કુંભમાં ભીડ પર કાબૂ રાખવો પડશે   - Sandesh
  • Home
  • Columnist
  • કુંભમાં ભીડ પર કાબૂ રાખવો પડશે  

કુંભમાં ભીડ પર કાબૂ રાખવો પડશે  

 | 12:36 am IST

કરન્ટ અફેર : આર. કે. સિંહા

હવે ફરીથી કુંભમેળાનો શંખનાદ થઈ ગયો છે. પ્રયાગરાજમાં ફરી એક વાર આસ્થાનો મેળો લાગવાનો છે કે જેમાં સંગમની ત્રિવેણીમાં ડૂબકી લગાવવા કરોડો ભક્ત દેશભરના ખૂણેખૂણાથી એકત્ર થશે. બીજી બાજુ મહાકુંભના અદ્ભુત અને વિહંગાવલોકનને કેમેરામાં કેદ કરવા અને નજારાને નજીકથી જોવા વિશ્વઆખામાંથી કરોડો પર્યટકો પણ આવશે. આ બધા પ્રયાગના સંગમમાં આસ્થાની ડૂબકી લગાવશે. આ દરમિયાન ડંકા-ઘડિયાળો સાથે ગુંજતા વૈદિક મંત્ર અને ધૂપ-દીપની સુગંધથી આખું શહેર જ નહીં પણ સંપૂર્ણ પ્રયાગ મંડલ મહેકશે.

હિંદુ ધર્મમાં માન્યતા છે કે કોઈ પણ કુંભમેળામાં ગંગા, યમુના અને ભૂગર્ભ સરસ્વતીના સંગમ પર પવિત્ર મનથી ત્રણ ડૂબકી લગાવવાથી મનુષ્યને જન્મ-પુનર્જન્મનાં બંધનથી મુક્તિ થાય છે તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે. એની સાથે એ પણ એટલું સાચું છે કે આટલા મોટા સ્તરે કુંભમેળાનાં આયોજનની વ્યવસ્થા કરવી કોઈ પણ સરકાર અને વહીવટીતંત્ર માટે એક મોટો પડકાર છે. એની સફળતા માટે વર્ષો પહેલાંથી યોજનાઓ બનાવવાનું શરૂ થઈ જાય છે.

આશ્ચર્યની વાત એ છે કે કુંભમેળાનો ના તો કોઈ બૃહદ્ પ્રચાર થાય છે, ના તો જાહેરાત પ્રકાશિત થાય છે, છતાં માનવમહેરામણ ઊમટે છે, હવે જ્યારે કુંભમેળાના પ્રારંભ થવામાં કેટલાક દિવસો જ બાકી છે ત્યારે એનાં આયોજનથી જોડાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને જવાબદારીની વહેંચણી કરવી એક મોટો પડકાર રહેતો હોય છે, કેમ કે મેળા દરમિયાન કોઈ અપ્રિય ઘટના ના થાય. સામાન્ય રીતે અપ્રિય ઘટનાની નોબત ત્યારે આવે છે જ્યારે કોઈ ને કોઈ કારણે વહીવટીતંત્રનું ભીડ પર નિયંત્રણ ઢીલું પડવા લાગે છે, એટલા માટે બધું ધ્યાન ભીડને નિયંત્રણમાં રાખવાનું હોવું જોઈએ.

આવી જ દુર્ઘટના ૧૯૫૬ના પ્રયાગ કુંભમાં થઈ હતી, જ્યારે પંડિત જવાહરલાલ નહેરુ માટે ભીડ રોકવામાં આવી અને ૧૯૮૦માં હરિદ્વાર કુંભમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન વીર બહાદુરસિંહ માટે ભીડને અટકાવીને ભાગદોડમાં કચડાવા માટે મજબૂર કરી દીધી હતી. લાખ્ખો પ્રયત્નો કર્યા પછી કમનસીબી છે કે આપણે ત્યાં ધાર્મિક અનુષ્ઠાનો અને કાર્યક્રમો દરમિયાન દુર્ઘટનાઓ થઈ જાય છે, એટલે ક્યાંક ને ક્યાંક ચૂક રહી જાય છે, એને લીધે જાનમાલનું ભારે નુકસાન થાય છે. એને અટકાવી શકાય એમ છે, જો આપણે ભીડ પર અસરકારક નિયંત્રણ કરવાનું શીખી લઈ તો.

મોટાં આયોજનોમાં કેટલીય વાર એકત્ર ભીડને નીકળવા માટે પર્યાપ્ત માર્ગ ના મળવાને કારણે ભાગદોડ થઈ જાય છે. કહેવું ના જોઈએ કે આપણે ભીડને સંભાળવી પડશે. કુંભ જેવા મેળાનાં આયોજનથી સંકળાયેલાં લોકોને ભીડનાં આયોજનને માટે નક્કર યોજના બનાવવી પડશે. આવા ભીડભાડવાળા વિસ્તારોમાં આતંકવાદી અથવા ગભરાટ ફેલાવવાવાળાઓ માટે બહુ ઉત્તમ સ્થળ હોય છે. તેઓ અફવાઓ ફેલાવીને ભાગદોડ કરવાની પરિસ્થિતિ ઊભી કરી દે છે, એટલા માટે આ તત્ત્વો પર સખત ચાંપતી નજર રાખવાની જરૂર છે.

આમ તો મુખ્ય પ્રધાન યોગીજીના જણાવ્યાનુસાર કુંભ દરમિયાન દુર્ઘટનાની દરેક સ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારી કરવામાં આવી છે. પોલીસ, વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગે સાથે મળીને એક યોજના બનાવી છે જેનાથી ભાગદોડથી માંડીને અન્ય કોઈ પણ હુમલાઓની સ્થિતિને પહોંચી વળાય. સેના અને વાયુસેના પણ તૈયાર રહેશે, એનો અર્થ એ કે આ વખતે કુંભને યાદગાર બનાવવાની પૂરી તૈયારી છે.

આસ્થાના આ મહાસાગરમાં કેટલીક ખાસ તિથિઓ પર શાહી સ્નાન અને અન્ય તમામ આયોજન હશે, જેમાં કરોડો લોકો એકસાથે સ્નાન કરવાનાં છે. પ્રયાગરાજમાં કુંભ આગામી ૧૪ જાન્યુઆરીએ શરૂ થઈને માર્ચ, ૨૦૧૯ સુધી ચાલશે. કુંભમાં આઠ મુખ્ય સ્નાન-તિથિઓ આવશે.

કુંભના શ્રીગણેશ મકરસંક્રાંતિથી શરૂ થઈને ચોથી માર્ચ મહાશિવરાત્રિ સુધી ચાલશે. આને શાહી સ્નાન અને રાજયોગી સ્નાનને નામે પણ ઓળખવામાં આવે છે. એના પછી પોષ ર્પૂિણમાએ સ્નાન આવશે. એ દિવસે કુંભમાં બીજું મોટું આયોજન થવા જઈ રહ્યું છે. પોષ ર્પૂિણમાના દિવસે જ માઘ મહિનાનો પ્રારંભ થાય છે. એ પછી ૩૧ જાન્યુઆરીએ પોષ એકાદશી છે, એ દિવસે મહા કુંભનું ત્રીજું સૌથી મોટું શાહી સ્નાન થશે.

કુંભમેળામાં ચોથું શાહી સ્નાન ચોથી ફેબ્રુઆરીએ મૌની અમાસે થશે. ૧૦ ફેબ્રુઆરીએ વસંત પંચમીએ પણ મોટું અને મહત્ત્વપૂર્ણ સ્નાન થશે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાનને ઉત્તમ માનવામાં આવ્યું છે. આ તિથિઓમાં ખાસ કરીને એ જોવું જરૂરી હશે કે કુંભમેળાનાં સ્થળની આસપાસ બહુ ભારે ભીડ જમા ના થાય, કેમ કે ભીડ એક જગ્યાએ જ જમા થાય તો ભાગદોડની શંકા બની જાય છે. ભીડને બહાર નીકળવા માટે હંમેશાં વૈકલ્પિક યોજના હોવી જોઈએ. કુંભમેળામાં આવનારાં શ્રદ્ધાળુઓએ ભીડભાડવાળા વિસ્તારોથી બચવું જોઈએ. તેઓ તેમની લાપરવાહીની જવાબદારી વહીવટીતંત્ર પર ના નાખી શકે.

એ પણ જાણી લેવું આવશ્યક છે કે ભીડના બેકાબૂ થવાનાં કારણોને લીધે બનતી ઘટના ભારતમાં જ નહીં વિશ્વભરના અન્ય દેશોમાં થતી હોય છે. કેટલાંક વર્ષોમાં મક્કામાં ભાગદોડ થવાને કારણે એક દુઃખદ ઘટના બની હતી, ત્યાં વર્ષ ૨૦૦૪ અને એ પછી વર્ષ ૨૦૦૬માં પણ શેતાનને મારવાની હોડમાં મોટી ઘટનાઓ બની હતી.

જગજાહેર છે કે પ્રયાગરાજમાં આયોજિત થનારા કુંભમેળા પર દેશ અને માનવતાના દુશ્મનોની પણ બાજ નજર હશે. એમના ઇરાદાઓે ધ્વસ્ત કરવા પડશે. પોલીસે આ પ્રકારનાં તત્ત્વોની કમર તોડવી જ પડશે. સારી વાત તો એ છે કે રાજ્ય સરકારે કુંભમેળામાં તહેનાત થનારા પોલીસ કર્મચારીઓને નેશનલ સિક્યોરિટી ગાડ્ર્સ એટલે કે એનએસજી અને સેનાને તાલીમ અપાવી છે, એટલે કે તેઓ ભીડમાં ઘૂસેલા રહેશે અને પલક ઝપકતાં જ આતંકવાદીઓનું કામ તમામ કરી દેશે. આર્મીથી પ્રશિક્ષિત રાજ્ય પોલીસની ટીમ કુંભની સુરક્ષાની જવાબદારી સંભાળશે.

બની શકે કે હાલની પેઢીને વર્ષ ૧૯૫૪માં પ્રયાગરાજમાં કુંભમેળામાં થયેલી ભાગદોડની જાણકારી ના હોય. એમાં સેંકડો લોકોનાં મોત થયાં હતાં. વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનાં સ્નાન માટે અટકાવવામાં આવેલી ભીડમાં દોડધામને કારણે દુર્ઘટના બની હતી. તપાસઅહેવામાં આવ્યું હતું કે નહેરુએ અખાડાઓથી પહેલાં સ્નાન કરવાનો નિર્ણય કર્યો હતો, એનાથી સાધુ નારાજ થયા હતા, એને કારણે હંગામો થયો હતો. જેથી ત્યાં રહેલા હાથી ભડકી ગયા હતા, એમણે અનેક લોકોને કચડી માર્યાં હતાં. એ વાતને દબાવી દેવામાં આવી હતી. એ વાત સમજથી બહાર છે કે નહેરુજી ત્યારે જ સ્નાન કરવા માટે એટલા અધીરા કેમ થઈ ગયા કે જેનાથી આટલી દુઃખદ દુર્ઘટના થઈ હતી.

નહેરુજી અથવા અન્ય બધા નેતાઓ અને અભિનેતાઓએ વિચારવું જોઈએ કે તેઓ દરેક જગ્યાએ લાઇન નહીં તોડે. તેમને તો વીઆઈપી હોવાના અહંને કારણે લાઇન તોડવાની આદત પડી જાય છે. નિશ્ચિતરૂપે આ પ્રકારનાં આયોજનોમાં કોઈ નેતા, અભિનેતા અથવા લોકપ્રિય હસ્તી આવવાને કારણે ભાગદોડ જેવી પરિસ્થિતિ પેદા થઈ જાય છે. સુરક્ષા એજન્સીઓએ મુખ્ય સ્નાનની તિથિઓ પર વીઆઈપીઓનાં આગમન પર પ્રતિબંધ લગાવી રાખ્યો છે પણ દાયકાઓથી પોતાને વીઆઈપી માની બેઠેલાં પ્રાણીઓ માને ક્યાં છે? કેટલાક તો એમ માની બેઠા છે કે તેઓ વીવીઆઈપી જ પેદા થયા છે અને વીવીઆઈપી રહીને જ મરશે.

આ વખતે પણ કુંભમાં તેઓ ડૂબકી લગાવવા માટે આવશે જ, તેમને અટકાવવા પડશે. સામાન્ય બનીને આવ્યા તો કોઈ વાત નહીં, એટલા માટે વહીવટીતંત્રે બધી વ્યવસ્થા કરી લીધી હશે. એણે જૂના અનુભવોથી ઘણું શીખી લીધું હશે. એ જ પ્રયાસ થવા જોઈએ કે ખાસ અને મશહૂર હસ્તીઓના મેળાનાં સ્થળ પર આવવાના સંબંધમાં કમસે કમ લોકોને માલૂમ પડે. તેમના દેખાડાને કારણે ક્યારેક હાલત બદતર થઈ જાય છે. ભીડ ઉગ્ર અને બેકાબૂ થઈ જાય છે, એટલા માટે વહીવટીતંત્રમાં ઇચ્છાશક્તિ હોય તો એ સંભવ છે કે કુંભ જેવા મેળા શાંતિપૂર્ણ રીતે આયોજિત થઈ શકે.

(લેખક રાજ્યસભાના સાંસદ છે)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;