Kohli Brigade will workout at home in lockdown, 'fitness plan' ready for each player
  • Home
  • Corona live
  • લોકડાઉનમાં કોહલીબ્રિગેડ ઘરમાં રહીને વર્કઆઉટ કરશે, પ્રત્યેક ખેલાડી માટે ‘ફિટનેસ પ્લાન’ તૈયાર

લોકડાઉનમાં કોહલીબ્રિગેડ ઘરમાં રહીને વર્કઆઉટ કરશે, પ્રત્યેક ખેલાડી માટે ‘ફિટનેસ પ્લાન’ તૈયાર

 | 7:30 am IST

કોરોના વાઇરસના કારણે વિશ્વના અન્ય દેશોની જેમ ભારત સરકારે પણ પૂરા દેશને લોકડાઉન કરી દીધું છે. આ સ્થિતિમાં ભારતીય ક્રિકેટર્સ પણ પોતાના ઘરે પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. જોકે સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ નિક વેબ તથા ફિઝિયો નીતિન પટેલે સાથે મળીને ભારતીય ટીમના ખેલાડીઓ માટે ઇન્ડોર વર્કઆઉટ પ્લાન તૈયાર કર્યો છે. જેના કારણે તમામ ખેલાડીઓ જ્યારે પણ સિઝન શરૂ થાય ત્યારે સંપૂર્ણ ફિટ જોવા મળશે.

ટીમ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે વેબ અને પટેલે બીસીસીઆઇ સાથે કરારબદ્ધ તમામ ખેલાડીઓ માટે ચોક્કસ ફિટનેસ પ્લાન તૈયાર કર્યા છે જેના કારણે ખેલાડીઓ ઘરે રહીને પણ પોતાની રોજિંદી કસરતો કરીને ફિટ રહી શકશે.

અધિકારીએ એમ પણ ઉમેર્યું હતું કે તમામ ખેલાડીઓ, પછી તે ટેસ્ટ ક્રિકેટ રમતો હોય કે પછી મર્યાદિત ઓવર્સની બંને ફોર્મેટ, તમામ માટે એક વિશેષ ફિટનેસ રૂટિન આપવામાં આવ્યા છે અને પ્રત્યેક ખેલાડીએ તેને લાગુ કરવો પડશે.

દરેક ખેલાડીએ વેબ તથા પટેલને આ બાબતની નિયમિત જાણકારી આપવી પડશે. આ રૂટિન ખેલાડીઓની માગણીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. દાખલા તરીકે પેસ બોલર માટે જે કસરતો આપવામાં આવી છે તે કોર તથા લોઅર બોડીને મજબૂત કરવા માટેની છે. આ રીતે બેટ્સમેનોને જે કસરતો આપવામાં આવી છે તેનાથી તેમના ખભા તથા કાંડા મજબૂત થશે.

અધિકારીએ જણાવ્યું હતું કે ફિટનેસ પ્રોગ્રામ ખેલાડીઓના વર્કઆઉટ પેટર્નને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. જેમકે કોહલીને વેઇટની સાથે કસરતો કરવાનું પસંદ છે તો તેના વર્કઆઉટમાં વજન ઉઠાવવાની કસરતોને સામેલ કરવામાં આવી છે જેમાં ક્લીન એન્ડ જર્ક, ડેડલિફ્ટ્સ તથા વેઇટટ્રેનિંગની અન્ય ડ્રિલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોઈ ખેલાડી ખાલી હાથે કસરતો કરવા માગતો હોય તો તેને વજન ઉઠાવવું ના પડે તેવી ડ્રિલ્સ આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન