કચ્છને અસરગ્રસ્ત જાહેર કરો: નખત્રાણા તાલુકામાં 'ઘાસકાર્ડ' મળે પણ ઘાસચારો મળતો નથી - Sandesh
  • Home
  • Bhuj
  • કચ્છને અસરગ્રસ્ત જાહેર કરો: નખત્રાણા તાલુકામાં ‘ઘાસકાર્ડ’ મળે પણ ઘાસચારો મળતો નથી

કચ્છને અસરગ્રસ્ત જાહેર કરો: નખત્રાણા તાલુકામાં ‘ઘાસકાર્ડ’ મળે પણ ઘાસચારો મળતો નથી

 | 6:30 pm IST

અબડાસા મત વિસ્તારનો સમૃદ્ધ ગણાતો તાલુકો એટલે નખત્રાણા. આ વર્ષે ચોમાસું સાવ નિષ્ફળ ગયું છે. ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો તાલુકો જો ચોમાસું સારું જાય તો આર્થિક રીતે વધુ સક્ષમ બને અને જો નબળું જાય તો ન ખમી શકાય તેવી મુશ્કેલી ફરજિયાત ભોગવવી પડે. આ વર્ષે ચોમાસું સાવ નિષ્ફળ ગયું છે. ખેતીનું તો માની લો કે પૂરું થઈ ગયું, પરંતુ અબોલ જીવો માટે ઘાસચારાની સ્થિતિ વિકટ બની છે. તાલુકામાં નાના-મોટા મળી 1,63,143 અબોલ જીવો છે. જે વર્ષ 2012ની ગણતરીએ છે. ત્યારબાદ તેમાં વધારો પણ થયો છે. વળી, પશુપાલન માટે વિખ્યાત નાની બન્ની વિસ્તાર પણ આ જ તાલુકામાં આવ્યો છે. ચાલુ વર્ષે પંથકમાં માત્ર 70 (મિ.મી) વરસાદ થયો છે. ઘાસના તણખલા માટે માલધારીઓ તેમનું પશુધન લઈ રીતસર રખડી રહ્યા છે. બીજી તરફ તંત્ર કાગળ ઉપર પણ ઘાસની જરૂરિયાતને પહોંચી શકતું નથી, પરિણામે ટૂંક સમયમાં જ હિજરતનો દોર શરૂ થવાના ભણકારા વાગી રહ્યા છે.

13 ડેપો ખુલ્યા બાદ 48,21,600 કિ.ગ્રા.ની જરૂરિયાત સામે માત્ર 2,23,485 કિ.ગ્રા. જ ઘાસ મળ્યું છે!  વહીવટી તંત્રે અહીં 13 ઘાસડેપો ખોલી દીધા. તા. 7-9 સુધીમાં 8036 કાર્ડ પણ ઈસ્યુ કરી દીધા છે, પરંતુ કાર્ડ દીઠ માત્ર 20 કિલોગ્રામની મર્યાદામાં અપાતો જથ્થો આપી શક્યું નથી. કાર્ડ પર માત્ર પાંચ પશુઓ માટે 20 કિલોગ્રામની મર્યાદામાં ઘાસ મળે છે. એટલું ઘાસ આમ તો પૂરતુું નથી જ. કારણ કે, પશુઓને રોજ 15 કિલો ખોરાક જોઈએ. પાંચ કરતા વધું પશુ ધરાવતા માલધારીઓએ તો વધારાના પશુ માટે બજારમાંથી ચારો ખરીદવો જ પડે છે. અહીં ખાટલે મોટી ખોડ એ છે કે, 20 કિલોગ્રામનો નિયત કરેલો જથ્થો પણ નસીબ નથી થતો. બીજી તરફ પશુઓ માટે પીવાના પાણીની પણ મુશ્કેલી મોં ફાડીને ઊભી છે. ચારે તરફથી ઘેરાયેલા માલધારીઓ માટે પરિસ્થિતિ ‘જાયે તો જાયે કહાં?’ જેવી થઈ છે.

દેવામાં ખૂંપતો જતો માલધારી સરકાર પાસે આશા રાખે છે. પશુપાલકોની કફોડી હાલત, અછતના બાવા આદમના જમાનાથી ચાલ્યા આવતા જડ નિયમોમાં ગૂંચવાઈ ગઈ છે.   સંવેદનાહીન તંત્ર હજુ પણ એ જ ઘરેડમાં ચાલ્યું આવે છે. ખુદ ભાજપના રાજ્ય સરકારમાં રહેલા પૂર્વ મંત્રીએ કચ્છના પશુધનની હાલતનો ચિતાર આપ્યો છે. અબડાસાના ધારસભ્યે પણ સરકારને દર્દસભર પત્ર પાઠવી તેમના મત વિસ્તારમાં સમાવિષ્ટ નખત્રાણા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા માગ કરી, તાકીદે રાહત કાર્યો શરૃ કરી હિજરત શરૃ જ ન થાય તેવી સ્થિતિનું નિર્માણ કરવા સરકારને અપીલ કરી છે. બીજી તરફ પોતાને કચ્છી મંત્રી કહેવડાવવાનો શોખ ધરાવતા રાજ્ય સરકારમાં બેઠેલા મંત્રીના પેટનું પાણી પણ નથી હલતું. સરકારમાંથી જિલ્લા માટે ખાસ પેકેજ લાવવામાં કદાચ ઉણા ઊતરતા હશે અથવા રાજકીય મર્યાદા નડતી હશે. એટલે જ કદાચ કચ્છને ‘ન પાણિયા’ મુલકની અપમાનજનક ઉપમા મળી હશે.