કોલકાતામાં ભાજપની શાંતિ માર્ચ ઉપર પોલીસનો લાઠીચાર્જ, ટીયર ગેસના શેલ છોડયા - Sandesh
  • Home
  • India
  • કોલકાતામાં ભાજપની શાંતિ માર્ચ ઉપર પોલીસનો લાઠીચાર્જ, ટીયર ગેસના શેલ છોડયા

કોલકાતામાં ભાજપની શાંતિ માર્ચ ઉપર પોલીસનો લાઠીચાર્જ, ટીયર ગેસના શેલ છોડયા

 | 3:19 am IST

। કોલકાતા ।

લોકસભાની ચૂંટણી બાદ રાજકીય રીતે અશાંત બનેલા પશ્ચિમ બંગાળમાં છેલ્લા પાંચ દિવસમાં ભાજપના પાંચ કાર્યકરોની હત્યા થવાથી ભાજપના કાર્યકરોમાં રોષ છે અને તેથી આ હત્યાઓનો વિરોધ કરવા માટે બુધવારે બપોરે કોલકાતામાં પોલીસ મુખ્યાલય પર શાંતિ માર્ચ કાઢવામાં આવી હતી, જેને પોલીસે અટકાવવા માટે અશ્રુવાયુના શેલ છોડયા, પાણીનો મારો ચલાવ્યો હતો અને લાઠીચાર્જ પણ કર્યો હતો.

બીજી તરફ પ. બંગાળની વર્તમાન પરિસ્થિતિ વિશે ચર્ચા કરવા માટે રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠીએ ગુરુવારે સાંજે ચાર વાગ્યે રાજભવનમાં તમામ રાજકીય દળોની બેઠક બોલાવી છે અને દરેક પાર્ટીને આ બેઠકનું આમંત્રણ પત્ર દ્વારા મોકલ્યું છે. આ બેઠક બોલાવવા માટે ભાજપે રાજ્યપાલનો આભાર માન્યો છે, પણ તૃણમૂલ કોંગ્રેસે કહ્યું હતું કે અમને બેઠકનું આમંત્રણ મળ્યું નથી, આમંત્રણ મળ્યા બાદ નિર્ણય લેવામાં આવશે.

મૃતદેહ મળ્યો : માલદામાં બે દિવસથી ગુમ થયેલા ભાજપના ૪૭ વર્ષના કાર્યકર અનિલસિંહનો મૃતદેહ બુધવારે એક ખેતરમાંથી અર્ધબળેલી હાલતમાં મળી આવતાં તંગદિલીમાં વધારો થયો હતો. મૃતદેહ પર ઘાનાં નિશાન છે. ઈંગ્લીશ બજાર પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે. જોકે અનિલસિંહની હત્યાના સંદર્ભમાં કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયોએ કહ્યું હતું કે આ જઘન્ય અપરાધ છે. પાંચ દિવસમાં પાચ કાર્યકરોની હત્યા કરવામાં આવી છે.

શાંતિ માર્ચમાં જોડાયા ટોચના નેતા  

ભાજપ અને સંઘના કાર્યકરો પર હુમલાના વધી રહેલા બનાવના પગલે બુધવારે ભાજપના કાર્યકરો મમતા બેનરજી સરકારના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ શાંતિ માર્ચમાં ભાજપના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીય, ભાજપ પ્રદેશ અધ્યક્ષ દિલીપ રોય, નવા ચૂંટાયેલા ૧૮ સંસદસભ્યો અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. આ માર્ચને પોલીસે પરમિશન આપી નહોતી.

૩,૦૦૦ પોલીસ તહેનાત

કોલકાતા પોલીસ મુખ્યાલય ભણી જતા તમામ રસ્તા બંધ કરી દેવાયા હતા અને બેરીકેડ્સ લગાવી દેવામાં આવ્યાં હતાં. આશરે ૩,૦૦૦ સ્થાનિક પોલીસ ઉપરાંત રેપીડ એક્શન ફોર્સની ટુકડીઓને પણ તહેનાત કરવામાં આવી હતી.

પોલીસનું દમન : પોલીસે ભાજપના કાર્યકરોને આગળ વધતા અટકાવવા માટે આડેધડ આંસુ ગેસના ગોળા છોડયા હતા અને વોટર કેનનથી તેમના પર પ્રેશરથી પાણી છોડયું. આના કારણે મુશ્કેલી ઊભી થઈ હતી. કાર્યકરો આંસુ ગેસના ગોળાથી બચવા માટે રસ્તા પર સૂઈ ગયા. જોકે પોલીસે તેમને જબરજસ્તીથી બાવડેથી પકડીને પોલીસના વાહનોમાં નાખવા લાગ્યા. આ સમયે વાતાવરણ એકદમ તંગ બની ગયું હતું અને કાર્યકરોએ ‘ભારત માતા કી જય’ અને ‘જય શ્રી રામ’ના નારાથી વાતાવરણને ગજાવી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન