ક્યોંકિ હર એક ઉંદર ભી જરૂરી હોતા હૈ! - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • ક્યોંકિ હર એક ઉંદર ભી જરૂરી હોતા હૈ!

ક્યોંકિ હર એક ઉંદર ભી જરૂરી હોતા હૈ!

 | 11:45 pm IST

કોરોના વાઇરસનો કેર વ્યાપેલો છે ત્યારે ઘણાબધા લોકોનાં મનમાં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કોરોના વાઇરસનો જન્મ થયાને આટલા દિવસ વીતી ગયા, વિશ્વભરમાં વૈજ્ઞાનિકો અને તબીબોની આખી ફેજ છે છતાં એની રસી કેમ શોધાઈ નથી? આનો ટૂંકો છતાં સચોટ જવાબ છે, ઉંદરોની અછત.

માંડીને વાત કરીએ તો રોગ થતો અટકાવનારી રસી હોય કે અન્ય કોઈ દવાની અસરકારકતા અને સુરક્ષિતતા ચકાસવા એનો સૌ પ્રથમ પ્રયોગ ઉંદરો પર થતો હોય છે. નવી રસી કે દવાઓના પ્રયોગ માટે જોકે આપણા ઘરની આસપાસ કે ગટરમાં અથવા ગોડાઉનોમાં ફ્રતા ઉંદરો નથી ચાલતા. એના માટે એવા ખાસ ઉંદરોની જરૂર પડે છે જેમના જીન્સ એટલે કે જનીનમાં ‘એસીઇ૨’ જનીન ઉમેરવામાં આવ્યું હોય.

આવા ઉંદરોની અછત હોય છે, કારણ કે વિશ્વભરમાં કેન્સર તેમજ અન્ય બીમારીઓ માટેની દવાઓ અને રસીઓ માટેનું સંશોધન સતત ચાલતું રહે છે. એને કારણે આ વિશેષ ઉંદરો સહેલાઈથી પ્રાપ્ત થતા નથી. આવા એસીઇ૨ જનીનવાળા ઉંદરોનો સ્ટોક ખતમ થઈ ગયો છે. અમેરિકાની જેક્સન લેબોરેટરી જેવી સંસ્થાઓ જૂજ છે જે વૈજ્ઞાનિકો અને માનવજાતને મદદરૂપ થવા માટે ન નફે ન નુકસાનના ધોરણે સંશોધન માટે પ્રાણીઓ પૂરાં પાડે છે. આ જેક્સન લેબોરેટરી ઉંદરોની કુલ ૧૧,૦૦૦ જાતિઓનો પુરવઠો પૂરો પાડે છે!

જ્યારે કોરોના વાઇરસનો રોગચાળો ફટી નીકળ્યો ત્યારે જેક્સન લેબોરેટરી પાસે એની રસીના સંશોધનનો પ્રયોગ કરવા માટે જરૂરી એવો એક પણ ઉંદર ઉપલબ્ધ નહોતો. કોરોના વાઇરસ વિશે જાણ થતાં જ જેક્સન લેબોરેટરીએ એ બધા સંશોધકોનો સંપર્ક કરવા માંડયો જેમણે પોતાના સંશોધન માટે એસીઇ૨ જનીન ધરાવતા ઉંદરો પર પ્રયોગ કર્યા હોય. તેમનો પ્રયાસ હતો કે જો આમાંના કોઈ સંશોધક પાસે આવો ઉંદર બચ્યો હોય અને તે દાન કરવા તૈયાર થાય તો રસી માટે કામનો આરંભ કરી શકાય. જો એક ઉંદર મળી જાય તો પછી આવા ઉંદરોની પ્રયોગશાળામાં વસતી વધારી શકાય. સદ્ભાગ્યે તેમને આવો એક ઉંદર મળી આવ્યો અને એટલે એવા ઉંદરોની વસતી વધારવાનું કામ શરૂ થઈ ગયું છે.

