કુલદીપ-ચહલ વર્લ્ડ કપમાં એક્સ ફેક્ટર સાબિત થશે : વિરાટ કોહલી - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • કુલદીપ-ચહલ વર્લ્ડ કપમાં એક્સ ફેક્ટર સાબિત થશે : વિરાટ કોહલી

કુલદીપ-ચહલ વર્લ્ડ કપમાં એક્સ ફેક્ટર સાબિત થશે : વિરાટ કોહલી

 | 2:50 am IST

કેપટાઉન, તા. ૮

સાઉથ આફ્રિકા સામેની વર્તમાન છ વન-ડે મેચની સિરીઝ પૈકીની ત્રણ મેચમાં કુલદીપ યાદવ અને યૂઝવેન્દ્ર ચહલે ૯.૦૫ની એવરેજથી કુલ ૨૧ વિકેટ ઝડપી છે. બંનેનો સંયુક્ત ઇકોનોમી રેટ ૩.૬૩ છે. એટલે કે, તેઓ દરેક ૧૫મા બોલે વિકેટ ઝડપવામાં સફળ રહ્યા છે. ભારતીય સ્પિનરોની સાઉથ આફ્રિકામાં સફળતા અંગે વિરાટ કોહલીએ કહ્યું કે, તેમનું પ્રદર્શન અવિશ્વસનીય રહ્યું છે તેમ છતાં તેઓ ટેસ્ટ ટીમમાં ક્યારે સ્થાન મેળવશે તે અંગે કહેવાનો કોહલીએ ઇનકાર કર્યો હતો. જોકે, કોહલીએ માન્યું કે, આ બંને સ્પિનર ૨૦૧૯માં ઇંગ્લેન્ડમાં યોજાનારા વર્લ્ડ કપમાં એક્સ ફેક્ટર સાબિત થઈ શકે છે.

કોહલીએ કહ્યું કે, અમને ખ્યાલ હતો કે, તેઓ વિકેટ ઝડપશે કેમ કે, તેઓ ભારતની સપાટ પીચ પર પણ વિકેટ ઝડપવામાં સફળ રહ્યા છે. કેટલાંક લોકો વિચારતા હશે કે, તેઓ ટી-૨૦ ક્રિકેટમાં બોલિંગ કરે છે જેમાં પરિસ્થિતિ કઠિન હોય છે અને તેમાં પણ તેઓએ નિયમિત વિકેટ ઝડપી છે. કુલદીપ અને ચહલના ટેસ્ટ ક્રિકેટમાં રમવા અંગેના સવાલ પર કોહલીએ કહ્યું કે, તેમનો દાવો વધુ મજબૂત થઈ રહ્યો છે. આફ્રિકાની પીચો પર આ પ્રકારની બોલિંગ કરતા જોવું ઘણું સારું લાગી રહ્યું છે. કોહલીએ કહ્યું કે, બંનેએ ઘણી સાહસિક બોલિંગ કરી છે. તેઓ બેટ્સમેનને જોખમી શોટ્સ રમવા માટે મજબૂર કરી રહ્યા છે. તેમના આ પ્રદર્શનને વર્ણવવા મારી પાસે શબ્દો નથી.

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે ત્રીજી વન-ડેમાં સાઉથ આફ્રિકાને જીત માટે ૩૦૪ રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેની સામે સમગ્ર ટીમ ૪૦ ઓવરમાં ૧૭૯ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે આ મેચ ૧૨૪ રને જીતી હતી. ભારત તરફથી કુલદીપ યાદવ અને યૂઝવેન્દ્ર ચહલે ૪-૪ વિકેટ ઝડપી હતી જ્યારે બે વિકેટ જસપ્રીત બુમરાહને મળી હતી. ભારતીય સ્પિનરોની ઘાતક બોલિંગ સામે ડયૂમિનીએ થોડોક પ્રતિકાર કરતાં ૫૧ રન બનાવ્યા હતા.

ભારતીય ટીમે આ સાથે જ સાઉથ આફ્રિકાની ધરતી પર સતત ત્રણ વન-ડે મેચ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ભારતે આ જીત સાથે હવે છ વન-ડે મેચની સિરીઝમાં ૩-૦ની અજેય લીડ મેળવી લીધી છે અને હવે બાકીની ત્રણ પૈકી એક મેચ જીતી જાય તો સિરીઝ પોતાના નામે કરી લેશે. ભારતીય બેટ્સમેનો અને બોલરોએ જે રીતે દેખાવ કર્યો છે તે જોતાં ભારત સિરીઝ પોતાના નામે કરી શકે છે.

સ્પિનરો સામે ફરી રણનીતિ બનાવવી પડશે : ડયૂમિની 

જે. પી. ડયૂમિનીએ કેપટાઉન વન-ડેમાં મળેલી હાર બાદ માન્યું કે, કુલદીપ અને ચહલનો સામનો કરવામાં સાઉથ આફ્રિકાના બેટ્સમેનો નિષ્ફળ રહ્યા છે આથી આ બંને સ્પિનરો સામે નવેસરથી રણનીતિ બનાવવી પડશે. ડયૂમિનીએ કહ્યું કે, અમારા એકેય ખેલાડીઓ તેમની ગુગલીનો સામનો કરી શકતા નથી. તેઓની શાનદાર બોલિંગ સામે અમે અમારી નેચરલ રમત પણ દર્શાવી શક્યા નહોતા. સિરીઝની હજુ ત્રણ મેચ બાકી છે અને ચોથી મેચ અગાઉ આ અંગે ગંભીર વિચાર કરીશું. અમારે તેમનો તોડ નિકાળવો પડશે. અમે તેમના નબળા બોલને પણ રમી શકતા નથી. આથી અમારે આત્મવિશ્વાસ સાથે આગામી મેચોમાં ઊતરવું પડશે.

ધોનીના  ૪૦૦ શિકાર પૂર્ણ 

કેપટાઉન વન-ડેમાં ધોનીએ પણ ખાસ સિદ્ધિ મેળવતાં વન-ડે ક્રિકેટમાં ૪૦૦ શિકાર પૂર્ણ કર્યા હતા. સાઉથ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામ ધોનીનો ૪૦૦મો શિકાર બયો હતો. ધોનીએ અત્યાર સુધી કુલ ૩૧૫ વન-ડેમાં વિકેટ પાછળ કુલ ૨૯૪ કેચ અને ૧૦૬ સ્ટમ્પિંગ કર્યા છે. ધોની આ સાથે વન-ડે ક્રિકેટમાં ૪૦૦ શિકાર કરનાર વિશ્વનો ચોથો અને ભારતનો વિકેટકીપર બની ગયો છે. આ લિસ્ટમાં શ્રીલંકાનો કુમાર સંગાકારા ૪૮૨ શિકાર સાથે ટોચ પર છે. બીજા નંબરે એડમ ગિલક્રિસ્ટ છે જેણે ૨૮૭ મેચમાં ૪૭૨ શિકાર કર્યા છે ત્રીજા સ્થાને માર્ક બાઉચર છે જેણે ૨૯૫ વન-ડેમાં ૪૨૪ શિકાર ર્ક્યા છે.