શ્રમ એવ જયતે - Sandesh

શ્રમ એવ જયતે

 | 12:07 am IST

શ્રમશક્તિ એટલે મનુષ્યના શરીરરૂપી સાધનમાં રહેલી અને તેને કાર્યમાં પ્રેરતી પ્રભુની શક્તિ. એ શક્તિ સમગ્ર સૃષ્ટિમાં ક્ષણે ક્ષણે પ્રગટ થઈને સર્વ અશક્યોને શક્ય બનાવી રહી છે. અસુંદરને સુંદર, દુર્બળને બળવાન અને મૂરખને મેધાવી બનાવનાર આ શ્રમશક્તિની તાકાત પ્રચંડ છે. મન અને શરીરની શક્તિના સમન્વયથી માનવે આજે અનેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત કર્યો છે. તેણે કાળમીંઢ પર્વતોને કોરીને રસ્તા બનાવ્યા છે. સમુદ્રોને નાથીને ઉપર પુલ અને તેના પેટાળમાં રસ્તાઓ બનાવ્યા છે. અવકાશમાં ઉપગ્રહો મૂકીને સમગ્ર પૃથ્વીને સંદેશાવ્યવહારથી સાંકળી લીધી છે. હજુ પણ શ્રમ અને બુદ્ધિના સુયોગથી મનુષ્ય વિશ્વમાં અપ્રગટ રહેલું કેટલુંય પ્રગટ કરશે ને પ્રકૃતિના રહસ્યમય ખજાના ખુલ્લા કરશે. શ્રમશક્તિ માટે કશું અશક્ય નથી. દુસ્તર નથી. દુર્ઘર્ષ નથી.

પ્રકૃતિમાતા પોતે પણ અવિરત શ્રમ કરી રહી છે. કાદવમાંથી કમળ ખીલવવાં, ધરતીના પેટાળમાં રહેલા બીજમાંથી અંકુર પ્રગટાવી તેમાંથી વિશાળ વૃક્ષ સર્જવું, કાળમીંઢ પર્વતોના પેટાળમાંથી અમૃત-ઝરણાંઓ, રેલાવવાં, સમુદ્રના ખારા પાણીમાંથી મીઠા જળની વાદળીઓ સર્જી ધરતીને મીઠાં જળથી તૃપ્ત કરવી- આવાં બધાં જ પ્રકૃતિનાં કાર્યો કેટલાં બધાં શ્રમસાધ્ય છે! પ્રકૃતિમાતા ધીરજપૂર્વક ખંતથી પરિશ્રમ કર્યે જ જાય છે અને તેથી જ તો આ સુંદર સૃષ્ટિનું સંચાલન થઈ રહ્યું છે.

પ્રભાતનું પ્રથમ કિરણ ફૂટે ને સમગ્ર પ્રકૃતિ શ્રમ માટે સજ્જ બની જાય છે. ચેતનવંતી બની કાર્યરત બની જાય છે. પક્ષીઓ માળો છોડી, કલરવ કરતાં આકાશમાં ઊડવા લાગે છે. પુષ્પકળીઓ ખીલવા લાગે છે. વનસ્પતિ સૂર્યકિરણોને ઝીલવા સજ્જ બની જાય છે. પશુઓ આમતેમ દોડાદોડી કરવા લાગે છે. જેમની પ્રકૃતિ પર હજુ માનવબુદ્ધિનો પ્રભાવ નથી પડયો તેવાં બાળકો પણ વહેલી સવારે જાગીને પોતાના હાથ-પગ હલાવીને ઉછાળા મારે છે. આમ, પ્રકૃતિ સાથે સંકળાયેલાં બધાં ચેતન તત્ત્વો પ્રકૃતિના શ્રમયજ્ઞામાં સામેલ થઈ જાય છે. અને તેમને મળે છે પ્રકૃતિમાતાની બક્ષિસ રૂપે નિત્યનૂતન તાજગી, ઉલ્લાસ, આનંદ અને શક્તિ. આ સમયે મનુષ્યે પણ જો આ બક્ષિસો મેળવવી હોય તો પ્રકૃતિના શ્રમયજ્ઞામાં સહભાગી બની જવું જોઈએ. પ્રાતઃકાળે જ નિત્યકર્મો આટોપી પોતાના કાર્યમાં લાગી જવું જોઈએ. એ સમયે જો એ તમસ અને આળસથી ઘેરાઈને પડયો રહે તો પ્રકૃતિની બક્ષિસો ગુમાવી દે છે, અને પરિણામો તેનો આખો દિવસ સુસ્ત ને ભારેખમ બની રહે છે.

ભગવાને આ સૃષ્ટિમાં મનુષ્ય માટે તો આ પૃથ્વી ઉપર અનંત શક્યતાઓ મૂકેલી જ છે. તે જે ધારે તે પ્રાપ્ત કરી શકે એવી શક્તિ તેની અંદર મૂકી છે. એ શક્તિને વહન કરે તેવું ઉન્નત મસ્તક અને બે હાથને બે પગવાળું સુંદર શરીર તેને આપ્યું છે, જે બીજા કોઈપણ પ્રાણીઓને આપ્યું નથી. વળી, મુશ્કેલીઓમાંથી વિચારપૂર્વક માર્ગ કાઢી શકે તેવી બુદ્ધિ પણ ભગવાને મનુષ્યને આપી છે. શરીરની શક્તિ અને મનની બુદ્ધિથી અશક્ય ને મુશ્કેલ કાર્યોને સિદ્ધ કરી શક્યો છે. શ્રમની અભિવ્યક્તિનું શ્રેષ્ઠ સાધન એ તેના હાથ છે. આ હાથ જો બુદ્ધિપૂર્વક સતત પ્રયત્ન કરતા રહે તો તેનું ભાગ્ય પણ પલટાઈ જાય છે. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ જ નથી. પરિશ્રમને કશું અસાધ્ય પણ નથી રહેતું. મનુષ્યે આગળ વધવું હોય, પોતાનું જીવન જેવું છે તેવું રહેવા દેવું ન હોય, પણ તેને વધારે સમૃદ્ધ, ઉદાત્ત અને ઉજ્જવળ બનાવવું હોય તો યોગ્ય દિશામાં શ્રમ કર્યા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. સંસ્કૃત સુભાષિતોમાં સાચું જ કહેવાયું છે કે સૂતેલાનું ભાગ્ય સૂતું રહે છે ને ચાલતાનું ભાગ્ય ચાલતું રહે છે. સૂતેલા સિંહના મુખમાં જઈને કંઈ મૃગલાં પ્રવેશતાં નથી. શ્રમ મનુષ્યનાં તન, મન અને ધનને સાબૂત રાખે છે. શ્રમથી શરીરનું આરોગ્ય જળવાય છે. શરીર સુદૃઢ, સ્વસ્થ ને સસક્ત બને છે. શ્રમ કરનારથી રોગો દૂર રહે છે. આવા સ્ફૂર્તિલા શરીરમાં રહેતું મન પણ પ્રફુલ્લિત અને આનંદિત રહે છે. તેનો કામ કરવાનો ઉત્સાહ વધે છે.  આમ, શ્રમ, સમૃદ્ધિને તંદુરસ્તીનું શુભાચક્ર શરૂ થાય છે.

[email protected]