જેવા સાથે તેવાનો વ્યવહાર કરતી ટીમ ઈન્ડિયા, કોહલીએ તેની મજાકનો લીધો બદલો

1203

ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે એકવાર ફરીથી વિરાટ કોહલી ગુસ્સામાં નજરે પડ્યો હતો. હાલમાં જ ગ્લેન મેક્સવેલ દ્વારા ખભાની ઈજાની મજાક ઉડાવવા બદલ કોહલીએ બદલો પોતાના અંદાજમાં જ લીધો હતો. જોકે, કોહલીના ગુસ્સાનો શિકાર ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર થયો હતો.

જ્યારે ડેવિડ વોર્નર 14 રન બનાવીને રમી રહ્યો હતો ત્યારે જાડેજાએ તેને ક્લિન બોલ્ડ કરી દીધો હતો. ત્યારે કોહલીએ મેક્સવેલને બતાવવા માટે ખંભાની મજાક ઉડાવવા બદલ તેની જ ખભા પર હાથ મૂકીને ડેવિડ વોર્નર સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. જોકે વોર્નરે કોઈપણ જાતની પ્રતિક્રિયા આપી નહતી અને સીધો પેવેલિયન ભેગો થઈ ગયો હતો.

ઉલ્લેખનિય છે કે, ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ શરૂ થયેલી ત્રીજી ટેસ્ટ પહેલા દિવસના લંચ બાદ ફિલ્ડીંગ દરમિયાન કોહલીને ખભા પર ઈજા થઈ ગઈ હતી. જેના કારણે તેને બે દિવસ સુધી મેદાનની બહાર બેસવું પડ્યું હતું. પાછળથી ત્રીજા દિવસે મેક્સવેલે કોહલીની આ ઈજાની નકલ કરીને તેની મજાક ઉડાવી હતી જેનું કોહલીએ મેચના ચોથા દિવસે જ બદલો લઈ લીધો હતો.

હાલમાં ટીમ ઈન્ડિયા પોતાની મજાકનો બદલો તરત જ લઈ લે છે. આ પહેલા પણ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે અભિનવ મુકુંદને માથા પર આંગળી મૂકીને તેના ફાસ્ટ બોલની ખબર રાખવા માટે કહ્યું હતું તેનો બદલો અશ્વિને તરત જ લઈ લીધો હતો.