kutch-and-saurashtra In state government prepared to deal any eventuality following cyclone gujarat
  • Home
  • Featured
  • ગુજરાત પર આવતીકાલે સાંજે ત્રાટકશે ‘વાયુ’ વાવાઝોડું, ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાત પર આવતીકાલે સાંજે ત્રાટકશે ‘વાયુ’ વાવાઝોડું, ભારેથી અતિભારે વરસાદની આગાહી

 | 8:00 am IST

ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ૧૨મી જૂને બુધવારે સાંજે ‘વાયુ’ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. પવનનો ચક્રવાત કાંઠાને સ્પર્શતાં જ તીવ્ર વાવાઝોડામાં ફેરવાશે અને ૮૦થી ૧૦૦ કિ.મી.ની ઝડપે વાવાઝોડું ફૂંકાતા, હાલની સ્થિતિએ, ૧૩મી અને ૧૪મી જૂને કચ્છ-સૌરાષ્ટ્રમાં ૪ ઈંચ જેટલો વરસાદ પડી શકે છે, સાથો સાથ, પવનની ઝડપથી ઝાડ-પાન સહિત છાપરાવાળા કાચા મકાનોને નુકસાન થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. તંત્રએ વાવાઝોડાને ‘વાયુ’ નામ આપ્યું છે.

સોમવારે બપોરે એક વાગે ગુજરાતમાં વેરાવળથી દક્ષિણ-દક્ષિણ પૂર્વ દિશામાં રાજ્યના દરિયાકાંઠાથી ૯૩૦ કિલોમીટર દૂર વાવાઝોડાની સ્થિતિ આકાર લઈ રહી હતી. અત્યારે ચક્રવાત ડિપ-ડિપ્રેશનની સ્થિતિમાં છે. આવતીકાલે ભારતીય હવામાન ખાતું વાવાઝોડા અંગે સ્થિતિ સ્પષ્ટ કરશે, એમ જણાવાઈ રહ્યું છે.  

ગુજરાત તરફ આવતા વાવાઝોડાના પગલે સોમવારે બપોરે મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમારના અધ્યક્ષસ્થાને તાકિદની ઉચ્ચ સ્તરિય કોસ્ટ ગાર્ડ, એનડીઆરએફ તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ સામેલ થયા હતાં. હવામાન ખાતાના નિયામક જયંત સરકારે આ બેઠકમાં સંભવિત વાવાઝોડાની સ્થિતિ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. એનડીઆરએફની ટીમો અત્યારે સ્ટેન્ડ-ટુ અવસ્થામાં રખાઈ છે.

આવતીકાલે મંગળવારે હવામાન ખાતાના દિશાનિર્દેશ પછી આ ટૂકડીઓ દરિયાકાંઠાના ભાગોમાં પહોંચતી કરાશે.   રાજ્યના કયા દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકશે એ હજી નિશ્ચિત નથી, આવતીકાલ મંગળવારે હવામાન વિભાગ એ વિશે નિશ્ચિત જાહેર કરશે એમ જણાવાઈ રહ્યું છે.

સૂત્રો, હાલની સ્થિતિએ એમ જણાવી રહ્યાં છે કે, ૮૦થી ૧૦૦ કિલોમીટરની ઝડપની શક્યતાવાળા વાવાઝોડાના કારણે ૧૩મી અને ૧૪મીએ કાંઠાના ભાગોમાં ૪ ઈંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે અને ૧૫મી સુધી વાવાઝોડાની અસર રહેવાની સંભાવના છે.  સરકારે પાણી માપવા માટે નવું સોફ્ટવેર વિકસાવ્યું છે.  જેનાથી વરસાદી પાણીનું સીધું ટેલિકાસ્ટ થશે.

ગુજરાતભરમાં તંત્રને હાઇએલર્ટ કરતા CM : તમામ કલેક્ટરોની રજા રદ કરી

હાલ અરબી સમુદ્રમાં ૯૦૦ કિમી દુર ડીપ્રેશન રચાયુ હોય ૪૮ કલાકમાં જ વાવાઝોડા રૂપી વરસાદ ની આગાહી આપવામાં આવી છે.જેમાં ૧૦૦ કિમીની ઝડપે પવન ફુંકાવાની સાથે ભારે વરસાદ પડવાની આગાહી થઇ છે. જેથી મૂખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વેરાવળથી તાત્કાલીક આદેશ આપી ગુજરાત તંત્રને હાઇએલર્ટ જાહેર કર્યુ હતુ અને તમામ કલેક્ટર સહિતના અધિકારીઓની રજાઓ રદ્ કરી તાત્કાલીક હાજર થવા હુકમ કર્યો છે.

માછીમારોને દરિયો ન ખેડવા અપીલ કરી હતી. અને ગુજરાત સરકાર સંપૂર્ણ પણે કટિબધ્ધ છે તેમ જણાવ્યુ હતું. વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટે ડીઝાસ્ટર મેનેજમેન્ટ માટે એનડીઆરએફની ટીમ સૌરાષ્ટ્રના સાગરકાંઠે તૈનાત રહેશે. કંટ્રોલરૂમને હાઇએલર્ટ પર ચોવીસ કલાક ધમધમશે. ભટીંડા અને પૂનાથી પણ બચાવ ટુકડી આવી પહોંચશે.

આવનારા ૪૮ કલાક સુધી હાઇએલર્ટ પર રહી કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે તેમ જણાવ્યુ હતું. વેરાવળ સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજના સમુહલગ્નમાં હાજરી આપવા મુખ્યમંત્રી આવ્યા હતા ત્યારે  વાવાઝોડાની ગંભીરતાને લક્ષમાં લઈ તાકિદના આદેશો કર્યા હતા.

પોરબંદર સહિતના બંદરો ઉપર ૧ નંબરનું સિગ્નલ, રાજ્યના માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ  

અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશરનું વાવાઝોડામાં પરિવર્તન થાય તેવી શકયતાઓ હોવાથી હાલ સાવચેતીના ભાગ રૂપે પોરબંદર સહિતના બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન ખાતા એ આપેલ સુચના મુજબ હાલમાં લક્ષદ્વીપ અને પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે

હાલમાં તે લક્ષદ્વીપના અમીન દીવીથી૨૪૦કિમી ઉતર પશ્ચિમ દિશા તરફ ,મુંબઈથી દક્ષીણ-દક્ષીણ પશ્ચીમે૭૬૦કિમી તથા વેરાવળ થી૯૩૦કિમી દક્ષીણ -દક્ષીણ પૂર્વ દિશામાં છે જે૩૧કિમી પ્રતિ કલાકની ગતી એ આગળ વધી રહ્યું છે જે આગામી સમયમાં ડીપ ડીપ્રેશન તેમજ આવતા૨૪કલાક માં ચક્રવાત માં ફેરવાય તેવી સંભાવના છે. વેરાવળ બંદરે ૧ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. માછીમોરોને દરિયો ન ખેડવાની સુચના આપી દેવામાં આવી છે.

અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, ભુજ, સુરત અને વેરાવળમાં પણ વરસાદની વકી

હવામાન ખાતાના જણાવ્યાં અનુસાર, અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, ભુજ, સુરત અને વેરાવળ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડશે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલી લો-પ્રેશર સિસ્ટમ છ કલાક જેટલા સમયમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે.બાદના ૨૪ કલાકમાં આ ડિપ્રેશન ડીપડિપ્રેશનમાં પરિવર્તિત થઈને વાવાઝોડાનું રૂપ ધારણ કરી લેશે અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે.

આ વાવાઝોડાના કારણે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ખોરવાવાની પણ સંભાવનાઓ છે. જેના કારણે ગુજરાતમાં ચોમાસુ થોડું લંબાવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે. હાલમાં આ વાવાઝોડું પોરબંદરથી અંદાજે ૯૩૦ કિલોમીટર દૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન