હવે નવી લીડરશીપ તૈયાર થઇ જે કૉંગ્રેસની આગામી સરકાર ચલાવશે: રાહુલ ગાંધી - Sandesh
  • Home
  • Ahmedabad
  • હવે નવી લીડરશીપ તૈયાર થઇ જે કૉંગ્રેસની આગામી સરકાર ચલાવશે: રાહુલ ગાંધી

હવે નવી લીડરશીપ તૈયાર થઇ જે કૉંગ્રેસની આગામી સરકાર ચલાવશે: રાહુલ ગાંધી

 | 7:50 am IST

ગુજરાતનાં ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી શનિવારે સોમનાથ મંદિરે દર્શન કર્યા બાદ ગુજરાતનો પ્રવાસ શરૂ કર્યો હતો. દિવસભર બેઠકના ધમધમાટ બાદ રાહુલ ગાંધીએ અમદાવાદના યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં કાર્યકરો-આગેવાનોને સંબોધતાં કહ્યું હતું કે, આપણે ગુજરાતમાં ચૂંટણી ખૂબ સારી રીતે લડયા અને ભાજપને ઘેરી લીધી, ભાજપ કોંગ્રેસના સવાલોના જવાબ ના આપી શકી. ગુજરાતના ચૂંટણી પરિણામો પછી કોંગ્રેસ પાર્ટીમાં કોન્ફીડન્સ આવી ગયો છે. હવે જોજો ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ૧૩૫ સીટો જીતીને સરકાર બનાવશે.

કોંગ્રેસ માટે સારા ચૂંટણી પરિણામો બદલ ગુજરાતની જનતા અને કાર્યકરોનો આભાર માનતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ગુજરાત કોંગ્રેસે સાબિત કરી દીધું છે કે, જો કોંગ્રેસ એક સાથે ઊભી થઈ જાય તો હારતી નથી. ૩-૪ મહિના પહેલાં માહોલ એવો હતો કે કોંગ્રેસ ચૂંટણી લડી શકશે કે કેમ? જોકે આ ચૂંટણીમાં આપણી હાર થઈ છતાં આપણે જીત્યા છે. ભાજપ એવા દાવા કરતો હતો કે કોંગ્રેસની ૨૦-૨૫ સીટો આવશે. ટિકિટ ફાળવણીમાં થોડીઘણી ભૂલો થઈ પણ એકંદરે કોંગ્રેસ ખૂબ સારી રીતે ચૂંટણી લડી છે. કોંગ્રેસના ૯૦ ટકા લોકો સાથે મળીને લડયા, બાકીના ૫-૧૦ ટકા લોકોએ મદદ ના કરી, પણ હું ખાતરી આપું છું કે, પક્ષમાં કોઈ ગમે તેટલો મોટો કેમ ના હોય, જે લોકોએ પક્ષ વિરુદ્ધમાં કામ કર્યું છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. બળવાખોરો સામે ગુસ્સાથી નહિ પણ પ્રેમથી કાર્યવાહી કરાશે. પક્ષ વિરુદ્ધ કામ કરનારા માટે પક્ષમાં કોઈ ભવિષ્ય નથી. ગુજરાતમાં ભાજપ જીતી છે તે બદલ તેમને અભિનંદન આપું છે.

હું ગુજરાત આવતો રહીશ
રાહુલે કહ્યું કે, હું ગુજરાતમાં સમયાંતરે આવતો રહીશ. તમારી પડખે ઊભો રહીશે. ગુજરાતે મને ઘણું શીખવાડયું છે. હું ફરી દોહરાવું છું કે, ગુજરાતના લોકોએ મને જે પ્રેમ આપ્યો છે તે હું જીવનભર નહિ ભૂલું.

મોરવા હડફના અપક્ષ ધારાસભ્યનો કોંગ્રેસને ટેકો
મોરવા હડફના અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટે રાહુલ ગાંધી સાથે મુલાકાત યોજી હતી અને કોંગ્રેસ પક્ષને ટેકો જાહેર કર્યો હતો. ખાંટે કોંગ્રેસમાંથી બળવો કરીને અપક્ષ ઉમેદવારી કરી હતી.

‘રાહુલે નેતાઓને ખખડાવ્યા હતા’
એહમદ પટેલે જણાવ્યું હતું કે, રાહુલે મિટિંગ બોલાવી ત્યારે નેતાઓને ખખડાવ્યા હતા અને વધુ જોરથી કામ કરવા કહ્યું હતું. જો રાહુલે એક વર્ષ પહેલાં નેતાઓને દોડાવ્યા હોત તો આજે ૧૨૫ બેઠકો મળી હોત. હવે લોકસભાની તૈયારી માટે લાગી જાવ, લોકસભામાં કોંગ્રેસની ૨૬માંથી ૨૦ સીટો આવવી જોઈએ. અશોક ગેહલોતે કહ્યું કે, તમામ બેઠકોનું વિશ્લેષણ કરીને તેનો રિપોર્ટ રાહુલને અપાશે.

હવે નવી લીડરશિપ તૈયાર થઈ જે કોંગ્રેસની આગામી સરકાર ચલાવશે : રાહુલ
રાહુલ ગાંધીએ સંબોધનમાં કહ્યું કે, ગુજરાતમાં હારનું મુખ્ય કારણ એ છે કે, છેલ્લા ૨૦ વર્ષથી ભાજપે કોંગ્રેસ પર જૂઠા કેમ્પેન ચલાવ્યા હતા. આ એક મોટો પડકાર હતો. પણ કોંગ્રેસ એમ માની લે કે તે જીતશે તો જીતી જ જશે. હવે આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં કેવા પરિણામ આવે છે તે જોજો. કોંગ્રેસ માટે સારા જ પરિણામ આવશે. વિધાનસભામાં આ વખતે બધું થશે. ગુજરાતમાં નવી લીડરશીપ તૈયાર થઈ છે. આ નવી લીડરશીપ આગળની ચૂંટણીમાં ગુજરાતની સરકાર ચલાવશે. આજે ચૂંટાયેલા ધારાસભ્યો આગામી સરકારમાં હશે. ખેડૂતો, મહિલાઓ, યુવાઓએ મત આપ્યા તેમનો આભાર વ્યક્ત કરતાં રાહુલે કહ્યું કે, ચૂંટાયેલા ધારાસભ્યો આપણા એમ્બેસેડર છે. જનતા જોઈ રહી છે કે, તમે કઈ રીતે કામ કરો છો. આપણી લડાઈ હજુ ખતમ થઈ નથી. લોકો માટે પણ લડવાનું છે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને તેમણે ઐતિહાસિક દસ્તાવેજ ગણાવ્યો હતો.

ધારાસભ્ય ગ્યાસુદ્ીનને મંચ પર સ્થાન ન અપાતાં રાહુલના કાર્યક્રમનો બહિષ્કાર કર્યો
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને મંચ પર સ્થાન અપાયું ન હતું, જેને પગલે પ્રદેશ ઉપાધ્યક્ષ મૌલિન વૈષ્ણવ સાથે જોરદાર તૂતૂ મેંમેં થઈ હતી, એ પછી ધારાસભ્યે રાહુલ ગાંધીના આ કાર્યક્રમનો જ બહિષ્કાર કર્યો હતો. ધારાસભ્ય શેખે એરપોર્ટ પર પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી સામે રાહુલ ગાંધીને ફરિયાદ કરી હતી જણાવ્યું કે, જેમને મંચ પર બેસાડયા છે તે હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમારે મને હરાવવા માટે મેદાને પડયા હતા. મંચ પર એક પણ લઘુમતી ધારાસભ્યને સ્થાન અપાયું નથી.

ભાજપને ટક્કર આપવાની છે, પાછળ હટવાનું નથી
ભાજપને ટક્કર આપવાની છે, એક ઈંચ પણ પાછળ હટવાનું નથી તેમ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું. જો સરકાર ઉદ્યોગપતિઓ માટે કામ કરે, ખેડૂતોની જમીન છીનવે તો ખેડૂતોના રક્ષણની જવાબદારી આપણી છે.