નોલેજ ઝોન : પશુ-પંખીનાં બચ્ચાં જલદી કેમ મોટાં થઈ જાય છે? - Sandesh
  • Home
  • Kids Corner
  • નોલેજ ઝોન : પશુ-પંખીનાં બચ્ચાં જલદી કેમ મોટાં થઈ જાય છે?

નોલેજ ઝોન : પશુ-પંખીનાં બચ્ચાં જલદી કેમ મોટાં થઈ જાય છે?

 | 3:01 pm IST

માનવીનું બાળક એક વરસનું થાય ત્યારે માંડ પા પા પગલી પાડતાં શીખે છે, જ્યારે બિલાડી, કૂતરો, મરઘી કે ચકલીનાં બચ્ચાં એક વર્ષમાં પૂરેપૂરાં મોટાં થઈ જાય. ઘણી વખત એવો વિચાર આવતો હશે કે આવું કેમ થાય છે?

બચ્ચું જન્મ્યા પછી એનું શરીર કઈ ઝડપે વધે એનો આધાર જે તે પશુ-પંખી કેટલાં વર્ષ જીવે છે એની ઉપર હોય છે. જે જાનવર જેટલું ઓછું જીવતું હોય તેમ એનાં બચ્ચાંનું શરીર ઝડપથી વધવા માંડે છે. મરઘી પાંચ કે સાત વર્ષ માંડ જીવે છે એટલે મરઘીનાં બચ્ચાં ઈંડાંમાંથી નીકળ્યાં નથી કે બે-ચાર કલાકમાં પોતાની મેળે ચણતાં શીખી જાય છે અને ચાર-પાંચ મહિનામાં મોટાં થઈ જાય છે. કૂતરો લગભગ વીસ વર્ષ જીવે છે એટલે એનાં બચ્ચાં એક-દોઢ વર્ષે મોટાં થાય છે. માણસનું બાળક પાંચ વર્ષે જેટલું શીખી જાય, જેટલું મોટું થાય એટલું શીખવામાં, એટલાં  મોટાં થવામાં કૂતરાંનાં ગલૂડિયાને એક જ વર્ષ લાગે.

મોટા થવામાં બીજું કારણ પશુ-પંખીની હોશિયારી ઉપર પણ છે.

પશુ-પંખી જેમ બુદ્ધિશાળી હોય તેમ ઊંચાં કુળનાં ગણાય છે. માણસનું મગજ સહુથી અટપટું છે. શરીરના પ્રમાણમાં મગજ પણ વધવું જોઈએ. મગજને વધતાં ખૂબ સમય લાગે છે એટલે જે જાનવરનું મગજ જેટલું ઓછું બુદ્ધિશાળી હોય તેમ તેને બનતાં ઓછો સમય લાગે. એ રીતે એનું શરીર ઝડપથી મોટું થતું જાય.