સામાન્યપણે કોઈ પણ નવી રસી કે દવા શોધવા માટે વૈજ્ઞાનિકો કંઈ એક જ વારમાં સફ્ળ થઈ જાય એવું જરૂરી નથી. તેમણે વારંવાર પ્રયત્નો કરવા પડે છે. આ પ્રયોગો માટે જરૂરી એવા ખાસ ઉંદરો પેદા કરવા પડે છે. મતલબ કે તેમના જનીનમાં માનવીનું જનીન ઉમેરવું પડે છે. આવા ઉંદરો તૈયાર કરવા માટે થઈને દિવસો કે મહિનાઓ પણ લાગી જતા હોય છે.

જેમ નારીને ગર્ભ રહ્યા બાદ સામાન્યપણે નવ માસ પછી બાળક જન્મે છે એ રીતે માદા ઉંદરને ગર્ભાધાન થયા બાદ તેનાં બચ્ચાંને જન્મ આપવામાં ત્રણ અઠવાડિયાં લાગે છે. આ ઉંદરો દોઢ મહિનાના થાય પછી જ તેઓ પ્રયોગ કરી શકાય એ માટે લાયક બને છે. આ કુદરતી પ્રક્રિયા છે અને વૈજ્ઞાનિકો આ પ્રક્રિયાને ઝડપી બનાવવા કંઈ કરી શકતા નથી. જેક્સન લેબોરેટરીઝ પાસે અત્યારે આ પ્રકારના ઉંદરો માટે આગોતરા ઓર્ડર આવી ચૂક્યા છે.

આ લખાઈ રહ્યું છે ત્યારે એવા વાવડ આવ્યા છે કે અમેરિકામાં સિયેટલ ખાતે વોશિંગ્ટન રિસર્ચ ઇન્સ્ટિટયૂટ દ્વારા પ્રયોગ માટે સ્વેચ્છાએ તૈયાર થયેલી ચાર વ્યક્તિઓ પર નવી શોધાયેલી રસીનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જોકે ઓસ્ટ્રેલિયાની ફઇન્ડરસ્ યુનિર્વિસટીના પ્રોફેસર નિકોલાઈ પેટ્રોવસ્કીનું કહેવું છે કે કોઈ પણ રસીનો માનવીને આપતા પહેલાં આ વિશેષ પ્રકારના ઉંદરો પર એનો પ્રયોગ કરવો અનિવાર્ય હોય છે. કેટલાક લોકો પ્રાણી પર પ્રયોગ કરવાના તબક્કાને અવગણીને સીધા માનવ પર પ્રયોગ કરવાની ઉતાવળ કરી રહ્યા છે પણ એમાં મુશ્કેલી અને જોખમ વધારે છે.

દરમિયાન કેટલાક વૈજ્ઞાનિકો એક પ્રકારની બિલાડી, હેમ્સ્ટર (ઉંદર જેવું નાનું પ્રાણી), ગિનિ પિગ કે સસલાં પર પ્રયોગ કરવાનો માર્ગ અપનાવી રહ્યા છે, પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે ઉંદરોની સરખામણીમાં આ પ્રાણીઓ પર કરવામાં આવેલા પ્રયોગો બાદ તૈયાર કરવામાં આવેલી રસી પૂરતી અસરકારક ન બને અને નુકસાનકારક પણ બની રહે એવી પણ સંભાવના રહે છે.

કોરોના વાઇરસના કેર અને રસી કે દવાઓ શોધવા માટેની મુશ્કેલીઓ પરથી એક વાત તો નિશ્ચિત સાબિત થઈ રહી છે કે બ્રહ્માંડમાં પોતાની જાતને શ્રેષ્ઠ માનતા માનવીને નરી આંખે ન દેખાતું એક જંતુ હંફવી શકે છે. એના ઉપાય માટે માનવને જેને તે નગણ્ય અને તુચ્છ ગણે છે એવા ઉંદરના શરણે જવું પડી રહ્યું છે. કુદરત કદાચ આ રીતે માનવીને તે કેટલો વામણો છે એ પુરવાર કરવા એનું ભાન કરાવી રહી છે!

ઝીરો લાઈન : ગીતા માણેક

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન