જ્ઞાન ડહાપણ નથી - Sandesh

જ્ઞાન ડહાપણ નથી

 | 12:05 am IST

સૂક્ષ્મ સત્ય :- જે. કૃષ્ણમૂર્તિ

આપણે જ્ઞાનની શોધમાં, આપણી સંગ્રહખોર ઈચ્છાઓ પાછળ આપણે પ્રેમ ગુમાવી રહ્યા છીએ. આપણે સૌંદર્ય પ્રત્યેની સંવેદના અને લાગણીને કુંઠિત કરી રહ્યા છીએ, ક્રૂરતા પ્રત્યેની આપણી સંવેદનશીલતાને આપણે બૂઠી બનાવી રહ્યા છીએ; આપણે વધારે જાણકાર (તજ્જ્ઞા) બની રહ્યા છીએ અને ઓછી માત્રામાં પૂર્ણ બનીએ છીએ. જ્ઞાન સમજણનું સ્થાન લઈ શકે નહીં, ભલે ગમે તેટલા ખુલાસા આપીએ, ભલે આપણે હકીકતોનો ગમે તેટલો સંગ્રહ કરીએ, પરંતુ તે આપણને દુઃખથી મુક્ત નહીં કરી શકે. જ્ઞાન જરૂરી છે, વિજ્ઞાનને તેનું સ્થાન છે જ; પરંતુ જો જ્ઞાનથી મન અને હૃદય ગૂંગળાઈ જાય અને જો દુઃખનાં કારણોને દૂર ન કરી શકાય, તેનાં કેવળ ખુલાસા જ અપાય તો જીવન વ્યર્થ અને અર્થહીન બની જાય છે.

માહિતી, હકીકતોનું જ્ઞાન, જો કે હંમેશાં વધતું જ જાય છે- છતાં તેની પ્રકૃતિ મુજબ તે કાયમ મર્યાદિત જ રહે છે. જ્યારે સમજણ અનંત છે, તે જ્ઞાન અને કામ કરવાની રીતને આવરી લે છે; પરંતુ આપણે ડાળીને પકડીને એમ વિચારીએ છીએ કે તે આખું વૃક્ષ છે. જ્ઞાનના અંશ દ્વારા આપણે ક્યારેય આખી વસ્તુના પરમ આનંદનો ખ્યાલ ન મેળવી શકીએ. બુદ્ધિ ક્યારેય કોઈપણ વસ્તુનો સમગ્રલક્ષી ખ્યાલ ન આપી શકે કારણ કે તે કેવળ એક ભાગ-અંશ-ટુકડો છે.

આપણે બુદ્ધિને લાગણીથી અલગ કરી છે અને બુદ્ધિને લાગણીના ભોગે વિકસિત કરી છે. આપણે ત્રણ પાયાવાળી એવી ખુરશી જેવા છીએ કે જેનો એક પાયો બીજા બે પાયા કરતાં ઘણો મોટો છે, અને આપણે સંતુલન જાળવી શક્તા નથી. આપણને બૌદ્ધિક બનવા માટે તાલીમ આપવામાં આવી છે; આપણું શિક્ષણ આપણી બુદ્ધિને તીક્ષ્ણ, કુટિલ, લોભી બનાવે છે, અને તેથી તે આપણા જીવનમાં સહુથી વધારે અગત્યની ભૂમિકા ભજવે છે. પ્રજ્ઞા બુદ્ધિ કરતાં અનેકગણી ચડિયાતી છે, કારણ કે તે તર્ક અને પ્રેમનું સાયુજ્ય છે; પરંતુ એવી પ્રજ્ઞા ત્યારે જ હોઈ શકે કે જ્યારે આપણને સ્વ-જ્ઞાન હોય, ખુદ વિશેની સમગ્ર પ્રક્રિયાની ઊંડી સમજણ હોય.