જાય છે. દુનિયાનું કોઈપણ ક્ષેત્ર એવું નહીં હોય કે જેના વિષે ગૂગલ પાસે માહિતી ના હોય. શિક્ષણ, આરોગ્ય, અવકાશ, ખેતીવાડી કે અન્ય ગમે તે ક્ષેત્ર લો, તમને જોઈતી માહિતી ગૂગલ આપી દે છે. આ લેખકે ૨૦૦૦ની સાલમાં લખ્યું હતું કે, હવે પછી અભણની વ્યખ્યા બદલાઈ જશે, હવે અભણ વ્યક્તિ એને કહેવાશે કે જે ઇન્ટરનેટનો ઉપયોગ જાણતી નથી તે અભણ. હકીકતમાં એ સત્ય સાબિત પણ થઈ ગયું છે. આજે અક્ષરજ્ઞાન વગરની વ્યક્તિ પણ મોબાઇલનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ વાપરતી થઈ ગઈ છે. આજે કોઈ વ્યક્તિ ગૂગલનો ઉપયોગ ના કરતી હોય તો બીજી વ્યક્તિ સલાહ પણ આપશે કે, ગૂગલનો ઉપયોગ કરો ને અથવા તો પૂછે છે કે, તમે ગૂગલનો ઉપયોગ નથી કરતા? આજે ગૂગલનું મહત્ત્વ વધી ગયું છે, ત્યારે સ્વાભાવિકપણે પ્રશ્ન થાય કે, ચડિયાતું કોણ? ગુરૂ કે ગૂગલ? તેના અનુસંધાનમાં મોટાભાગની વ્યક્તિઓનો જવાબ હશે કે, ગુરૂ જ ચડિયાતા હતા, છે અને રહેશે. ગુરૂનું સ્થાન ગૂગલ કયારેય નહીં લઈ શકે. ગૂગલ કરતાં ગુરૂ ચડિયાતા હોવા પાછળની કેટલીક દલીલો જોઈએ.

પ્રથમ તો ગૂગલ સુધી પહોંચવાનો રસ્તો જ ગુરૂ બતાવે છે. ગુરૂ હતા કે છે તો ગૂગલ આજે છે. ગૂગલની શોધ કરનાર કે તેને ચલાવનાર ગુરૂ જ છે. આ રીતે જોતાં ગુરૂ જ ગૂગલ કરતાં ચડિયાતા છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં જણાવેલ છે કે, ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ વગેરે. કયાંય એવું સંભાળવા મળ્યું કે, ગૂગલ બ્રહ્મા, ગૂગલ વિષ્ણુ….. વગેરે. હા, ગુરૂ વિષે જ્યારે ઉપરોક્ત કહેવાયું ત્યારે ગૂગલ નહોતું. આજે ગૂગલ છે તો પણ એ જ કહેવાય છે કે, ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ… એક બીજું વાકય પણ છે કે, ગુરૂ બિના જ્ઞાન નહીં. આ સંપૂર્ણ સાચું જ છે. જ્ઞાન આપે તે ગુરૂ છે. જ્ઞાન સુધી ગુરૂ જ પહોંચાડે છે. ગૂગલ જે આપે છે તે તો માત્ર માહિતી છે, ગૂગલ માહિતી આપી શકે, જ્ઞાન ના આપી શકે. માહિતી અને જ્ઞાન વચ્ચે ખૂબ જ મોટું અંતર છે. માહિતી કરતાં જ્ઞાન ખૂબ જ ઉચ્ચ કક્ષાએ છે, માટે જ ગૂગલ કરતાં ગુરૂ ચડિયાતા છે. એલેકઝાંડરે કહેલું કે, માતા-પિતા તો જન્મ આપે છે પણ જીવનનો સાચો રસ્તો ગુરૂ જ બતાવે છે. ગુરૂ તમને કહેશે કે, આ યોગ્ય છે અથવા તો નથી. સમય આવ્યે તમારા કાન પકડીને તમારી પાસે કબૂલ પણ કરાવશે અને સાચા રસ્તે જ જવાનો આગ્રહ રાખશે, જ્યારે ગૂગલ તો તમને અનેક રસ્તા બતાવશે. નક્કી તમારે કરવાનું છે કે તમે કયા રસ્તે જશો, ભલેને પછી તમે ખાડામાં જ કેમ ના પડો, જ્યારે ગુરૂ તો ખાડામાં પડવા જ ના દે. તમે અયોગ્ય રસ્તે જતા હશો તો તમને રોકશે, તમે માનશો નહીં તો દબાણપૂર્વક પણ તમને અયોગ્ય કરવા નહીં જ દે. ગૂગલને તમે રસ્તો પૂછો તો તમને એક કરતાં વધુ રસ્તા બતાવશે, જ્યારે ગુરૂ વધુ રસ્તા બતાવશે પણ સાથે કયા રસ્તે જવું જોઈએ અને કયા રસ્તે ના જવું જોઈએ તે પણ કહેશે. માત્ર કહેશે એટલું જ નહીં પણ શા માટે જે તે રસ્તે ના જવું જોઈએ અને શા માટે અમુક ચોક્કસ રસ્તો જ પકડવો જોઈએ તેનાં કારણો પણ આપશે, માટે જ ગુરૂ ચડિયાતા કહેવાય. ગૂગલ પ્રશ્નનો જવાબ આપે છે પણ શા માટે તે નથી જણાવતું.

કોઈ એવી દલીલ કરી શકે કે, આજના ગુરૂ પણ ગૂગલનો સહારો લે જ છે ને? તો અહીં કહેવાનું મન થાય કે, ગૂગલ એ સાધન છે, સાધ્ય નથી. આજના ગુરૂઓ ગૂગલનો ઉપયોગ કરે તેમાં કશું જ ખોટું નથી. વર્ગખંડમાં શિક્ષણ આપવા માટે જેમ નકશાનો ઉપયોગ થાય છે, ચાર્ટ-ચિત્રોનો ઉપયોગ થાય છે, તે બધાં સાધનો છે, તેમ ગૂગલને પણ એક સાધન જ કહી શકાય. ચાર્ટ-ચિત્રો-નકશા વગેરેનો ઉપયોગ કરવાથી શિક્ષક નાનો બની જતો નથી, તેમ ગૂગલનો ઉપયોગ કરનાર શિક્ષક પણ ગૂગલ કરતાં નાનો થઈ જતો નથી.

ગૂગલ વ્યક્તિને માહિતી આપે છે. આ સમયે ગૂગલ અને વ્યક્તિ વચ્ચે માત્ર જ્ઞાનાત્મક સંબંધ હોય છે, જ્યારે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જ્ઞાનાત્મક ઉપરાંત સંવેગાત્મક સંબંધ પણ હોય છે. ગુરૂમાં લાગણી હોય છે, જ્યારે ગૂગલમાં લાગણી જેવું હોતું નથી. વિદ્યાર્થીની કોઈ મર્યાદા શિક્ષકને રાત્રે કયારેક ઊંઘવા પણ નથી દેતી. આ રીતે વિદ્યાર્થી અને શિક્ષકનો સંબંધ વિશિષ્ટ પ્રકારનો છે. જે સંબંધ ગૂગલ ના બાંધી શકે. આ તફાવત જ ગુરૂને ગૂગલ કરતાં અનેકગણા ચડિયાતા બતાવે છે. ધારો કે, એક વર્ગમાં પચાસ વિદ્યાર્થી બેઠા છે. તેમની સામે કોઈ સમસ્યા કે પ્રશ્ન ઊભા થયા છે, તેઓ આ સમસ્યા નિવારવા કે પ્રશ્નનો ઉકેલ મેળવવા માટે ગૂગલને પૂછે તો ગૂગલ બધા જ વિદ્યાર્થીને એક સમાન જવાબ આપશે, જ્યારે શિક્ષકને પૂછવામાં આવશે તો શિક્ષક લાગણી અને પ્રોત્સાહનનો સહારો લઈને વિદ્યાર્થીની શક્તિ, વાતાવરણ, મર્યાદા વગેરેને ધ્યાનમાં રાખી જુદા જુદા વિદ્યાર્થીને જુદો જુદો જવાબ આપી શકે. વર્ગમાં આવતા વિદ્યાર્થી જુદાં જુદાં વાતાવરણમાંથી આવે છે, કોઈ હોશિયાર તો કોઈ નબળો હોય છે, જેથી શિક્ષક બધાને એક જ લાકડીએ નહીં હાંકે, જ્યારે ગૂગલ તો બધાને એક જ લાકડીએ હાંકશે. વિદ્યાર્થી બદલાય એટલે શિક્ષકની સમજાવવાની રીત, રજૂઆતની રીત વગેરે બદલાઈ જાય છે, જ્યારે ગૂગલ આવો કોઈ બદલાવ કરી શકતું નથી. આ બાબત ગૂગલ અને ગુરૂનાં સ્થાનને અલગ પાડવામાં ખૂબ જ મહત્ત્વની બની રહે છે.

સમાજમાન્ય ન હોય તેવી કોઈ માહિતી કોઈ વ્યક્તિને જોઈતી હશે તો ગૂગલ તરત જ તે આપી દેશે, જ્યારે વિદ્યાર્થી આવી માહિતી મેળવવા માટે શિક્ષકને પૂછવાની હિંમત પણ કરી શકતો નથી અને ધારો કે વિદ્યાર્થી હિંમત કરીને પૂછશે તો શિક્ષક તેવી માહિતી આપશે નહીં અને સમજાવશે કે તે અયોગ્ય રસ્તે જઈ રહ્યો છે, તેને સાચા રસ્તે વાળવાના તમામ પ્રયત્નો કરશે. આજની અણસમજુ વ્યક્તિને આડા પાટે ચડાવવામાં ગૂગલની ભૂમિકા ખૂબ જ મોટી રહી છે. આવા આડે પાટે ચડેલાને સાચા રસ્તે લાવવાનું કામ ગુરૂ જ કરી શકે છે. ઘણી વાર એવું પણ બને છે કે, જ્યાં મા-બાપ નિષ્ફળ જાય છે ત્યારે તેઓ પણ પોતાના બાળકના ગુરૂ પાસે જ આવે છે. દવા નહીં પીતું બાળક મા-બાપનું નથી માનતું પણ ગુરૂ કે શિક્ષક જો બાળકને દવા પીવાનું કહેશે તો બાળક તરત જ દવા પી લેશે. ગૂગલ આ નહીં કરે, માટે જ ગુરૂ એ ગૂગલ કરતાં શ્રેષ્ઠ છે, ચડિયાતા છે, જે નિર્વિવાદ બાબત છે.